Articles

આમુખ ('નાદબ્રહ્મ')     

શ્રી છગનભાઈ ભૂલાભાઈ ભક્તના    
રામકબીર    
પ્રમુખશ્રી, શ્રી રામકબીર ભક્ત સમાજ વતી    


અલ્હામ્બ્રા, કેલિફોર્નિયા    
જાન્યુ. ૧, ૧૯૮૨    


Nadbrahma

નાદબ્રહ્મ પરમેશ્વર તે નાદબ્રહ્મ. ધ્વનિ-અવાજ-ધૂન એ બધું નાદ સાથે સંકળાયેલું છે. અંતરનો અવાજ ધ્વનિરૂપે પ્રવાહિત થાય ત્યારે સચરાચરમાં વ્યાપેલા પરમાત્માને તે સ્પર્શે અને ચોક્કસ પ્રકારનું પરિણામ સર્જે. જડ ચેતનમાં બધે વ્યાપક રૂપે ગર્ભિત રહેલા પરમાત્માના સ્વરૂપને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં Divine Being કહી શકાય. નાદ દ્વારા બ્રહ્મ સુધી પહોંચવા માટે આપણે સજાગ બન્યા તે પરમાત્માની કૃપા જ ગણાય. આ રીતે ભારતનો સમૃદ્ધ વારસો આપણે અમેરિકામાં પણ જાળવ્યો તે નાનીસૂની વાત ના ગણાય. આવો ગ્રંથ દરેક ઘરે સ્થાપવામાં આવે તો ભાવિ બાળકોને તે પ્રયત્ન કરવામાં આવે ત્યારે જરૂર સંસ્કાર સિંચન માટે ઉપયોગી ઠરે. સારા સંસ્કારથી ઉત્ક્રાંતિને વેગ મળે છે તે આપણે ખ્યાલ રાખવો જોઈએ. વળી ભવિષ્યમાં આપણાં બાળકો ધાર્મિક અભ્યાસમાં સંશોધન કરવા વિચારે ત્યારે પણ આપણું પ્રકાશન અત્યંત ઉપયોગી નીવડશે. આ દૃષ્ટિએ રામકબીર-ભક્ત પ્રણાલિકા અમેરિકામાં પણ નદીના પ્રવાહની જેમ સતત જીવંત રહેશે.

આ સ્થળે ભક્ત પરિવારોને ખાસ વિનંતિ કરવા ચાહું છું. આપણું ધાર્મિક સાહિત્ય ગુજરાતી ભાષામાં જળવાયેલું છે. તે ધાર્મિક સાહિત્ય સાથે આપણા વંશપરંપરાગત સંસ્કારો સંકળાયેલા છે. તે સંસ્કારોને ભાવિ બાળકોમાં જીવંત રાખવા માટે આપણે સંગઠિત થયા છીએ. ગુજરાતી ભાષા બાળકો શીખશે તો જ આ સંસ્કારો તેમના હૃદયમાં ઊતરશે. માટે અમેરિકામાં આપણે સાવધાન રહીશું તો જ તે વ્યવસ્થા કરી શકીશું. આપણે બાળકોન ભાવિનું ઘડતર કરવા માટે જ તન, મન અને ધનનો ભોગ આપવો પડશે. માત્ર અંગ્રેજી શિખવાડશો તો તે બાળક અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલી ધાર્મિક ભાવનાનો જ પરિચય કેળવશે. ભવિષ્યમાં તે બાળક આપણું રહેશે નહિ. માટે દરેક માત-પિતાએ ખાસ યાદ રાખવું કે બાળકના જન્મ પછી બાળકને ઘડનારું સૌથી મોટું પરિબળ હોય તો તે તેની માતૃભાષા છે. માતૃભાષા માટે વધારનારો સમય ફાળવી બાળકને પ્રયત્ન કરીશું તો જ આપણું સત્ત્વ જળવાશે.

બે ત્રણ વર્ષ પહેલાં મારી પાસેથી શ્રી હરેકૃષ્ણના એક ભક્તે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ નામનું નરસિંહ મહેતાનું ગુજરાતી ભજન, જે પૂજ્ય મહાત્મા ગાંધીજીને ખૂબ પ્રિય હતું અને ભારતમાં ખૂબ જાણીતું છે તે મેળવ્યું. આ ભક્તે બે હજારની મેદનીમાં જ્યારે ગાયું ને મેં સાંભળ્યું ત્યારે મને થયું કે ધન્ય છે આ અમેરિકનને!  જે આપણે નથી સમજી શક્યા તે આ અમેરિકન સમજી શક્યો!  મને પ્રેરણા મળી અને ‘નાદબ્રહ્મ’ નાદ પ્રકાશન માટે તૈયાર થયો.

હોળી, ધૂળેટી, રામનવમી, જન્માષ્ટમી, રથયાત્રા, કબીર જયંતી, બેસતું વર્ષ, અખાત્રીજ, વસંતપંચમી, મહાશિવરાત્રિ તેમજ જન્મ ને મરણના પ્રસંગોમાં ઉપયોગી થાય તેવા ભજનોનો આ સંગ્રહ વારતહેવારે, ડગલે ને પગલે, આપણને ઉપયોગમાં આવશે એવી ખાતરી થઈ છે. આપણે હવે ભક્ત સમાજની ઢભે ભજનો ગાતાં શીખ્યા છીએ અને એ ફૂલફાલે, ભક્તિયોગની જ્યોત લોકો સમજીને અખંડ જલતી રાખે એવી પ્રભુ પ્રાર્થના.

શ્રી રામકબીર ભક્ત ભજન સંગ્રહની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૫૮માં ભારતમાં પ્રગટ થયેલી. આ બીજી આવૃત્તિ આપણે ‘નાદબ્રહ્મ’ના પવિત્ર નામથી પ્રકાશિત કરીએ છીએ. પ્રથમ આવૃત્તિમાં સિંહફાળો આપનાર મૂળ તરસાડીના પી.પી. ભગત, કપુરાના વલ્લભાઇ ગોવિંદજી ભક્ત, રામભાઈ ગોપાળજી ભક્ત, ભૂલાભાઈ ગોકળભાઈ ભક્ત, શ્રી ગોકળભાઈ ભગવાનજી ભક્ત અને શ્રી નટુભાઈ વલ્લભભાઇ ભક્તને યાદ કરી સપ્રેમ રામકબીર પાઠવીએ છીએ. તેઓ સહુ સંગ્રાહક તરીકે વંદનના અધિકારી છે. બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા સંમતિ મેળવી આપનાર ભક્ત સમાજના મંત્રી શ્રી લલ્લુભાઈ પ્રભુભાઈ ભક્તની સાભાર નોંધ લઈએ છીએ. શ્રી ગોકળભાઈ કરસનજી દેસાઈ, ચીખલી, ‘નાદબ્રહ્મ’ને વ્યવસ્થિત સ્વરૂપ આપનાર તરીકે મહત્વની સેવા આપી છે. ભારતમાં આ પુસ્તકના મુદ્રણ કાર્યમાં મદદરૂપ થવા માટે શ્રી ચંપકભાઈ ધીરજભાઈ ભક્ત, સ્યાદલા તથા શ્રી સન્મુખભાઈ ડાહ્યાભાઈ ભક્તની અમે હૃદયપૂર્વક કદર છીએ.

ખાસ કરીને શ્રી ઈશ્વરભાઈ પ્રભુભાઈ પટેલ, કપુરા જેમણે પદોનાં અમને અઘરા લાગતા શબ્દોના સરળ અર્થ કરી આપ્યા છે અને અમેરિકાના એમના પ્રવાસ દરમિયાન કેટલીય સમજૂતી અને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થયા છે તેની સાભાર નોંધ લઈએ છીએ.

અમેરિકામાં જાણીતા થયેલાં ભજનોને મેળવી આપવામાં મદદરૂપ થવા શ્રી ગોવિંદભાઈ લલ્લુભાઈ ભક્ત, દેગામા તેમજ શ્રી રમણભાઈ ડાહ્યાભાઈ ભક્ત, ઓરણાનો આપણે આભાર માનીએ છીએ. આ મહાન ગ્રંથ સુઘડ અને વ્યવસ્થિત રીતે ખૂબ કાળજીથી અને સમયસર છાપી આપનાર સુરુચિ છાપશાળા બારડોલીના કાર્યકરો શ્રી મોહનભાઈ પરીખ અને શ્રી નટુભાઈ પટેલ વગેરેનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કબીર સાહેબના સો પદોને અંગ્રેજીમાં ઉતાર્યા હતાં. તેમાંથી કેટલાંક આપણને મેળવી આપનાર શ્રી નર્મદાશંકર એમ. દવેના આપણે આભારી છીએ.

અને છેલ્લે આ ગ્રંથને પ્રગટ કરવામાં દાન આપનાર આપણા અમેરિકાવાસી શ્રી મનુભાઈ લલ્લુભાઈ ભક્ત (સૂરત) અને આપણા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ભીખાભાઈ (બાજીપુરા) ના આપણે ઋણી છીએ. નામીઅનામી સીધી કે આડકતરી મદદ કરનાર સહુ કોઈનો આ તબક્કે આપણે આભાર માનીએ છીએ.

કેલિફોર્નિયા સ્ટેટના સેનેટર શ્રી Alan Cranston (શ્રી એલન ક્રેન્સ્ટન) જેમણે લાઈબ્રેરી ઓફ કૉંગ્રેસના કૅટલોગ કાર્ડ નંબર મેળવી આપવામાં બહુમૂલ્ય મદદ કરી છે. તેમને આપણે હાર્દિક આભાર માનીએ છીએ.

--------------------------

(આ 'નાદબ્રહ્મ' ગ્રંથને ઑનલાઇન સૌ કોઈ વિશ્વમાં વાંચી શકે અથવા ડાઉનલોડ કરી શકે એ હેતુથી સ્કૅન કરીને એક PDF ફાઇલ રૂપે આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જે ડાઉનલોડ વિભાગમાં મળી રહેશે.)