Articles

આરતી
શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તન - ગુજરાતી ભાવાનુંવાદ (પૃષ્ઠ-૮૩)
સ્વામી જગદીશચંદ્ર યદુનાથ

વાણી જેને સાથે પરણી છે તે પરબ્રહ્મની આરતી કરે છે જેને જેવા ગુરુ મળે તેને તેવી સૂઝ પડે છે. અહીં અધ્યારુજીને પદ્મનાભ ભગવાન જેવા ગુરુ મળ્યા છે. તેથી વાણીને પરબ્રહ્મ સાથે પરણાવવાનો સાચો માર્ગ મળ્યો છે. હવે આવા પરબ્રહ્મ જેવા પતિને પામેલી વાણી; તેમના પ્રેમમાં રત તલ્લીન બની છે. પ્રેમાવસ્થામાં આવેલી વાણી; પતિ માટે આસક્તિ વ્યક્ત કરવા આરતી કરે છે. આરતીમાં પોતાના અંતરનાં ભાવોના ઉદ્વેગને રજૂ કરવામાં આવે છે. આવા ભાવને રજૂ કરવા માટે કોઈનેય ક્યારે પણ દીવાની કે ઘંટડીની જરૂર પડતી નથી. ભક્તોના પ્રકારનું પૃથક્કરણ કરતાં ચાર પ્રકારના ભક્તો ગણાવ્યા છે. અર્થાર્થી, આર્ત, જીજ્ઞાસુ અને જ્ઞાની આમાં કોઈ પણ પ્રકારના ભક્તને ભક્તિ કરવા માટે દીવાની કે ઘંટડીની જરૂર હોતી નથી. કીર્તન, ભક્તિ કરનાર ભક્ત કાંસી, મૃદંગ, તંબૂરો, મંજીરા, ખંજરી, વિગેરે રાખે, તે તેના આવેશને પ્રોત્સાહન આપનાર છે. પણ ભાડૂતી કીર્તનિયાઓ તો દેખાવ કરનાર નટ જેવા હોય છે. કીર્તન તો ભગવાનની કીર્તિ ગુણાનુવાદ ગાનને કહેવાય.

नाम लीला गुणादिनाम उच्चैर्भाषातु कीर्तनम्  |

નામ, લીલા, ગુણને મોટેથી બોલવાં તે સંકીર્તન. સંકીર્તન શબ્દ પરથી કીર્તન શબ્દ બન્યો છે. તેનો અર્થ છે અવાજથી કહેવું.

बहुर्भिर्मीलित्वा कीर्तनं संकीर्तनमित्युच्यते |

બહુ જનો ભેગા મળીને જે કીર્તન કરે તેને સંકીર્તન એવું કહેવાય છે.

કીર્તનમાં ભગવાન ઉદ્ધવ, હનુમાન વિગેરે મુખ્ય ભક્તો પધારે છે. કીર્તનમાં કે આરતીમાં દીવાની કે ઘંટડીની જરૂર નથી. ભગવાનને યોગી લોકો હૃદયકમળમાં અંગૂઠાના આકાર જેવો, જેમ દીવાની જ્યોત વાંકી હોય છે તેવો ગણીને, તેનું ધ્યાન ધરે છે. આ યોગીઓને દીવાની જરૂર નથી, તેથી અધ્યારુજી કહે છે.

एक विशेषे जाणिये | ने दिपवंत आकार ||
रस पात्र वृत परहरि | अंजन सहेज निवार |२९|| हर्षभावन

દીવાની જ્યોત જેવા આકારવાળા ભગવાનની આ એક ખાસ ભાવના છે એવું સમજવું પણ દીવાના પત્રમાં ઘી અને દીવેટ દ્વારા પ્રકાશની ભાવનાને સરળ રીતે મનમાંથી કાઢી નાખવી.

અધ્યારુજી તથા પદ્મનાભ મૂર્તિપૂજાને માનતા નથી - “હરિ અમૂરત ધ્યાઈએ” એવું હિંદોલામાં કહે છે. માટે આરતીને દીવો પ્રગટાવીને કરવી પડે એવું તેમણે માટે જરૂરી નહોતું. માટે જ આપણે આરતી ઉતારતા નથી કારણ કે આપણી સમક્ષ કોઈ દેવ-દેવી કે ભગવાનની મૂર્તિ નથી. તેથી આપણે આરતી ગાઈએ છીએ. વળી ભગવાન માટે આરત, આતુરતાને ઉતારવાની ન હોય. યાને તેને દિલમાંથી મટાડી દેવાની ન હોય તો તેની નજર ઉતારવી પડે છે તેથી તે નજરની અસરનું દુઃખ ટળી જાય. પણ આપણે કંઈ ભગવાન માટેની આરતને ઉતારી દેવા માગતા નથી. અને જેઓ નજર ઉતારે છે તેઓ મરચાં લીંબુ કે એવી કોઈ ચીજને જેને નજર લગી હોય તેની આસપાસ ત્રણવાર ફેરવીને તે મરચા વિગેરેને ચોરે ચોંટે નાખી આવે છે. તેવી જ પ્રથા આરતીમાં પણ જોવા મળે છે. દીવાને ભગવાનની મૂર્તિ સમક્ષ ત્રણ વર ફેરવીને ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. પણ સાચું સમજીએ તો આરતી ઉતારીએ છીએ તે ઓમકારનું સ્વરૂપ છે. માટે આપણા ધ્યેયને માટે તે પ્રતિકૂળ છે, તેથી આરતી ઉતારવી એ તો સદગુરુના આદેશનું ઉલ્લંઘન છે. આપણે તો માનસિક ભાવોને વ્યક્ત કરીને આરતી કરીએ છીએ. માટે આપણે આરતી ભણાવી એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. અહીં અધ્યારુજી; ભગવાન પદ્મનાભજીની સમક્ષ આ આરતી ભણે છે, તેમાં પદ્મનાભજીના વિષે તેમના અંતરની ભાવનાઓ વ્યક્ત કરે છે. દાસ કબીરજી કહે છે :

कबीर ऋतुवती आरत करै |  राम सनेही आव ||
सुरति किये सांई मिले |  तो बिरहिनिके बड भाग  ||१||

દાસ કબીરજી કહે છે ઋતુકાળ (રજોદર્શન પછી સોળ દિવસ વિત્યા ન હોય અને જે ગર્ભાધાનને યોગ્ય હોય તેવી સ્ત્રી) આવ્યો હોય એવી પ્રેમાવસ્થાવાળી સ્ત્રી ઉત્સુકતા, આતુરતા કરે છે, કે હે મારા પ્રેમી તમે આવી જાવ. આવી આસક્તિ કરવાથી જો સ્વામી મળે તો વિરહિણીનું મોટું ભાગ્ય ગણાય.

कबीर ऋतुवती आरत करै | दरसन दो मेरे राम ||
बुंद नाखो स्वातिका |  शीतलता विश्राम  ||२||

દાસ કબીરજી કહે છે, ઋતુવતી, પ્રેમાવસ્થાવાળી સ્ત્રી એવી આતુરતા કરે છે કે હે મારા સ્વામી !  તમે મને તમારાં દર્શન પણ આપો અને સ્વાતિ નક્ષત્રમાં જેમ વરસાદનું બુંદ પડે છે તેમ તમે મારામાં તમારું બુંદ નાખો, ગર્ભાધાન કરાવો તો રોચક ઠંડકનો વિસામો મળે.

આરતીની અંદર આવી ભાવના હોય છે તે ભાવનામાં બીજા દીવા દીવેટની માધ્યમતાની જરૂર હોતી નથી. એનું નામ સાચી આરતી. આ આરતીમાં પ્રેમની જ્યોત હોય છે. આ પ્રેમ-લક્ષણા ભક્તિ છે.

दीपक प्रगटयो जीवणा |  जब दर्शन पायो संत ||
भानु उग्यो तिमिर गयो |  कटे कर्म अनंत ||७२|| संत

જીવણદાસજી મહારાજ કહે છે, જ્યારે સંતનાં દર્શન થાય છે ત્યારે પ્રેમભક્તિનો પ્રકાશ પાડે તેવો અનેરો ભાવાત્મક દીવો પ્રગટ થાય છે. અને જેમ સૂર્યોદય થવાથી અંધકાર જતો રહે છે તેમ આપણાં અનંત દુષ્કર્મો પણ કપાય છે.

जित जुलाहो प्रगटयो | कियो नाम प्रकाश ||
वेद मथी माखाण लियो | पंडित पीवे सर्व छाश ||२|| दोहो

જીવણદાસજી મહારાજ કહે છે, વણકર કબીર રૂપી (સંત સ્વરૂપે ભગવાનનું) તેજ પ્રગટયું અને ભગવદ નામ રૂપી પ્રકાશ થયો તેમણે વેદોનું (કર્મકાંડ સિવાયના વેદના ભાગનું) મંથન કરીને (ભગવદ નામ રૂપી) માખણ તત્વ છલકપટ સિવાયની ભક્તિથી) લઈ લીધું અને બધા પંડિતોએ ખટદર્શન, ખટ કર્મ, ખટ શાસ્ત્ર, કર્મકાંડ ઈત્યાદિ રૂપી છાશ પીધી.

આધુનિક સમયની આરતી તો પૈસા ઉઘરાવવાની ભાવનાથી લોકો ઉતારે છે તેવી આરતી આપણી નથી. આપણી આરતી તો ભગવદ પ્રેમની આરતી છે.


|| અથ શ્રી આરતી ||

Uda Bhakt Samaj

परब्रह्म पद्मनाभ पुरुषोत्तम पढे नहि ए | हरि अविगत गोविंद चंत | सार करो श्रीपति धणी ए |
પરબ્રહ્મ એવા પદ્મનાભ જેવા વિષ્ણુભગવાન જેવો બીજો કોઈ શ્રેષ્ઠ ભગવાન નથી એવા આ અવ્યક્ત જાણી ન શકાય તેવા ભગવાન ગોવાળ કૃષ્ણ જેવા સ્વામી છો. એવા તમે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ અમારા માલિક અમારી ઉપર તમારી કૃપા કરો.

हरि चतुर्भुज श्यामलवरण | शारंगधर सोहामणो ए ||
हरि रुअडलो वैकुंठराय | दुष्कृत हरण दामोदरो ए ||२||
ચાર હાથવાળા, શ્યામ રંગવાળા ભગવાન વિષ્ણુ સુંદર છે એવા સુંદર વૈકુંઠના રાજા; ભગવાન વિષ્ણુ દુસ્કાર્મોને હરી લે એવા કૃષ્ણ છે.

कबीर चार भुजाके दरसके | अटकी रहे सब संत ||
तहां कबीरा विलंबिया (रम रह्या) | जहां देखा भुजा अनंत ||१||
સદગુરુ સત્સંગ વિના ચાર ભુજાના ભગવાનના દર્શનમાં ભેખધારી બધા ભૂલા પડે છે પણ સદગુરુ કબીર તો એવા મહાન ભગવાનની ભક્તિમાં રચી રહ્યા છે કે, જ્યાં અનંત ભુજા હોય તેવા સર્વાત્માનું દર્શન થાય છે.

व्यास वृंदावनके रुखका | मरम न जाने कोय ||
एक पातके ध्यान धरे | सो चतुर्भुज होय ||१||
વ્યાસજી કહે છે, વૃંદાવનના વૃક્ષના માહાત્મ્યના રહસ્યને કોઈ જાણતું નથી. જો તે વૃક્ષના એક જ પાનની ભક્તિ કરે તો તે ચતુર્ભુજ ભગવાનના જેવો ભગવદમય બની જાય, કૃષ્ણમય થઈ જાય છે.

हरि निरंजन निराकार | निष्कलंक पुरुष आराहीए ए ||
हरि गाईये द्वारका रायु | श्यामलवरण सोहामणो ए ||३||
ભગવાન માયારહિત નિર્ગુણ નિરાકાર છે એવા શુદ્ધ પરમાત્માની સેવા આરાધના કરીશું. દ્વારકાના રાજા; ભગવાન કૃષ્ણ જે શ્યામ રંગવાળા સુંદર છે તેમના ગુણગાન ગાઈશું.

हरि सेवो समरथ सार | पार जेहनो कोई नव लहे ए ||
हरि सोई ए छे अविनाश | वास आपे वकुंठनो धणी ए ||४||
જે ઉત્તમ યથાર્થ સર્વશક્તિમાન ભગવાન કે જેમના રહસ્યને કોઈ સમજી શકતું નથી તેમની ભક્તિ કરો. આ એ જ એવા અવિનાશી, નિત્ય ભગવાન છે કે જે આપણને તેમના ચરણના શરણમાં વાસ આપે તેવા વૈકુંઠના પતિ છે.

हरि माधव मुकुंद मोरार | महाव देव सोहामणो ए ||
हरि भक्ति मुक्ति दातार | नारायण छे निरमलो ए ||५||
આ ભગવાન માધવ, મુકુંદ મોરારિ એવા એ મહાન મોટા સુંદર ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ભગવાન આપણને ભક્તિ અને મુક્તિ આપે તેવા પવિત્ર સાક્ષાત્ વિષ્ણુ ભગવાન છે.

सदा शारंगधर सुविचार | पारलो कहानैया आत्मा ए ||
ओ आवेगे मलायेस वार | तारने त्रिभुवन टलवले ए ||६||
હંમેશા વિષ્ણુની અનન્ય દૃઢભક્તિનો જ નિશ્ચય રાખો. હે કૃષ્ણ !  તમે આ આત્મા ને ભવ પાર ઉતારી દો. ઓ પ્રભુ !  તમે હવે ઉતાવળે વાર લગાડ્યા વગર મળો અને આ ત્રણે ભુવનના આત્માઓ તરફડિયાં મારીને ટળવળે છે, તેમને ઉગારો.

जिवडो मोह्यो छे कल्पना मांहे | कलि काले जिव झंपियो ए ||
हरि विना ना लहे कम रे उलास | सासद्यो स्वामी शारंगधर ए ||७||
હે પ્રભુ !  આ જીવાત્મા અનેક પ્રકારના તરંગોની ઉદભાવનાઓમાં આસક્ત થયો છે. એવા આ અધર્મવાળા કલિયુગમાં જીવ અટવાઈને કૂદી પડ્યો છે. માટે હવે  તમારી ભક્તિ દયા વગર કોઈ પણ પ્રયત્ન કરવા છતાં જરા પણ અંતિમ શ્વાસ લઈ શકે તેમ નથી. ભગવાન તમે જ અમને શ્વાસોચ્છવાસ જીવતદાન આપનાર માલિક છો.

सदा वैष्णव मन रे उछाह | आनंद अंगे उलट इ ||
भले आविया परब्रह्मराय | वहालुं वैष्णवजनमां परवर्युं ए ||८||
વૈષ્ણવોના મનમાં તો હંમેશા હર્ષોલ્લાસનો ઉમંગ હોય છે અને તેમનાં અંગોમાં આનંદ ઉભરાઈ આવે છે. હે પરબ્રહ્મ પરમાત્મા !  તમે પધાર્યા તે  ઘણું સારું ઠીક થયું. આ વહાલો પ્રેમી, પ્રભુ વૈષ્ણવજનોનાં અંતરમાં આવી જાય છે.

हरिनो वरत्यो जय जय कार | सार बोल हवे सुमधुरुं ए ||
हरिनो आव्यो रे मन विश्वास | पाश छूट्या चोहो खाणना ए ||९||
ભગવાનની ખુલાશીના જયજયકારનો પોકાર થયો હવે તો સુંદર ઉત્તમ મીઠાં ખુલાશાની સારી  ભાવનાના ભગવદ નામના શબ્દોચ્ચાર કરો. જ્યારે ભગવાનની ભક્તિ ઉપર મનમાં વિશ્વાસ આપ્યો, ત્યારે જીવાત્માના ચારે ખાણના બંધનો છૂટી ગયાં.

बाप घेर घेर वैंकुठवास | दास तमारा विनवे ए ||
भले आविया परब्रह्मराय | समरथ घणीने संते सवीआ ए ||१०||
હવે તો દરેકે દરેક, ઘેર ઘેર પરમપિતા પરમાત્માને તેમની ભક્તિનો વાસ થાવ, એવી તમારા ભક્તો વિનંતી કરે છે. હે પરબ્રહ્મ સ્વામી તમે પધાર્યા તે ઘણું સારું થયું.  તમારા જેવા સમર્થ ભગવાનની સંતોએ ભક્તિ કરી છે.

|| ઈતિ શ્રી આરતી સંપૂર્ણ ||

પૂજ્ય યદુનાથ મહારાજે આરતીનો સાર નીચે પ્રમાણે લખ્યો છે.
૧. આખા દિવસનાં કરેલા કૃત્યોની કબૂલાત રૂપે પ્રભુ પાસે માફી માગવી તે આરતી અથવા પ્રાર્થના છે.
૨. નિરંજન નિરાકાર પ્રભુને શી રીતે આરાધીએ તો મળે ?  દ્વારકારાય ગાઈએ, નિર્બલ ગણીને નહિ પણે તે સમર્થ અને અવિનાશી છે. એમ માનીને  ગાઈએ.
૩. હરિનો વિશ્વાસ પ્રાપ્ત થવાથી ચાર ખાણનાં બંધન છૂટે છે.

પૂ. યદુનાથે વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરતાં આરતીના પદનું વિશ્લેષણ નીચે પ્રમાણે કર્યું છે.

પ્રણામ
आदने अनेक (अनादि) तुं | स्थावर जंगम ताहरुं तेज ||
तुं गरुवोने ताहारुं नाम | सकल संत सु तुज परणाम ||१||
इंद्री तणा अपराध | परणामे पाछा करे ||
गरथ न भागे कांई | मुरख मन संसो करे ||२||
बिनति है निज दासकी | सुणिओ दिन दयाल ||
दस आपणो आण के | सदगुरु होय कृपाल ||३||
मैं सेवक हुं समरथका | कबहुं ने होय अकाल ||
जो पतिव्रता नागी रहै | ताहे पतिको लाज ||४||
बहु बंधनमें बांधिआ | एक बिचारा जिव ||
अपने बल छूटे नहि | जो न छोदावे पीव ||५||

હે પ્રભુ, સૃષ્ટિનું મૂળ કારણ, જેનો આરંભ કે અંત નથી એવા અનેક પ્રકારનો તું છે. તારું તત્વ દરેક સ્થાવર જંગમમાં રહેલું છે. તું જ મહાન મોટો છે અને તારું નામ મહાન અને મોટું છે. એવા પ્રભુ  તમને તથા બધા સંતો સહિતને મારા પ્રણામ છે.

ઈન્દ્રિયો દ્વારા થયેલાં કર્મોના દોષો તમને પ્રણામ કરવાથી પાછા વળી જાય છે. આ પ્રણામ કરવામાં કોઈ પણ જાતનો ખર્ચ લાગતો નથી. પરંતુ અણસમજુ માણસને તેમના મનમાં સંશય થાય છે.

તમારા પોતાના ભક્તની આ આજીજી છે તે હે દીન દયાળુ ભગવાન સાંભળો. મને તમારો દાસ સમજીને સદગુરુ તમે મારા પર કૃપા કરશો ને કરાવવાવાળા થશો.

હું તો સમર્થ સ્વામીનો  સેવક છું, તેથી મને કદી પણ હાની થશે નહિ. કદીય પતિવ્રતા, દુઃખી રહે તો તેના પતિને લજવાવું પડે. તેમ સેવકનું અકાજ થાય તો તેની ચિંતા પ્રભુ કરે.

પામર, લાચાર એવા એક જીવને કર્મના ઘણા જ બંધનોથી બાંધ્યો છે. તેના પોતાના બળ વડે તે બંધનોમાંથી છૂટી શકાય તેમ નથી. તેમાંથી તો તમે જ એક માત્ર છોડાવનાર છો.

પૂજ્ય યદુનાથ મહારાજે, આરતી માટે સુંદર વિસ્તાર પૂર્વક વિવેચન નીચે પ્રમાણે કર્યું છે. આરતી - સાકાર અથવા નિરાકાર પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારી જે તે દેવ આગળ દીપક ફેરવવાની ક્રિયાને આરતી કહે છે. નિર્ગુણોપાસકો મોટે ભાગે, દીપક ફેરવવાની ક્રિયા ન કરતાં પ્રત્યક્ષ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી હૃદયની સંપૂર્ણ ભાવના અને પ્રેમથી ગીત અથવા પદ દ્વારા પોતાના ઈષ્ટ સંમુખ હૃદયની ભાવના વાણીથી વ્યક્ત કરે છે. તે જેટલી આંતરમુખ હોય છે તેટલી જ અસરકારક થાય છે. જેટલી દેખાવથી કરવામાં આવે છે તેટલી તે વ્યર્થ છે. સાચા રડતા બાળકની અને ઢોંગથી રડતા બાળકની જેટલી અસર તેની માતાની ઉપર થાય છે તેટલી જ હૃદયસ્પર્શી અને દંભી પ્રાર્થનાની અસર ઈશ્વર તેમજ સર્વે ઉપર થાય છે ...

Related Link(s):
1. શ્રી પદ્મનાભ પરિબ્રહ્મ

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083