: ૐ માપ્રભુ :
દિનેશભાઈ પરભુભાઈ ભક્ત
શ્રી રામકબીર ભક્ત સમાજના તમામ ભાઈઓ-બહેનો-વડીલો-બાળકોને સૌને જય પરમાત્મા-રામકબીર-જય કૃપાળુ મા.
આપણે સૌ કબીરના ભક્તો હોવાનું ગર્વ લઈએ છીએ તેથી ઘણો જ આનંદ થાય છે અને આપણે સૌ કબીરના ભજનો પણ સુંદર રીતે ગાઈએ છે એ પણ ગર્વ લેવા જેવી વાત છે. પણ હવે આપણે સૌ આપણું જીવન કેવી રીતે જીવીએ છે તે તપાસવાની જરૂર છે.
આપણે સૌએ આપણું બાકીનું જીવન, બને એટલું નિર્મળ, નિર્વ્યસની, શાકાહારી, સરળ, અહંકાર રહીત, શ્રમવાળું, સ્વાભિમાની, સ્વમાની, સાદુ, સંપીલું, નિષ્કપટી, ભક્તિમય, પવિત્ર, પ્રમાણિક, ક્ષમાભર્યું જીવવા પ્રયત્ન કરવો જોઈએ. સૌએ આપણા જીવનમાં તપાસ કરવાની જરૂર છે કે ઉપરના ગુણોમાંથી આપણા જીવનમાં કયા ગુણો કેટલા પ્રમાણમાં છે. તપાસતા આપણને એમ લાગે કે અમુક ગુણોનું પ્રમાણ ઓછું છે તો કુટુંબના તમામ સભ્યો તથા મિત્રો ભેગા મળીને તેને વધારવા પ્રમાણિકપણે પ્રયત્ન કરવો જરૂરી છે. જેમ જેમ સદ્ગુણોનું પ્રમાણ વધતું જશે તેમ તેમ તમારા આત્માને અંદરથી આનંદ-સંતોષની લાગણી વધતી જશે. અને તમારું જીવન અમુક કક્ષાએ પહોંચ્યા બાદ તમને ભજન ગાયાનો, સાંભળ્યાનો તદ્ઉપરાંત રામકબીર (તમને જે ગુરૂ-ધર્મમાં શ્રદ્ધા હોય તે) ધર્મ ના ભક્ત હોવાનો સાચો ગર્વ થશે.
આપણા કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ઉંમરે ચિરવિદાય થાય છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને દુઃખ થાય છે પણ તે વ્યક્તિનો આપણી સાથેના સહવાસ દરમ્યાન આપણે એ વ્યક્તિની સાથે પ્રેમ ભર્યો, આત્મીયતા ભર્યો, પ્રમાણિકતા ભર્યો વ્યવહાર અને બને એટલી મન વચન અને કાયાથી સેવા કરી શક્યા હોઈએ તો એમાંથી ઉત્પન્ન થતી સંતોષની લાગણી આપણને જુદાઈનું દુઃખ હળવું કરવામાં અને સૌના આત્મકલ્યાણ થવામાં મદદરૂપ થાય છે.
મનુષ્ય જીવનમાં હેતુઓ ઘણા હોય છે પણ મુખ્ય હેતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ધર્મમાં રહીને સૌએ અર્થ અને કામને પ્રાપ્ત કરવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરવાનો છે અને એ કરતાં કરતાં મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એને માટે સદ્ગુરૂની કૃપા અને આગળ જણાવ્યા પ્રમાણેનું આપણે બાકીનું જીવન વ્યતીત કરવા પ્રમાણિકપણે પ્રયત્નો કરવાનો છે. ૐ નું જ્ઞાન મેળવી ૐ પરમાત્માનાં જપ કરીશું. તો મનુષ્ય જન્મ આપણા સૌનો સફળ થશે.
આપણા જીવનમાં આગળ જણાવ્યા પ્રમાણેના સદ્ગુણોનું પ્રમાણ વધુ હશે તો આપણા ધર્મ અને ધર્મગુરૂ નું સ્થાન ગર્વથી ઊંચે રહી શકે.
ૐ (પ્રણવ) નું જ્ઞાન પ્રાપ્ત કરી-સમજી એને (“ૐ પરમાત્મા”) જપ કરતી વખતે બિંદુમાં લક્ષ રાખી જપવાથી આત્માનું કલ્યાણ કરવામાં સરળતા રહે છે. નીચેના ભજનમાં પણ કહેવાનો એજ હેતુ છે.
રાગ - ચલો મન ગંગા યમુના તીર
બોલો ૐ પરમાત્મા
પ્રેમથી બોલો ૐ પરમાત્મા,
ભાવથી બોલો ૐ પરમાત્મા,
સદ્ગુરૂ કરશે કલ્યાણ ..... બોલો
હૃદયને પ્રેમથી નિર્મળ બનાવો,
સદ્ગુરૂને શરણાગત થાઓ
આશિષ વરસે અપાર .... બોલો
સદ્ગુરૂ કબીરસાહેબની કૃપાથી
સદ્ગુરૂ વલ્લભરામ કૃપાથી
શ્રીપ્રભુ યોગેશ્વરની કૃપાથી
મા સર્વેશ્વરીની કૃપાથી
મોક્ષ મેળવનારો ....... બોલો
ભૂલ ચૂક હોય તો ક્ષમા માંગુ છું.
લિ. દિનેશભાઈ પરભુભાઈ ભક્ત (સ્યાદલા, Harlingen, Texas, USA) નાં
જય પરમાત્મા-રામકબીર-જય કૃપાળુ મા.
Add comment