ભકિતભાઇ વલ્લભભાઇ ભક્ત,
સરઇ ના મંતવ્ય મુજબ
ભક્ત સમાજમાં સારા માઠાં પ્રસંગે ભજન કીર્તન કરવાનો સારો રિવાજ છે. મનુષ્ય ભવ તરવાનાં સાધનોમાં જ્ઞાન વૈરાગ્ય, ભાવ, ભક્તિ ભારતીય સંસ્કૃતિ એ અનેક મોટા પૌરાણિક શાસ્ત્રીય ગ્રંથો જેવા કે ઉપનિષદ, શ્રુતિઓ સ્મૃતિઓથી માંડીને રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા જેવા ગ્રંથો ઋષિમુનિઓએ બનાવેલ છે. પણ તે બધા વિદ્વદ્ ભોગ્ય છે. એ સામાન્ય જનતા વિશેષ સમજી શકે નહીં. એટલે સંતોએ આમ જનતા સારુ આ ભજન રચ્યાં. આ ભજનો ભારતના હિન્દુ સમાજમાં જ નહીં. ખ્રિસ્તી અને મુહમદન કે પારસી સમાજમાં પણ નૃત્ય, સંગીત કે અન્યરૂપે જોઈ શકાય છે. ભારતના આદિવાસીથી માંડીને ઉચ્ચસ્તરના ગણાતા સમાજમાં પણ એને સ્થાન મળેલ છે.
પણ હું તો કેવળ ભક્ત સમાજનાં ભજન કીર્તનની વિશિષ્ટતા માટે લખવા પ્રેરાયો છું. એ ભજન કીર્તન સૂર્યોદયથી માંડી ને બીજા દિવસના સૂર્યોદય સુધીના સમયના વિવિધ રાગ રાગિણિ પ્રમાણે કાંસા, મૃદંગ, નરઘાં સાથે તાલ અને વિવિધ ગત કે ચાલમાં સંકળાએલાં છે. જેમકે ત્રિતાલ, ચોતાલ, હંસદોલ વગેરે હવે આપણે ચોવીસ કલાકના દિવસમાં ગવાતા ભજન નિહાળીએ.
સૂર્યોદય પછી છ થી આઠ સુધી રાગ તોડી કે બિલાવલ, આઠ થી દસ નાની આશાવરી, ૧૦ થી ૧૨ મોટી આશાવરી, ૧૨ થી સૂર્યાસ્ત સુધી રાગ સારંગ, સંધ્યાકાળે ક્રમશઃ કલ્યાણ, કાફી, કનડો, કાલેરો, મારૂ, સોરઠ, સોહિણી, બિહાગ અને છેલ્લે મધરાતે કેદારો આલાપાય ગવાય છે. આને બારમાસી રાગો પણ કહ્યાં છે. મધરાત પછી પંથીડા અને સામેરી પછી પંચમ સામેરી અને મળસ્કે પ્રભાત રાગો જેવા કે દેવગંધાર, રામગરી, રામકલી, નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં, ઈત્યાદિ વડે ચોવીસ કલાક પૂરા થાય છે.
આ ઉપરાંત ધોળ, મંગલ કબીરનાં હોય છે. તથા પાટણમાં થઈ ગયેલા અધ્યારૂજીનાં ૨૮ કીર્તન હોય છે. જેમ કે વિનંતી, વેદ પુરાણ, સોરંગી, વહુ ધોળ, પૃથ્વી, વીટવા, હર્ષભાવન. આદિ વધુમાં બહેનો માટે પણ ઘણાં કીર્તન છે. તુલસી વિવાહ, એકાદશી, સુભદ્રાનું મોસાળું, રૂકિમણીની કંકોત્રી, સીતાજીના સાડલા, જનકના માંડવા, કનૈયાની આરતી, ઈત્યાદિ. અત્યાર સુધી આપણે ભજનોના રાગરાગિણી અને તેમના સમય વિશે જાણ્યું. હવે ઋતુ અને માસ પ્રમાણે જાણીએ.
વર્ષની ષડ્ ઋતુ એટલે કે છ ઋતુ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હેમંતના કાર્તિક અને માગસર માસમાં ગોવર્ધન રાસ અને બાર માસીના કલ્યાણ રાગથી માંડીને કેદારા સુધી ગવાય છે. પોષ અને માહ માસમાં નાની મોટી વધાવવાની. ફાગણ ચૈત્ર વસંત ધુમાર નાની મોટી બેઉ, તથા રંગ રસિયો, રાયસો, ધનાશ્રી, ફાગની ગરબી અને લટકણિયાના નામે ગવાતાં પદો છે. ઉપરાંત રામ નવમીના પદો છે.
આમ આપણે જોયું તેમ, સમય ઋતુ માસ અને ભાવ અનુસાર ભજનો નક્કી થયેલાં છે. અહીં એક ઉલ્લેખ જરૂરી માનું છું. અમેરીકામાં દેવલોક પામેલાંના અંતિમ ક્રિયા મોટા ભાગે સવારે થતી હોય છે પણ એ પ્રસંગે સંધ્યાની આરતી અને ગોડીનાં પદો ગવાય તે બંધબેસતું નથી. તે સમયે બિલાવલ કે આશાવરી ઉચિત છે. એ ન આવડે તો શીખી લેવામાં બહુ વાર લાગે તેવું નથી. અસ્તુ. ૐ
Add comment