મહંતશ્રી દયારામદાસજી ગુરુ કરશનદાસજી તથા મહંતશ્રી ગોકળદાસજી ગુરુ તુલસીદાસજી
પરિવારનો પ્રાથમિક પરિચય
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંભેટી ગામમાં પટેલ સમાજના પરિવાર સાથે સાથે ભક્ત સમાજના ગણ્યાગાંઠ્યા ભક્ત પરિવારનો વસવાટ હતો. થોડા કુટુંબ હોવા છતાં અંભેટીનાં ભક્ત ભજનિક, તબલચી અને ગાયક તો ખરા જ.
તે પૈકી ભગાભાઈ રણછોડભાઈ ભક્ત, મોરારભાઈ રણછોડભાઈ ભક્ત અને તુલસીભાઈ રણછોડભાઇ ભક્ત એમ ત્રણ ભાઈઓનું સંયુક્ત કુટુંબ શ્રી કબીરસાહેબનાં રંગે રંગાયેલું પરિવાર "તુલશીમાલાધારી" કુટુંબ તરીકે ઓળખાતું હતું. ખુબ જ ગરીબી હોવા છતાં ધર્મ, સત્સંગ ભક્તિની સાથે શ્રમયજ્ઞ દ્વારા કુટુંબની નાવને ઉમદા આદર્શ સાથે ચલાવી. શ્રી કબીરસાહેબના આધ્યાત્મિક વારસાના જતન રૂપે સૌ કપાળ, નાક અને કાન ઉપર લાંબા તિલક કરી કબીર સંપ્રદાયના ભક્ત તરીકે નામ રોશન કર્યું.
બંને મહંતશ્રીઓના પિતાશ્રી ભગાભાઈ રણછોડભાઈ ભક્ત અને માતાશ્રી જીવીબેન ભગાભાઈ ભક્તએ વધતી જતી કુટુંબની જવાબદારીને કારણે કુટુંબકબીલા ૧૦૦ વર્ષ પૂર્વે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દેરોદ ગામે સ્થળાંતર કર્યું. પરિવારમાં ચાર પુત્રો ડાહ્યાભાઈ, ધીરજભાઈ, ગોકળભાઈ અને મગનભાઈ તેમજ બે પુત્રીઓમાં રામીબેન (નવાનગર) સુમનબેન (ઓરણા) હતા.
દરરોજ વહેલા ઊઠી કુટુંબના તમામ સભ્યો નિત્યક્રમ પતાવી દેવસેવા-પૂજા પ્રાર્થના કરી તિલક લગાવી પોત-પોતાના કામે આનંદથી મંડી જતા. ખૂબ જ ગરીબીની વિકટ પરિસ્થિતિમાં સલાહસંપથી આનંદમાં રહી ઘરકામ, ખેતીમજૂરી ખૂબ જ ખંતથી કરતા-તેના પરિણામ સ્વરૂપ ગામના ભક્ત પરિવારમાંથી ગણોતે મળેલી જમીન કરતા હતા અને સાથે બહાર ખેત મજૂરી કરતા હોવા છતાં આવક ટૂંકી પડતી એવા કપરા સંજોગોમાં પણ અસલ અંભેટીનો ધર્મપરાયણ વારસો જાળવી રાખી સાંજે શ્રમ કરી થાકેલા હોવા છતાં દરરોજ સર્વે પરિવારજનો એકત્ર થઈ પ્રાર્થના કરતા. વળી એટલું જ નહીં પરંતુ રામનવમી, કબીર જયંતી, ગોકુળઅષ્ટમી જેવા અનેક ઉત્સવોમાં ઊંચા મધૂર સ્વરે ભજનો સ્વ. ભગાદાદાના કંઠે ગવાતા.
આમ શ્રમયજ્ઞની સાથે બાળકોને તે સમય મુજબ ફાઈનલ સુધીનું શિક્ષણ આપી જીવન ઘડતરમાં શ્રમ, ધાર્મિકતા અને સુંસ્કારી જીવનનો વારસો આપ્યો હતો.
કુટુંબનાં મોટા ડાહ્યાભાઈ અને વચલાભાઈ ગોકળભાઇએ એક થી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ દેરોદ ગામના ગુજરાતી શાળામાં અને ધોરણ ચાર થી સાત (ફાઈનલ) સુધી નો અભ્યાસ એમના સંબંધી સીતારામભાઈ ભીખાભાઈ ભક્ત-ઓરણાનાં ઘરે રહી ઓરણા ગુજરાતી શાળામાં મોરારજીભાઈ ભગાભાઈ તથા સીતારામભાઈ માસ્તર વિગેરે શિક્ષકો દ્વારા મેળવેલ.
ધોરણ સાત (ફાઈનલ) નો અભ્યાસ પૂર્ણ થયેથી બંને ભાઈઓ અવરનવર બાપદાદાના અસલ ખેતીનાં ધંધામાં આશરે ૧૫-૧૬ વર્ષની વયે મંડી પડયા.
વડીલ ડાહ્યાભાઈ મહંત શ્રી દયારામદાસજી બન્યા
પરિવારમાં સૌથી મોટા ડાહ્યાભાઇ હતા. ઓછું એટલે કે ધોરણ-૭ (ફાઈનલ) સુધીનું શિક્ષણ છતાં બાપદાદાનાં અમર વરસામાં ઉમદા જીવન સંસારનો વારસો એમનામાં પાયાથી જ હતો. શિક્ષણ પૂર્ણ થયા બાદ શ્રમયજ્ઞના સમયના વહેણ વચ્ચે એક દિવસ એમના ફૂવા ખુશાલભાઈ દુર્લભભાઈ ભક્ત (સ્યાદલા) તથા ફોઈ વાલીબેન ખુશાલભાઈ ભક્ત એમના ઘરે દેરોદ આવ્યા. ઘરના તમામ પરિવારજનો એકત્ર થયા ફોઈ-ફૂવાએ ડાહ્યાભાઈને રામકબીર મંદિર-સુરત ગાદીએ પૂજા અર્ચના અર્થે સેવા કરવા જવા માટેની વાતનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમય માટે પરિવારજનો સ્તબ્ધ બની ગયા. ચર્ચાને અંતે ગામના કેટલાક ભક્ત વડીલ આગેવાનોને બોલાવી વિચાર વિમર્સ કરી માતા પિતાની સંમતિ મળતા આ વાતને વેગ મળતા ડાહ્યાભાઈને આ વાતથી વાકેફ કર્યા. કુટુંબના વડીલ સમા ડાહ્યાભાઈએ ખૂબ જ ઊંડો વિચાર કરી કુટુંબજનો તથા ફોઈ ફૂવા તેમજ વડીલોની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો.
સૌની સંમતિ સધાતા વિદાય માટે એક સારા દિવસની પસંદગી કરવામાં આવી. તે દિવસે સવારે નિત્યક્રમ પતાવી સર્વે કુટુંબીજનો-ગામ પરિવારની હાજરીમાં શ્રી કબીર સાહેબની ગાદીએ દીવો પ્રગટાવી- ડાહ્યાભાઈને ટોપી પહેરાવી, તિલક-ચાંદલો કરી, તુલસીની કંઠી પહેરાવી, હાથમાં શ્રીફળ આપી ખુબ જ આનંદસહ ઘરમાંથી વિદાય કરી ગામના પાદર સુધી ભક્તિભાવથી ભાવભીની શુભેચ્છાસહ વિદાય આપી. માત્ર ૧૭ વર્ષની યુવાનવયે માતાપિતા સ્વજનો ગામ પરિવાર છોડી સવંત ૨૦૦૫ નાં શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવારે શ્રી રામકબીર મંદિરમાં સેવા-પૂજા માટે બિરાજમાન થયા.
તે સમયે મૂળ સ્યાદલાના ગોરધનદાસજી સુરત ગાદીના આચાર્ય હતા. સમયાંતરે ગોરધનદાસજી એ રાજીનામું આપ્યાબાદ તા. ૬/૮/૧૯૪૯ નાં શુભ દિને ડાહ્યાભાઈનું નામ બદલી દયારામદાસજીના નામથી હંગામી ધોરણે બે વર્ષ માટે આચાર્યપદે નિમણૂંક કરવામાં આવી.
વારસામાં મળેલ શ્રમ, સેવા, સંસ્કાર, ત્યાગ, પરોપકાર અને આધ્યાત્મિકતાના રંગે રંગાયેલ એમની જીવનશૈલી નિહાળી સમગ્ર ભક્ત સમાજે બે જ વર્ષના ટૂંકા ગાળામાં આનંદ ઉત્સાહથી ભાવવિભોર બની દયારામદાસજીને ચાદર ઓઢાડી. તા. ૪/૨/૧૯૫૧ પોષ સુદ ૧૩ના રોજથી મહંત દયારામદાસજી ગુરુ કરશનદાસજી નામથી કાયમી ધોરણે આચાર્ય તથા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પ્રસ્થાપિત કર્યા.
મંદિરની વ્યવસ્થા-પૂજા-અર્ચના-વળી આંગણે આવેલાને પ્રેમથી સત્કાર કરવો ધાર્મિક ઉત્સવો માટે અગાઉથી પોસ્ટકાર્ડ લખી સમાજમાંથી ભજન મંડળોને બોલાવી ઉજવણી કરવી સૌને પ્રેમથી જમાડવા વળી હિસાબોની સચોટ નોંધ રાખવી વિગેરે કામોની એમની કોઠાસૂઝ અને ચોકસાઈ દ્વારા એ સમગ્ર ભક્તસમાજનાં દિલમાં છવાય ગયા.
ભક્તસમાજમાં કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ હાજર થાય. લગ્નમંડપ હોય કે ભોજન મંડપ હોય એઓ મહંતશ્રી તરીકે આગવું સ્થાન જાળવતા, ભોજન મંડપમાં પણ હાથમાં બાજનો વિંઝણો બનાવી "આરોગો નરસિંહ" થાળ ઊંચા સ્વરે ગાતા ને આખો મંડપ જાણે ભાવવિભોર બની જતો. થાળ ગવાયા બાદ રામકબીર બોલતા અને ત્યારબાદ જ ભોજન જમાવાની શરૂઆત થતી.
તેવી જ રીતે કીર્તન-મિતિ પ્રસંગે ગાદી પાસેનું એમનું પ્રથમસ્થાન ખરે જ ગાદીપતિ તરીકે શોભાયમન બની રેહેતું, ભજન-કીર્તન તો સ્વ. ભગાદાદાના વારસાના જતન રૂપે એમને કંઠસ્થ હતા. આવા પ્રસંગોએ હાજર રહી ગાદી ભેટ સહર્ષ સ્વીકારી જે તે વ્યક્તિને રસીદ પોસ્ટ દ્વારા અચુક મોકલી આપતા. એટલું જ નહીં પણ લગ્ન તારીખ તેમજ બંને પક્ષની તમામ વિગતની નોંધ વ્યવસ્થિત રાખતા. મંદિરના તમામ આવક-જાવકની નોંધ સચોટ રાખતા અમેરિકન વિઝા લેવા જતી વખતે જે તે વ્યક્તિના લગ્ન અલ્બમમાં મહંતશ્રી દયારામદાસજીનો ફોટો તથા મેરેજ સર્ટી ઉપર એમની સહી જોતા જ લગ્ન સાચા હોવાનો પુરાવો માની વિઝા આપવામાં અમેરિકન જનરલ કોન્સુલેટને જરા પણ શંકા ન રહેતી.
આવા નવશીખ મહંતશ્રી દયારામદાસજી એક સાચા સચોટ હિસાબનીશ તો ખરા જ પરંતુ શ્રી કબીર મંદિરના સેવા-સમર્પણ અને નિ:સ્વાર્થ સેવાને લઈને આધ્યાત્મિક ગાદીપતિ તરીકેની એમની છાપ ભક્તસમાજના સૌ કોઈના હૈયે વસી હતી.
સ્વભાવની વાતો નીરાળી જ હતી, સ્વભાવે બાળકો સાથે બાળક જેવા, યુવાનો જોડે યુવાનો જેવા અને વૃદ્ધો સાથે એક આદર્શ વ્યક્તિ જેવા સદાયે આનંદિત રહી વ્યવહાર કુશળ બનીને સમગ્ર જીવન સમાજને ખોળે અપર્ણ કરી દીધું હતું.
જીવનના અંતિમ શ્વાસ સુધી મંદિર સેવા પૂજા અર્ચના કરતાં કરતાં નાદુરસ્ત તબિયત થતા આ ફાની દુનિયામાંથી રામકબીર મંદિર સુરત મુકામે તા. ૩૧/૭/૧૯૮૮ દિને સત્યલોકવાસી બન્યા.
અંતિમ સંસ્કારમાં ભક્તસમાજના પરિવારજનો અને સુરતવાસીઓ તથા કબીર સંપ્રદાયમાં માનનારા સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભજન કીર્તનના નાદ સાથે અશ્વનીકુમાર ખાતે સમાધિના રૂપમાં બેસાડી અગ્નિદાહ આપવામાં આવ્યો.
ભક્ત સમાજના ગુરૂ મહંતશ્રીની આત્મશાંતિ અર્થે શ્રી રામકબીર મંદિરમાં સમગ્ર સમાજ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન થયું. એટલું જ નહીં પણ સમાજના દરેક ગામોમાં પણ પ્રાર્થનાસભા કરી ગુરૂવર્ય દિવ્યાત્માને શ્રદ્ધાંજલિ અપાય હતી. હાલ પણ શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ બંને મહંતો શ્રી દયારામદાસજી અને કબીરવડના મહંત શ્રી ગોકળદાસજીની પુણ્યતિથિની ઉજવણી થાય છે.
એમના સુસંસ્કારના વારસાનું આપણે સૌ જતન કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આવા આપણા સૌના પૂજનીય સતત સ્મરણીય ગુરૂવર્ય ગાદીપતિ મહંત શ્રી દયારામદાસજીના દીવંગત આત્માને કોટીકોટી નતમસ્તક વંદન સહ સપ્રેમ રામકબીર.
ગોકળભાઈ મહંતશ્રી ગોકળદાસ બન્યા
સુરત જીલ્લાનાં દેરોદ ગામના ભગાભાઈ રણછોડભાઈ ભક્ત પરિવારનાં ચાર પુત્રો પૈકી વચલાભાઈ ગોકળભાઈ માટે પણ દયારામદાસ જેવી જ વાતો બની હતી.
સ્યાદલા સ્થિત એમના ફૂવા ખુશાલભાઈ ભક્ત અને ફોઈ વાલીબેન ખુશાલભાઈ ભક્ત ફરી વખત પરિવાર સમક્ષ ગોકળભાઈ ને કબીરવડ ગાદીએ સેવાપૂજા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ફરી કુટુંબનાં સભ્યો વિચાર વમળમાં પડ્યા. માતૃશ્રી જીવીબેનને ભારે દુઃખ થયું પરંતુ કુટુંબજનો અને સ્વજનોની વાતને અંતે સ્વીકારી.
દયારામદાસને રામકબીર મંદિર સુરતની ગાદીએ સેવાપૂજા કરવાને વિદાય આપ્યાને આશરે માંડ ચાર જ વર્ષ થયા બાદ કબીરજી મંદિર કબીરવડમાં તો સમયે તુલસીદાસજીના શિષ્ય (ચેલા) તરીકે કબીરવડમાં પૂજા-અર્ચના માટે ગોકળભાઈને સને ૧૯૫૨માં આશરે ૨૨ વર્ષની યુવાન વયે માતાપિતા-કુટુંબીજનો અને ગામ પરિવાર તરફથી ભાવવિભોર બની વિદાય આપી.
ભરુચ જિલ્લામાં કબીરવડ અને શુકલતીર્થ એમ બે ગાદી અસ્તિત્વમાં હતી. જેના મૂળ ગાદીપતિ ગુરૂ વિષ્ણુદાસ હતા. તેના બે શિષ્યો તુલસીદાસ રૂપવાડા અને ગોવિંદદાસ તરસાડીના ભક્ત પરિવાર પૈકીના હતા. તેઓ કબીરવડ અને શુક્લતીર્થ એમ બે ગાદીએ પૂજા-અર્ચના કરી મંદિરની સંભાળ રાખતા.
વખત જતા તુલસીદાસજીએ કબીરવડ અને ગોવિંદદાસજીને શુકલતીર્થ ગાદીના મહંત તરીકે નિમવામાં આવ્યા હતા. મહંતશ્રી તુલસીદાસજીના નેજા હેઠળ ગોકળદાસે શિષ્ય તરીકે ઉમદા કામગીરી બજાવી. અતિવૃષ્ટિ તથા રેલ જેવા કપરા સંજોગોમાં વળી તે સમયે ભક્તોની અવરજવર પણ ઓછી તેવા સમયમાં એક સાચા શિષ્ય તરીકે આશરે ૨૪ વર્ષ ગોકળભાઈએ સેવા બજાવી ઉંમરને કારણે મહંત તુલસીદાસજીની તબિયત નાંદુરસ્ત બનતા તે સમયે મહંતશ્રી તુલસીદાસજી એ એમના જ શિષ્ય ગોકળભાઈની લાંબા સમયની કામગીરીની પ્રશંસાના ભાગરૂપે ગોકળભાઈને મહંત બનાવવા માટેનો પ્રસ્તાવ સમાજ તરફ વહેતો મૂક્યો.
અંતે સૌ સાથે વિચાર વિમર્શ કરી એક સારા દિવસે આ વિધિ આટોપવાનું નક્કી કર્યું. તે મુજબ ભક્ત સમાજ પરિવાર તેમજ અન્ય કબીર સંપ્રદાયના પ્રેમીઓની હાજરીમાં શ્રી કબીરસાહેબના સાંનિધ્યમાં કબીરવડ મુકામે સને ૧૯૭૬માં ૩૬ વર્ષની વયે મહંત તરીકેની ચાદર ઓઢાડવામાં આવી. મૂળ દિગસના અને સુરત સ્થિત શ્રી પ્રભુભાઈ મકનજી ભક્ત (વૈદ) ના હસ્તે યજ્ઞોપવિતવિધિ દ્વારા મહંત તરીકેની પદવીની વિધિ કરવામાં આવી અને ત્યારથી ગોકળભાઈને બદલે મહંતશ્રી ગોકળદાસજી ગુરૂ તુલસીદાસજીના નામથી ઓળખાયા. ગોકળભાઈ મહંતશ્રી ગોકલદાસ બન્યાને બે વર્ષના ટૂંકા ગાળામાં જ તા. ૨૬/૨/૧૯૭૮ દિને ગુરૂ તુલસીદાસજી હરિચરણ થયા.
મહંતશ્રી ગોકળદાસજીએ ગાદીપતિ તરીકે ખરા અંતરથી આરંભ કર્યો. એમનો સ્વભાવ શાંત-સૌમ્ય, સરળ, મિતભાષી અને ખુબ જ ઓછાબોલા હોવાને લીધે ભક્ત પરિવારમાં છવાઈ ગયા. ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત બનતા કબીરવડ મુકામે સુરત, ભરૂચ અને વડોદરા વિગેરે જિલ્લાઓના ધર્મપ્રેમી ભાવિક ભક્તોની અવરજવર વધતી રહી. આવેલ સૌ ભક્તજનોને હાથ જોડી રામકબીર કહી મીઠો આવકાર આપતા. ચા, પાણી, નાસ્તો તથા જમવાની તેમજ રહેવા વિગેરેની વ્યવસ્થા સંતોષજનક પૂરી પાડતા વળી મૃદુ સવારે શ્રી કબીર સાહેબના ઉપદેશના પ્રચાર પ્રસારની લ્હાણી કરતા.
કબીરવડની મંદિરની જમીનમાં મૂળખેડૂત હોવાને લઈને ઋતુપ્રમાણે પાકો બનાવતા. ખેતીવાડી માટે કામ કરતા મજૂરો તેમજ પધારેલ ભક્તજનોને તાજા દૂધ, છાશ મળી રહે તે માટે ગાય-ભેંસ તેમજ બળદો રાખી પશુપાલન કરતા.
સમાજના ગામો પૈકી રાજ-નેત્રંગના ભક્ત પરિવારના ગામો તેમજ કામરેજ તાલુકાના ઓરણા, વાવ, દેરોદ, નનસાડ, વિગેરે, ગામોમાંથી આમંત્રણ મળતા જે તે ગામોમાં ઘરે ઘરે પુનિત પગલાં પાડી મધુગરી ઉઘરાવવાની કામગીરી પણ ભક્ત પરિવારના સભ્યો સાથે રહી કરતા. મળતી દાન-દક્ષિણા અને અનાજ-કઠોળ કબીરવડ મંદિરમાં ચાલતા ભંડારમાં સદ્ઉપયોગ કરી સજ્જનતાના દર્શન કરાવતા. કબીરવડ યાત્રાધામે કબીરજીનું સુંદર મંદિર બનાવવાનું એમનું સ્વપ્ન હતું. જે કબીરજી મહારાજ મંદિર ટ્રસ્ટ તથા શ્રી સુરત સ્થિત શ્રી ભુલાભાઈ ભક્તિભાઈ ભક્તના ઉમદા આર્થિક સહયોગ દ્વારા એમની હયાતીમાં સાકાર બન્યું.
એમની આ ધર્મપરાયણતા તથા સેવા સત્કાર્યોની સુવાસ જોતજોતામાં સર્વત્ર પ્રસરી ગઈ. સૌને સાચા ગુરૂ મળ્યા, સમગ્ર વિસ્તારમાં સૌના પ્રિય અને માનીતા બન્યા. એટલે સૌ એમને 'દાજી' કહીને સંબોધતા. તેમના બોલને સહર્ષ ઝીલી ગુરૂ આજ્ઞા માની માથે ચઢાવતા. એમના મુખે ક્રોધ કદી જોવા મળતો નહીં, એવા સફેદ વસ્ત્રધારીની સાદગી અનેરી જ હતી.
આમ સમગ્ર સમાજને શ્રમ, સેવા, સમર્પણ, શાંતિ તેમજ ધાર્મિકતાના દર્શન કરાવી ગાદીપતિ બની કબીરવડ ગાદીની સુવાસ ચોતરફ ફેલાવી એક સાચા-સચોટ અને ત્યાગી સન્યાસીઓ કરતા પણ ઉત્તમ પ્રકારનું સુચારુ જીવન જીવી એક સાચા કર્મયોગી મહંતશ્રીના દર્શન કરાવ્યા.
એકાએક તબિયત બગડતા મહાવીર હોસ્પિટલ, સુરત દાખલ કરાયા, તે સમયે આપણા જ સમાજના સુરત મંદિરમાં રહી કોલેજમાં અભ્યાસ કરતા રાજુભાઈ પરભુભાઈ રણછોડભાઈ ભક્ત મૂળ ઓરણાનાં હાલ માંડવી તાલુકાનાં વરેલી ગામના વતનીએ કોલેજ અભ્યાસ સાથે મહંતશ્રીની હોસ્પિટલમાં સેવા કરતા. અવરનવર ભક્ત પરિવારજનો પણ ખબરઅંતર માટે સારા પ્રમાણમાં જતા આ સમય દરમ્યાન મહંતશ્રી ગોકળદાસ એમની સેવા કરતા રાજુભાઈને પણ તિલક કરતા અને કહેતા રાજુભાઈ હવે પછી કબીરવડની ગાદી તમારે સંભાળવાની છે, કબીરજીની સેવા-પૂજન પણ તમારે જ કરવાના છે. મહંતશ્રી ગોકળદાસે મૂળ પથરાડીયાના સુરત સ્થિત વડિલ શ્રી ભુલાભાઈ ભક્તિભાઈ ભક્ત સમક્ષ રાજુભાઈ માટેની રજૂઆત કરી. આ બાબતે વિચારગોષ્ઠી ચાલતી હતી ને એકાએક તા. ૭/૯/૧૯૮૮ના દિને રામકબીર .....રામકબીર બોલતા મહાવીર હોસ્પિટલ, સુરત મુકામે અંતિમ શ્વાસ લીધા.
આખો સમાજ દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો, નર્મદા નદીના નીર અને વાળની વડવાઈઓ પણ દિગ્મૂઢ બની. એમની અંતિમયાત્રામાં ભક્તસમાજ, સાધુસમાજ, સંતો, મહંતો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા. અંતિમ સંસ્કાર માટે મહંતશ્રી ગોકળદાસની ઈચ્છા કબીરવડમાં હતી પરંતુ તે સમયે ચોમાસાને લઈને નર્મદા નદીમાં ઘોડાપુર હતા, તેવા સંજોગોમાં એમના જ વડિલ બંધુ મહંતશ્રી દયારામદાસજીની જ્યાં અંતિમ સંસ્કાર વિધિ થઈ હતી ત્યાં જ અશ્વનીકુમારમાં કરવાની ફરજ પડી હતી.
અંતમાં ભગા પરિવારની ત્યાગની ભાવના અને સૌના વંદનીય મહંતશ્રી ગોકળદાસના ઉત્તમગુણોનો અમરવારસો આપણે સૌ હારહંમેશ વાગોળતા રહીશું એજ સાચી શ્રદ્ધાંજલિ સહ દિવંગત દીવ્યાત્માને કોટી કોટી સાદર રામકબીર.
મહંત શ્રી ગોકળદાસની ચીરવિદાય બાદ ટૂંકા ગાળામાં એમની સેવા કરનાર રાજુભાઈ પરભુભાઈ ભક્તને તા. ૨૩/૯/૧૯૮૮ના રોજ ભક્ત સમાજ તથા કબીર સંપ્રદાયના સાધુસંતોની ઉપસ્થિતિમાં ચાદર ઓઢાડી બાદ રાજુભાઈ તે મહંતશ્રી રાજેન્દ્રદાસજી ગુરૂ ગોકળદાસજી બન્યા.
સમાજના વડીલો, શ્રી રામકબીર મંદિર, સુરત અને શ્રી કબીર મંદિર, કબીરવડમાંથી
અમે ઉપરોક્ત વિગતો મેળવી છે. અમારી શરતચૂક કે સ્મૃતિદોષથી કે
માહિતી પ્રાપ્તિમાં થયેલ ફેરફારમાં મૂળ વાતથી અલગ પડતું હોય અથવા
સુસંગત ન હોય તો અમને ક્ષમ્ય ગણશો.
- ભરતભાઈ મોરારજી ભક્ત
- ધર્મેશભાઈ છગનભાઈ ભક્ત
Add comment