અમે રામકબીરને ભજવાના, અમે ભક્ત થઈને રહેવાના ... ટેક
અમે = રામકબીર સંપ્રદાયના સૌ ભકતજનો
રામકબીર = "રામકબીર" મંત્રનો પ્રથમ ઉચ્ચારણ કરનાર રાજકુંવર ચતુરસિંહ, જેમને સદ્ગુરૂ કબીરજીનાં દર્શન થતાં જ રામ અને કબીરમાં એકસરખું તત્વ નિહાળતાની સાથે રામ એ જ કબીર. "રામકબીર"
સદ્ગુરૂ કબીરજીએ એમને "જ્ઞાનીજી મહારાજ" નું નામ આપ્યા બાદ, રામકબીર સંપ્રદાયની સ્થાપના જ્ઞાનીજી મહારાજે કરી હતી. અને આજે આપણે સૌ "રામકબીર" ના અનુયાયીઓ, સર્વ સંતો ગુરુજનોને રામકબીર.
ભજવાના = વિશ્વમાં કોઈપણ સંપ્રદાય હોય કે ઘર્મ, મનુષ્યો એ ગાન દ્વારા પરમશકિતની ઉપાસનાની વિધીને સરળ માની છે, જે ચોવીસ કલાક, ૩૬૫ દિવસ દરમ્યાન ઉઠતાં, બેસતાં કામ કરતાં સામાન્યજનો માટે પરમતત્વને પોકારવાની રીત એટલે ઈશ્વરનું ગાન કરવાની સરળ પદ્ધતિ.
ભક્ત = રામકબીર સંપ્રદાયમાં માનતા વ્યક્તિ ને "ભગત" અથવા "ભક્ત"ની અટક આપવામાં આવતી, છતાં બીજી અટક સાથે પણ "રામકબીરીઆ" તરીકે ઓળખાતાં. "ભક્ત" એટલે સ્વચ્છ વ્યક્તિત્વ ધારણ કરનાર, વ્યસન મુકત બાહ્ય આડંબરને તિલાંજલિ આપી, જન્મ, લગ્ન, મૃત્યુ સમયે પણ જાતે જ ભજન, ભક્તિ વડે પ્રભુ નું સ્તવન કરી લેનાર, દરેક પ્રસંગોમાં પોતાના સ્વજનોને મદદે રહેનાર, એવી અનેકવિધ કાર્ય માં મદદનીશ રહેનાર જેવાં ગુણોનો ભંડાર તેને "ભક્ત" કહેવામાં આવે.
ભજન થકી ભક્તો ઓળખાયા, તેને સાર્થક કરવાનાં ... (૧)
તે સમયમાં પાટીદારોએ આ સંપ્રદાયની વિશિષ્ટતા થી પ્રભાવિત થઈ, દરેક પ્રસંગોને ભજન થકી જાતે જ પાર પાડી લેતાં તે પણ ઓછા ખર્ચે જન્મ, લગ્ન, મૃત્યુ જેવાં પ્રસંગોમાં વિધિ કરાવનાર ની જગ્યા લઈ, જાતે જ ભજનો કરી લેતાં, જે આજે પણ આ અમેરિકા જેવા પાશ્ચાત્ય દેશમાં આવી ને પણ ભક્ત ના સંસ્કારો દીપાવી રહ્યા છે. તો તે માટે સર્વ ભક્ત વડીલો, વડવાઓને આ સંસ્કારની ભેટ ધરવા માટે કોટિ નમસ્કાર.
સોમરાત્રીએ ભેગા મળીને, રાગ-રાગિણી શીખવાના ... (૨)
વિદેશોમાં રહીને પણ શ્રી રામકબીર મંદિરે છેલ્લાં ૨૭ વર્ષ થી રામકબીર ભજનનાં વિધ-વિધ રાગોને શિખવાનું કાર્ય કરતાં આવ્યા છીએ. સદ્ગુરૂ કબીરજી, રામ -કૃષ્ણ અને સર્વે દેવી, દેવતા સંતો તથા વડીલોની કૃપા વગર અશક્ય હતું, આવનાર નવી પેઢીને પણ આવી જ કૃપા વરસતી રહે અને ભક્ત સમાજની અસ્મિતાની ધજા લહેરાતી રહો, એવી સદ્ગુરૂ કબીરજી ના ચરણોમાં પાર્થના.
ભકતજ્ઞાતિનાં "નાદબ્રહ્મ"નો સદ્ઉપયોગ કરવાનાં ... ( ૩)
રામકબીર સંપ્રદાયનાં ભકત જ્ઞાતિનાં "નાદબ્રહ્મ " (ભક્ત ભજન સંગ્રહનો, રામકબીર ભજનનો) સદ્ઉપયોગ કરી ૭૦ થી વધુ રાગોનું ગાન કરી કરી શક્યા, અને ૩૦ થી ૩૫ ભજનિકોનો સમૂહ તૈયાર કરી કેનેડા, પનામા, અમેરિકામાં ઘણાં સ્થળો, માતૃભૂમિ ભારતમાં ૨૦૧૦, ૨૦૧૭ ભજન યાત્રા કરી ભકતજ્ઞાતિની ઓળખને જાળવવાનો અથાગ પ્રયત્ન કરી શક્યા, અને કોરોનાનાં કપરાં સંજોગો દરમ્યાન પણ ઝુમ પર "નાદબ્રહ્મ"માં ભજનોનું ગાન ૨૦૨૦ માં પણ ઋતુ અનુસાર કરવામાં સફળ રહ્યા, આમ, સૌ સદ્ગુરૂ કબીર સાહેબની કૃપા નો પ્રસાદ ને પામી શક્યા.
વાર-તહેવારે ભેગા મળીને, ભજનોની લહાણી કરવાનાં ... (૪)
હિંદુ ધર્મ માં આખા વર્ષ દરમ્યાન,વાર-તહેવારો ને ખાસ મહત્વ આપવામાં આવેલ છે, ભારતવર્ષ પર કેટકેટલાં બાહ્ય આક્રમણો થયા હોવા છતાં હિદું ધર્મ ને નાશ કરવામાં સફળ ન થઈ શકવામાં આપણાં વાર- તહેવારોનો મુખ્ય ફાળો રહ્યો છે, આમ આપણાં સમાજના ભજનો પણ વાર-તહેવારોને અનુરૂપ સંસ્કૃતિની રક્ષા કાજે વડવાઓએ આપણાં માટે ભેટ ધરેલ હોય, તેનો સદ્ઉપયોગ કરવાની સૌને પ્રેરણારુપે દરેક ભજનિક પાસે ભજન ગવડાવવા માટે વહેંચણી કરવું, જેથી નવી પેઢીને પણ પ્રોત્સાહન મળી રહે, સંસ્કૃતિની જાળવણીની રક્ષા માટે સહભાગી બની શકીએ.
"મોહન" થકી આ ધરતીને, ભજનોથી પાવન કરવાના ... (૫)
"મોહન" એ કૃષ્ણ, એની કૃપા થકી આ ભજન કરવાનો અવસર મેળવી શક્યા, અને એ જ મોહન, મોહનભાઈ નારણભાઈનાં હૈયામાં બિરાજી અમેરિકા જેવી ધરતીને પણ પાવન કરાવવા માટે એમની સાથે અમો સૌને આ પણ ભજનસાગરમાં પલળવાનું સદ્ભાગ્ય મળ્યું, તે બદલ પરમાત્મા ને કોટી કોટી પ્રણામ.
તે જ "મોહન"નો અંશ મોહનકાકાનાં તન વડે ભજનોનાં વિધ વિધ રાગો ની સમજણ આપી ભક્ત સંસ્કૃતિની રક્ષા કાજે તન,મન, ધન ન્યોછાવર કરી નવી પેઢીને ભજનનો વારસો પ્રદાન કરી ગયા.
જેઓના ભાગ્યમાં ભજનો હતાં, તેઓ ગ્રહણ કરી શક્યા, તે માટે સદ્ગુરૂ ના ચરણોમાં કોટી વંદન.
તુલસીવનનાં ધર્મબાળને, ભજન -ભક્તિ થી તારવાનાં ... (૬)
અમારા પૂ. તુલસીદાદા એટલે ગૃહસ્થ સંત, મારાં બાળપણથી જ એમની છત્રછાયામાં ઉછેર, ભજન-ભક્તિ વારસાગત મળ્યા, અમેરિકા આવ્યા બાદ અર્થોપાજન ની સાથે, પૂ. મોહનકાકાનાં સંપર્કમાં રહી, શ્રી રામકબીર મંદિરેથી ભજનોમાં ડૂબી રહેવાનો અવસર મળ્યો, પૂ. મા-પ્રભુ ના આશીર્વાદ મેળવી, સાથે અનેક ભક્તજનો, ભજનિકો નો સથવારો મળ્યો, જે થકી અમૂલ્ય ભક્તિકેરું ભાથું બાંધી તુલસીવનનાં બાળ એવા ઘર્મબાળને ભક્તિ થકી ભવસાગર પાર કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સાથે અનેક ભજનિકો પણ લહાવો મેળવી શક્યા તે માટે સૌ વડીલો, સંતો અને કબીરજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ.
નોંધ: મારી સમજણ મુજબ હોય, ભૂલ માટે ક્ષમાયાચના.
સૌને રામકબીર.
-ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ ભક્ત (કપુરા)
----------
Related Link(s):
1. રામકબીર-ભજન પ્રેરણા-ગીત (રાગ – માલકૌંસ) - English transliteration and English translation, video links
Add comment