કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૭૪, પૃષ્ઠ-૪૪, બેઠકનાં પદો
(સંદર્ભ : ભારત સરકારની સાહિત્ય એકેડેમી દ્વારા પ્રકાશિત ‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૩૦૨/૯૪)
ઘુંઘટકા૧ પટ ખોલ રે, તોકો પીવ મિલેંગે, ઘુંઘટકા પટ ખોલ
ઘટ ઘટમેં વહ સાંઈ રમતા, કટુક૨ વચન મત બોલ રે - ટેક
ધન જોબનકો ગરબ૩ ન કીજૈ, જૂઠા પચરંગ ચોલ રે
સુન્ન મહલમેં દિયના બારિ લે, આસા૪ સોં મત ડોલ રે - ૧
જોગ જુગતસોં૫ રંગ મહલમેં, પિય પાયો અનમોલ રે
કહૈ કબીર આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે - ૨
સમજૂતી
હે જીવ તું તારો ઘુંઘટનો પડદો ખોલી દેશે તો જ તને પ્રિયતમ મળશે. તે પ્રિયતમ સ્વામી તો દરેક શરીરમાં રમી રહ્યો છે તેથી તે અંગે કડવાં વચન બોલીશ નહીં. - ટેક
તારી યુવાની રૂપી ધનનું કદી પણ અભિમાન કરવું નહીં કારણ કે શરીર તો માત્ર પાંચ તત્વોનું બનેલું નાશવંત ખોળિયું જ છે. તેમાં જે શૂન્ય રૂપી મહેલ છે તેમાં તું જ્ઞાનનો દીવો સળગાવી લે અને ભૌતિક આશાઓથી ચલયમાન થઈશ નહીં. - ૧
કબીર કહે છે કે યોગની યુક્તિઓથી આ શરીર રૂપી રંગમહેલમાં પ્રિયતમ પ્રભુનાં મને અણમોલ દર્શન થયાં છે ને ત્યારથી જ મારા હૃદયમાં પરમ આનંદના અનાહત નાદના સતત ઢોલ નગારાં વાગી રહ્યાં છે. - ૨
----------
૧ સદ્ગુરૂ કબીર સાહેબનાં અતિ પ્રચલિત ભજનોમાં આ પદ અગ્રસ્થાને છે. ઘુંઘટ એટલે ઘુમટો. શબ્દ કાને પડતાં કોઈ પડદાનશીન સ્ત્રીનું ચિત્ર દૃષ્ટિ સમક્ષ ખડું થાય છે. પડદાશીન સ્ત્રી એટલે ગામઠી ભાષામાં ઘુમટો તાણીને ઊભેલી સ્ત્રી. તે ઘુમટો રિવાજને કારણે તાણેલો હોય છે. જીવે પણ તે જ રીતે ઘુમટો તાણેલો હોય છે. જીવનો ઘુમટો વિચારોનો, વાસનાનો, તૃષ્ણાનો કે પછી ભ્રાંતિઓનો બનેલો હોય છે. મનમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ થયા જ કરતી હોય છે. તે દ્વારા સૂક્ષ્મ રીતે તે પડદો ગૂંથાતો જતો હોય છે. આ ઘુમટો જીવે જાતે જ ગૂંથેલો ને ઓઠેલો હોવાથી જીવે જાતે જ મહેનત કરીને ખોલવો પડે છે. બીજો કોઈ આવશે ને ખોલશે એવી આશા વ્યર્થ છે. ઘુંઘટ ખોલવાની તમામ જવાબદારી જીવની જ ગણાય છે. મનમાં ઘર કરી ગયેલી વિચારોની ભ્રાંતિઓ જીવ જ્યાં સુધી દૂર ન કરે ત્યાં સુધી આ પડદો રહેવાનો જ. ત્યાં સુધી જીવને સુત્યનું દર્શન થવાનું જ નહીં. માટે કબીર સાહેબ જીવને વિનવણી કરતાં કહે છે હે જીવ, તું તારી જાતે જ તારો ઘુંમટો ઉઠાવી લે ને તારી અંદર રહેલા પ્રિયતમ સ્વામીનાં દર્શન કરી લે. આ રીતે ‘ઘુંઘટ’ એક પ્રતીક છે.
૨ કટુક એટલે કડવાં વચન. પ્રિયતમ પ્રભુ શરીરમાં જેમ અદૃષ્ટ છે, દેખાતો નથી તેમ શરીરની બહાર પણ તે અદૃષ્ટ ને દેખાતો નથી. છતાં કહેવાય છે કે તે તો અણુ અણુમાં વ્યાપક પણે પથરાયેલો રહ્યો છે. તેથી જીવ તર્ક વિતર્ક કરી તેની શોધ કરે છે ત્યારે નથી થતો તેને કોઈ અનુભવ કે નથી જણાતી તેને કોઈ પ્રતિતી. આખરે તે નથી એમ કહેવા તે ઉતાવળો થઈ જાય છે. અનેક મંદિરોમાં, દેવળોમાં ને ઠેર ઠેર તીર્થોમાં તે શોધી વળે છે પણ તેને પ્રભુનાં દર્શન થતાં નથી એટલે તેની આસ્થા ડગી જાય છે. તે અશ્રદ્ધાળુ બની જાય છે.
પરિણામે તે ન બોલવાનાં વેણ પણ બોલવા માંડે છે. તેવી તેની કુટેવની કબીરસાહેબ અહીં યાદ દેવડાવે છે. કબીરસાહેબ કહે છે કે ખરેખર તો તે તારા શરીરમાં જ રહેલો છે. તને દેખાતો નથી કારણ કે તેં જાતે જ પડદો ઊભો કર્યો છે. તે પડદો દૂર કર્યા વિના તે દેખાશે નહિ. માટે કડવાં વચન બોલતાં પહેલાં તું તારા ઘુંઘટનો વિચાર કર ! તારાં કડવા વચન પણ આખરે ઘુંઘટના રૂપમાં ગુંથાતા જ જશે. ઘુંઘટ તારો મોટો થતો જશે. તેથી હે જીવ, તું કડવા વચન બોલવાનું બંધ કર ! તારી લૂલીને વશ કર !
૩ ગરબ એટલે અભિમાન, ગર્વનું અપભ્રંશ રૂપ. અહીં ધન-દોલત-માલ મિલકત અને યુવાનીનો ગર્વ ન કર એવું અર્થઘટન પણ કરી શકાય. મેં માત્ર યુવાની રૂપી ધનનું અભિમાન એવો અર્થ કર્યો છે કારણ કે ક્ષણભંગુર આ જીવનમાં યુવાની અતિશય મહત્વની છે. જે કાંઈ પ્રાપ્ત કરવું હોય તે યુવાનીમાં જ પ્રાપ્ત કરી શકાય છે. શરીર સર્વ રીતે સહાયક થઈ પડે છે. પણ તે સમયે મદ પણ એટલો જ હોવાથી જીવનનો સર્વોત્તમ સમય વેડફાઈ જાય છે.
૪ ‘આસન સોં’ પાઠ પણ મળે છે. દૃઢતાપૂર્વક પોતાના કાર્યને વળગી રહેવાનો તે દ્વારા ભાવ વ્યક્ત થાય છે.
૫ ‘જોગ જુગત સોં’ પાઠ પણ મળે છે. તેથી અર્થઘટનમાં ફેર પડતો નથી. બંને પ્રકારે યોગના સંદેશાનો જ ધ્વનિ સંભળાય છે. શૂન્ય રૂપી મહેલ એટલે શરીરમાં મસ્તકના ભાગે આવેલ શૂનય ચક્ર. રંગમહલ શબ્દ દ્વારા પણ ઉર્ધ્વચક્રો તરફનો જ ઈશારો વ્યક્ત થાય છે.
૬ કોઈ મહાન વ્યક્તિનું આગમન થવાનું હોય ત્યારે બેંડવાજા વગાડીને તેનો સત્કાર કરવામાં આવે છે, તેમ પ્રિયતમ પ્રભુનું દર્શન થવાનું હોય ત્યારે અનાહત નાદ સંભળાય છે. ત્યારે સાંભળનાર પરમ આનંદનો અનુભવ કરે છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૭૪ : ઘૂંઘટકા પટ ખોલ રે
Add comment