કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પરિશિષ્ટ - ૪ (ભજન-૩૭ નાં સંદર્ભમાં, નાદબ્રહ્મ પદ-૪૫૪)
(સંદર્ભ : ‘કબીરપંથી શબ્દાવલી’ પૃષ્ઠ-૬૫૩, પદ-૬)
બનમાલી જાને બનકી આદિ, રામ ભજન બિના જનમ બાદિ - ટેક
એક ફૂલ જો ફૂલ્યો રિતુ બસંત, જામે મોહિ રહે સબ જીવ જંત
ફૂલનમેં જ્યોં વસત વાસ, ઐસે ઘટ ઘટ ગોવિંદ નિવાસ - ૧
ઉડ ઉડ ભૌંરા જાય ઓ દેસ, મેરે હરિ પ્રીતમ સો કહો સંદેશ
ચોલી પુરાની જોબન ભાર, મોહિ વિરહ સતાવે બાર બાર - ૨
ઉંચા પર્વત વિષમ ઘાટ, આગળ પંથ ન સૂઝે બાટ
પરબેલી રાત્યો મેરા કંત, મૈં કા સંગ ખેલૌ રિતુ બસંત - ૩
રિતુ બસંતકી પરી ઝૂલ, અંબ મોહે કચનાર ફૂલ
કહૈ કબીર મન ભયો આનંદ, મોહિ હરષિ મિલૈ ગુરૂ રામાનંદ - ૪
----------
ત્રણે પદોને સરખાવી જોતાં ટેકની પંક્તિઓ થોડા ફેરફાર સાથે સરખી જ લાગે છે. ત્રણે પદોમાં પ્રથમ ટૂંકની પંક્તિઓ પણ લગભગ સરખી જ ગણાય. થોડા શબ્દોનો પાઠભેદ જણાય એટલું જ. નાદબ્રહ્મ અને કબીરપંથી શબ્દાવલીનું પદ એક પંક્તિ સિવાય લગભગ સરખું જ છે. છેલ્લી ટૂંકની પ્રથમ પંકિત બંનેમાં જુદી જુદી છે. નાદબ્રહ્મમાં ‘તરૂવર એક અનેક ડાલ શાખા લતા ફલ રસાલ’ પંક્તિ છે, તેને બદલે ‘કબીરપંથી શબ્દાવલી’માં ‘રિતુ બસંતકી પરી ઝૂલ, અંબ મોહે કચનાર ફૂલ’ પંક્તિ છે. બાકી શબ્દોના થોડા પાઠભેદ સિવાય બંને પદોનું સરખાપણું સવિશેષ છે.
બનારસ વિશ્વવિદ્યાલય પ્રકાશિત ‘સબદ’ ગ્રંથ પૃ.૨૩૦ પરનું જે પદ આ પુસ્તકમાં છાપ્યું છે, તે ટેકની પંક્તિઓ ઉપરાંત માત્ર ત્રણ જ પંક્તિઓનું બનેલું છે. મૂળ પદ કદાચ તેટલું જ હશે. નાદબ્રહ્મ અને ‘કબીરપંથી શબ્દાવલી’નાં પદોમાં જે અન્ય પંક્તિઓ છે તે પાછળથી ઉમેરાયેલી જણાય છે. અથવા તો બીજા કોઈ પદની સાથે એ પંક્તિઓ હોવા સંભવ છે. કારણ કે પ્રથમ ટૂકમાં વ્યક્ત થયેલા ભાવ સાથે તેનો મેળ બેસતો નથી. ઉપરોક્ત પદના બીજા ટૂકની પ્રથમ પંક્તિથી જાણે બીજું પદ શરૂ થતું હોય તેમ લાગે છે. કોઈ વિરહિણી પરદેશ વસતા પોતાના પ્રિયતમને ભ્રમર દ્વારા સંદેશો મોકલતી હોય તેમ પદની તે પંક્તિઓમાં ભાવ વ્યક્ત થયો છે.
જીવ વિરહાકુલ છે. તેણે કપરી સાધના પણ કરી લાગે છે. ‘ચોલી પુરાની જોબન ભાર’ શબ્દો વિરહની જાણે પરાકાષ્ઠા દર્શાવતા હોય તેમ પ્રયોજાયા છે. યુવાની તે વિરહાકુલ જીવની સાધના અને ‘ચોલી પુરાની’ તે વિરહાકુલ જીવની પાછલી અવસ્થા કે જેમાં જીવન પૂર્ણ થઈ જવાની આશંકા હોય ! ચોળી જૂની થઈ ગઈ હોય અને આકુલતા ફાટ ફાટ થતી હોય તે ચિત્ર જ વિરહની પરાકાષ્ઠા દર્શાવનારૂં છે.
આટલી મહેનત કર્યા છતાં પ્રિયતમ પ્રભુ દર્શન દેતા નથી. આવશે, હવે આવી લાગશે, એવી આશામાં ને આશામાં વિરહાકુલ જીવ દિવસો વ્યતીત કરે છે. ભ્રમર દૂત બનીને પ્રિયતમ પ્રભુની પાસે જવાનો હોય તેમ તેને રસ્તાની માહિતી પણ પૂરી પાડે છે. રસ્તાની વિષમતા ને ભયંકરતાનો ખ્યાલ આપી રસ્તો વચગાળે અગમ્ય બની જશે એવી ચેતવણી પણ ભ્રમરને આપવામાં આવે છે. ત્યારે પછી તરત જ વિપ્રલંભ શૃંગારનો ખ્યાલ આપે એવી વિરહીણીની શંકા વ્યક્ત કરતી પંક્તિઓ વાચકનું ધ્યાન ખેંચે છે. અતિ સ્નેહ શંકા કરાવરાવે તે સર્વના અનુભવની વાત ગણાય. વિરહિણીના મનમાં પ્રિયતમ માટેના અતિ સ્નેહને કારણે મન સાશંક થઈ વિચાર કરવા લાગે છે કે જો મારો પિયુ બીજી કોઈ સ્ત્રીના પ્રેમમાં પડ્યો હશે તો ? તો હું કેવી રીતે વિરહ સહન કરીશ ? આવેલી વસંતનો આનંદ મારે કોની સાથે માણવો ? અહીં સુધી વિરહભાવની અભિવ્યક્તિ વાચકને સરસ રીતે પકડી રાખે છે. પણ ત્યાર પછીની પંક્તિ કાંઈક ગરબડ ઊભી કરતી જણાય છે :
રિતુ વસંતકી પરી ઝૂલ, અંબ મોહે કચનાર ફૂલ
શબ્દો અસ્પષ્ટતા સર્જે છે. તેથી દુર્બોધતા પણ પેદા થાય છે. પરાકાષ્ઠા પર પહોંચેલો વિરહનો ભાવ અહીં સચોટતા સાધે તેવી રીતે વ્યક્ત થવો જોઈતો હતો. અર્થની ગરબડ ઊભી થાય તેવી રીતે ભાવ વ્યક્ત થાય છે. ત્યાર પછીની પંક્તિ પણ વિરહના ભાવને ન્યાય નથી આપતી :
કહૈ કબીર મન ભયો આનંદ, મોહિ હરષિ મિલૈ ગુરૂ રામાનંદ
અર્થાત્ કબીર કહે છે કે ગુરૂ રામાનંદ મને મળ્યા તેથી મને મનમાં ખૂબ આનંદ થયો. વળી કબીરવાણીમાં રામાનંદનો ઉલ્લેખ ત્રણ-ચાર વાર થયેલો જણાય છે. અહીં અચાનક ગુરૂ રામાનંદનો ઉલ્લેખ થયો તેથી ટેકની પંક્તિમાં વ્યક્ત થયેલા ભાવ સાથે મેળ બેસતો નથી. ગમે તેમ પણ છેલ્લી ચાર પંક્તિઓ વિરહભાવને ન્યાય આપનારી જણાતી નથી. આવા કારણથી ઉપરોક્ત પદની પંક્તિઓ પાછળથી ઉમેરાયેલી હોવી જોઇએ એવું અનુમાન કરવામાં કોઈ બાધ જણાતો નથી. તેથી જ ‘સબદ’ ગ્રંથ પૃ-૨૩૦ પરના પદને અસલ પદ માની આ પુસ્તકમાં છાપ્યું છે.
Add comment