કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રરા ૧રારિ અરુઝાઈ, ૨રામ કહે દુઃખદારિદ્ર જાઈ
રરા કહૈ રે ભાઈ, ૩સતગુરુ પૂછિ કે સેવહુ આઈ ... ૨૮
લલા ૪તુતુરે બાત જનાઈ, તુતુરે પા તુતુરે પરચાઈ
અપના તુતુર ઔરકો કહઇ, ૫એકૈ ખેત દુનો નિરબહઈ ... ૨૯
વવા વહ વહ કહ સબ કોઈ, ૬વહ વહ કહૈ કાજ નહિ હોઈ
વહ તો કહે સુનૈ જો કોઈ, સુરગપતાલ ન દેખૈ જોઈ ... ૩૦
શશા સર નહિ દેખૈ કોઈ, ૭સર શીતલતા એકૈ હોઈ
શશા કહૈ સુનહુ રે ભાઈ, ૮સુન્ન સમાન ચલા જગ જાઈ ... ૩૧
સમજુતી
ર અક્ષર સૂચવે છે કે રામનામ લેવા માત્રથી સંસારમાં દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે એ બાબતમાં ઝગડો ચાલ્યા કરે છે. ર અક્ષર કહે છે કે હે ભાઈઓ, સતગુરુની આજ્ઞા લઈને રામનામનો જાપ કરવામાં આવે તો જ કલ્યાણ થાય છે. ... ૨૮
લ અક્ષર અસ્પષ્ટ ઉપદેશ આપનાર અર્ધદગ્ધ ગુરુનું સૂચન કરે છે. તેવા ગુરુ તેના જેવા બીજાનો પરિચય કરે છે ત્યારે તે સામે મળેલા ગુરુના ઉપદેશની ટીકા કરે છે. ખરેખર તો બંને જણા વિષય રૂપી એક જ ખેતરને ખેડીને પોતપોતાનું ભરણપોષણ કરે છે. ... ૨૯
વ અક્ષર સૂચવે છે કે 'તે બ્રહ્મ', 'તે બ્રહ્મ' એવું સૌ બોલે છે પણ તે દ્વારા કોઈ કાર્ય આજ લગી સિધ્ધ થયું જણાતું નથી. કહેનાર ને સાંભળનાર બંને બિન અનુભવી વાતો કરે છે. નથી કોઈએ સ્વર્ગ જોયું કે નથી કોઈએ પાતાળ જોયું છતાં સ્વર્ગ પાતાળની વાતો કર્યા કરે છે. ... ૩૦
શ અક્ષર સૂચવે છે કે પ્રત્યેક શરીરમાં સુખનું સરોવર રહેલું છે તે તરફ કોઈનું ધ્યાન જતું લાગતું નથી. સરોવરનું પાણી અને તેની શીતળતા જેમ એક જ છે તેમ પરમાત્મા અને મોક્ષનું સુખ એક જ છે. શ અક્ષર કહે છે કે તે વિવેક જ્ઞાન જ હોવાથી આખું જગત શૂન્ય સમાન જીવી રહ્યું છે. ... ૩૧
૧. રારી એટલે ઝગડો. તે વિદ્વાન લોકોના વિવાદમાંથી ઊભો થયો છે. અજામિલે દેહ છોડતી વખતે છેલ્લે પોતાના પુત્ર નારાયણને નામ લઈને બોલાવ્યો એટલે તેણે મોક્ષ મળ્યો એવા સિધ્ધાંતની સ્થાપના વિદ્વાનો કરવા માંગે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે. શબ્દ પ્રકરણમાં પણ કબીર સાહેબે 'પંડિત બાદ બદે સો જૂઠા' એ પદમાં અજામિલ સિધ્ધાંતનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જો રામ કહેવાથી માત્ર જગતને ઉત્તમગતિ પ્રાપ્ત થતી હોય તો ખાંડ કહેવાથી મોઢું ગળ્યું થવું જોઈએ. પણ થતું નથી એટલે અજામિલ સિધ્ધાંત અથવા તો વિદ્વાનોએ જગવેલો વિવાદ ખોટો છે.
૨. રામ કહેવા માત્રથી દુઃખને દરિદ્રતા દૂર થઈ જાય છે એ વિદ્વાનોએ ઊભો કરેલો વાદ છે. જો તે સત્ય હોત તો આજે કોઈ દુઃખી ન હોત ને કોઈ ગરીબ ન હોત !
૩. સતગુરુ રામ મંત્ર આપે તો શરત કરીને આપે છે. બહિર્મુખ મનને અંતર્મુખ સૌ પ્રથમ બનાવવા પ્રયત્ન કરવાની ગુરુ આજ્ઞા આપે છે. જેમ જેમ મન અંતર્મુખ બનતું જશે તેમ તેમ તે નિર્વિષયી બની જશે ત્યારે તે મંત્ર સાધકને રામમય બનાવવાનું કાર્ય કરશે. તે રામમય બને તો નથી રહેતું દુઃખ, નથી રહેતી દરદ્રતા !
૪. અર્ધદગ્ધ ગુરુ સાધક શિષ્યનો ઉધ્ધાર કરી શકે નહી. કારણ કે તેનાં મનમાં સંસારમયતાનો ગર્ભ રહેલો છે. વિષયોનું આકર્ષણ ઘણું રહેલું હોય છે. તેથી તેના ઉપદેશમાં ઘણી કચાશ રહેલી હોય છે.
૫. એવા અર્ધદગ્ધ ગુરુઓ જગતમાં ઘણા હોય છે. તેઓ એકબીજાને મળે છે ત્યારે એકમેકનો પરિચય પણ કરી લે છે. ત્યારે એકમેકની ટીકા પણ કરતા જણાય છે. તો ભૂલી જાય છે કે તેઓની દશા સરખી છે. બંને જણા ત્યાગનો આડંબર કરીને વિષયોનું જ સેવન કરતા હોય છે.
૬. ગુરુ બ્રહ્મજ્ઞાની ત્યારે જ કહેવાય છે કે જ્યારે પોતે બ્રહ્મનો અનુભવ કરી શકતા હોય. માત્ર શાબ્દિક જ્ઞાનથી બ્રહ્મજ્ઞાની થઈ શકતું નથી. અનુભવનું જ્ઞાન અનિવાર્ય છે. માત્ર બ્રહ્મના ગુણગાન ગાયને બ્રહ્મની વાતો કરનારા સાચા સદગુરુ નથી. તેવા ગુરુથી કલ્યાણનું કાર્ય થઈ શકતું નથી. ગીતા પણ અનુભવનો મહિમા ગાતાં કહે છે :
અનુભવવાળો હોય ને જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં સેવતાં પૂછ પ્રશ્ન તું કોય.
જ્ઞાન તને તે આપશે, તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે. (સરળ ગીતા -અ-૪)
૭. સર એટલે સરોવર અથવા પાણી. બૃહત્ હિંદી કોશ "સર" નો અર્થ પાણી પણ બતાવે છે. બંને અર્થ અહીં બંધ બેસતા જણાય છે.
૮. શૂન્ય સમાન એટલે કેવી સ્થિતિ ? સ્વરૂપના અનુભવ અનુભવના જ્ઞાન વિનાની વાસનાયુક્ત મનની સ્થિતિ અહીં અભિપ્રેત છે. સર્વનાશનું પ્રતીક શૂન્ય ગણાય તેથી અજ્ઞાન મનની ગતિ શૂન્ય તરફની હોય તે સ્વાભાવિક મનાય.
Add comment