કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બબા બર બર કરે સબ કોઈ, ૧બર બર કરે કાજ નહિ કોઈ
બબા બાત કહૈ ૨અરથાઈ, ૩ફલકા મરમ ન જાનહુ ભાઈ .... ૨૪
ભભા ૪ભભરિ રહા ભરપૂરી, ભભરે તે હૈ ૫નિયરે દૂરી
ભભા કહૈ સુનહુ રે ભાઈ, ભભરે આવૈ ભભરે જાઈ .... ૨૫
મમા કે સેવે મરમ ન પાઈ, હમરે સે ઈન ૬મૂલ ગંવાઈ
મમા મોહ રહા જગ પૂરી, માયા મોહ હિ લખહુ ૭બિસૂરી .... ૨૬
યયા જગત રહા ભરપૂરી, જગત હુ તે હૈ જાના ૮દૂરી
યયા કહૈ સુનહુ રે ભાઈ, ૯હમરે સે વે જૈ જૈ પાઈ .... ૨૭
સમજૂતી
બ અક્ષર સૂચવે છે કે બહુ બોલનારાથી કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. જગતમાં બધા લોકો માત્ર બોલ્યા જ કરતા હોય છે. અરે વિદ્વાનો પણ હે ભાઈઓ, અર્થ સભર ભાષણો કરતા રહે છે પણ તેના ફલનું રહસ્ય તેમને ખબર નથી. - ૨૪
ભ અક્ષર સૂચવે છે કે સકલ સંસારમાં ભ્રમ ભરપૂર પણે વ્યાપક છે. ભ્રમને કારણે જે સાવ નજીક છે તે ઘણું દૂર લાગે છે. ભ્રમથી બધા જ જીવો જગતમાં જન્મ ધારણ કરે છે ને ભ્રમથી જ સૌ જગત છોડીને વિદાય લે છે. - ૨૫
મ અક્ષર સૂચવે છે કે માયાના સેવનથી સાચા ખોટાનું રહસ્ય જાણી શકાતું નથી. માયાના ફંદામાં પડનાર અભિમાનથી દેવ દુર્લભ ગણાતું આ માનવ શરીર પણ ‘વ્યર્થ ગુમાવી દે છે. સમસ્ત સંસારમાં મોહ ને માયા ભરપૂર પણે રહેલા છે તેથી મુક્ત થનાર જ મુક્તિનું રહસ્ય જાણી શકે છે. - ૨૬
ય અક્ષર સૂચવે છે કે આ જગતમાં લોકોમાં મોહમાયાની આસક્તિ પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. મેળવેલી સંપત્તિ અહીં જ મૂકી જગતને છોડીને ઘણું દૂર જવાનું છે તે કોઈ વિચારતું નથી. ય અક્ષર કહે છે કે હે ભાઈ, સાંભળો. અહંતા-મમતાના મદમાં અમારો સર્વત્ર જય જયકાર થાય છે એવું તેઓ માને છે ! - ૨૭
૧. ગાજ્યોમેઘ વરસે નહીં ને ભસ્યો કૂતરો કરડે નહીં એ કહેવત અહીં યાદ આવે છે. બહુ વાતોના વડા કરનાર ઘણે ભાગે કાંઈ જ જાણતા નથી હોતા ને કાંઈ કાર્ય સિદ્ધ કરી શકતા નથી. કબીર સાહેબની સાખી યાદ કરવા જેવી છે.
કરની બિન કથની કથૈ અજ્ઞાની દિન રાત
કૂકર જ્યોં ભુંક્ત ફીરૈ સુની સુનાઈ બાત !
૨. વિદ્વાનો અર્થપૂર્ણ વાતો કરવાનો પ્રયત્ન કરે છે તેમાંથી વાદનો જન્મ થાય છે. વાદ વિવાદનો વંટોળ ભોળા લોકોને ભ્રમમાં નાખી દે છે.
૩. તેઓના વિવાદ પાછળ તઓની મોટાઈ મેળવવાની મનોકામના રહેલી હોય છે તે ભોળા લોકોને ખબર નથી હોતી. નથી તેઓ પોતાનું કલ્યાણ કરી શકતા, નથી લોકોનું કલ્યાણ થઈ શકતું. સાખી પ્રકરણમાં કબીર સાહેબે સ્પષ્ટ કહ્યું જ છે કે
શ્રોતા તો ઘર હી નહીં, બકતા બદૈ સો બાદ
શ્રોતા બકતા એક ઘર તળ કથની કો સ્વાદ
અર્થાત્ સાંભળનારનું મન સભામાં હાજર ન હોય અને ભાષણ કરનાર માત્ર બકવાદ જ કરતો હોય તો મહામૂલ્યવાન સમયની બરબાદી જ ગણાય. જેવું બોલે તેવું કરી બતાવનારની વાણીનો રસાસ્વાદ કલ્યાણકારી ઠરે છે.
૪. ભભરિ એટલે ભ્રમ. રણમાં મૃગજળનો ભ્રમ મુસાફરની તરસ છીપાવી શકતો નથી. સંસારમાં આભાસી સુખ માટે થતી દોડાદોડી તેવા જ પ્રકારની ગણાય. દોડનાર સુખ પાસે પહોંચી શકતો જ નથી. સુખ દૂરનું દૂર જ રહે છે.
૫. સાચું સુખ નિજસ્વરૂપને પામવામાં રહેલું છે પણ સ્વરૂપની વિસ્મૃતિ થઈ જતી હોવાથી જીવ ભ્રમમાં ભટકતો ફરે છે. તેની ભ્રામક અવસ્થામાં નિજ સ્વરૂપ ખરેખર એક ઈંચ પણ દૂર નથી છતાં તે ઘણું દૂર લાગે છે.
૬. મૂલ એટલે દેવોને પણ દુર્લભ ગણાતું આ મૂલ્યાવાન માનવ શરીર પણ તે વ્યર્થ ગુમાવી દે છે. માનવ શરીરની શક્યતાઓ ઘણી, તેનો ઉપ્યોગ કરી શકતો નથી.
૭. બિસૂરી એટલે સૂર વિનાનો, બેતાલ. ભ્રામક જીવનું સંબોધન છે. હે બેતાલ જીવ ! માયાને મોહથી મુક્ત થયા વિના તારું મન સ્વ સ્વરૂપ સાથે કેવી રીતે સંવાદી થઈ શકે ?
૮. મેળવેલી સઘળી સંપત્તિ જીવ મૃત્યુ વખતે સાથે લઈ જઈ શકતો નથી. તે સૌ અહીં મૂકીને જ તેણે પ્રયાણ કરવું પડે છે. તેણે મુક્તિના દ્વાર સુધી જવું હોય તો તે ઘણું દૂર ગણાય. તેમાં મનને નિર્વિષયી બનાવવાની આકરી શરત હોય છે.
૯. અહંતા - મમતા અભિમાનનું પરિણામ છે. હું શરીર છું એવો ભાવ બળવત્તર બને છે એટલે જીવનો અહંતા મમતાનો ભાવ પણ બળવત્તર બને છે. એવા ભાવના પ્રભાવ હેઠળ નિજ સ્વરૂપની વિસ્મૃતિ સ્હેજે થઈ જાય છે.
Add comment