કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ધધા ૧અરધ માંહિ અંધિયારી, ૨અરધ છાંડિ ઉરધ મન તારી
અરધ છાંડિ ઉરધ મન લાવૈ, ૩આપા મેટી કે પ્રેમ બઢાવૈ .... ૨૦
નના વૌ મંહ જાઈ, ૪રામ કે ગદહા હો ખર ખાઈ
૫નના કહે સુનહુ રે ભાઈ, નગર છાંડિ ક્યોં ઉજરે જાઈ .... ૨૧
પપા ૬પાપ કરે સબ કોઈ, પાપ કે કરે ધરમ નહિ હોઈ
પપા કહે સુનહુ રે ભાઈ, ૭હમરે સે ઈન કિછુવો ન પાઈ .... ૨૨
ફફાં ફલ લાગે બડ ૮દૂરિ, ચાખે ૯સતગુરુ દેઈ ન તૂરી
ફફા કહે સુનહુ રે ભાઈ, ૧૦સરગ પતાલકી ખબરિન પાઈ .... ૨૩
સમજૂતી
ધ અક્ષર સૂચવે છે કે અધોગામી વૃત્તિ અંધકાર તરફ લઈ જાય છે. માટે મનને અધોગામી નહીં પણ ઉર્ધ્વગામી કરતા રહેવું જોઈએ. જો તે રીતે મન ઉર્ધ્વગામી થાય તો અહંકાર ઓગળી જતાં આત્મામાં પ્રેમ વધી જાય છે. - ૨૦
ચોથો ત વર્ગનો અક્ષર સૂચવે છે કે અનેક પ્રકારના પ્રપંચોમાં રચ્યાપચ્યા રહેનારાઓ રામના ગધેડા થઈને માત્ર વિષયોનું ઘાસ જ ચરી ખાય છે. તેથી ન અક્ષર કહે છે કે ભાઈઓ સાંભળો, સુખરૂપ હરિયાળી આત્માની નગરી છોડીને દુઃખરૂપ ઉજ્જડ વાસનાની નગરી તરફ શા માટે જાવ છો ? - ૨૧
આ જગતમાં સર્વે માનવો પાપ કરે છે અને જે પાપ કરે છે તેનાથી ધર્મનું આચરણ થઈ શકતું નથી. તેથી પાપના પ્રતીક સમાન પ અક્ષર કહે છે કે ભાઈઓ સાંભળો, પાપ કરનારા પાપની દેવી પાસેથી કાંઈ પામી શકતા નથી. - ૨૨
ફ અક્ષર સૂચવે છે કે મોક્ષરૂપી ફળ સહેલાઈથી લાગતું નથી. તે તો બ બહુ મોડું લાગે છે. વળી તે તોડીને આપી શકાય એવું તો નથી જ. માત્ર સદ્દગુરુએ તેનો સ્વાદ ચાખ્યો હોય છે. તેથી ફ અક્ષર કહે છે કે હે ભાઈઓ સાંભળો, તે સ્વર્ગમાં લાગે છે કે પાતળમાં તેની ભાળ કોઇને નથી. - ૨૩
૧. અરધ એટલે નીચે. નીચે લઈ જનારી મનની અધોગામી વૃત્તિનું સૂચન સમજવું.
૨. ઉરધ એટલે ઊંચે. ઊંચે લઈ જનારી મનની ઉર્ધ્વગામી વૃત્તિનું સૂચન સમજવું.
૩. આપા એટલે અહંકાર. મનને આત્માની વચ્ચે અહંકારની દિવાલ હોય છે. તે દીવાલ તૂટે તો જ મન આત્મામાં લીન થઈ શકે. મનમાં આત્મા માટે પ્રેમ ઉદ્દભવે. અહંકાર હોય ત્યાં સુધી આત્મદર્શન થઈ શકતું નથી. કબીર સાહેબે કહ્યું જ છે કે
જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હે મૈં નાહિ
પ્રેમ ગલી અતિ સાંકરી, જામેં દો ન સમાહિ
જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી આત્મારૂપી હરિ નહોતો. હવે હરિ છે ત્યારે અહંકારનું અસ્તિત્વ નથી. પ્રેમની ગલી ઘણી સાંકડી હોય છે. તેમાં એકી સાથે બે સમાય શકતા નથી.
૪. ગધેડો માત્ર ભાર ઉંચકવાવાળું પ્રાણી ગણાય. પ્રાણીઓમાં પણ તે હીન કક્ષાનું મનાય છે. અહીં “રામ કે ગદહા” રૂઢિ પ્રયોગ છે. જે લોકો ઈશ્વરને પોતાનાથી અલગ ગણી બહાર તીર્થોમાં, મંદિરોમાં કે દેવળોમાં શોધે છે અને અભિમાનમાં રાચે છે તે લોકો માટે કબીર સાહેબે આ રૂઢિ પ્રયોગ કર્યો છે. બૃહ. ઉપનિષદમાં યાજ્ઞવલ્કયનું વચન આ પ્રકારનું જ છે:
योडन्यां देवतामुपास्ते डन्योसावन्योड हमस्मीति न स वेद पशुरेवं स’ देवानाम् |
અર્થાત્ જે દેવતાને પોતાનાથી અલગ માને છે, પોતે જુદો છે અને દેવતા પણ જુદા છે એવી કલ્પના કરીને દેવતાની ઉપાસના કરે છે તે દેવોનો પશુ છે.
૫. વિચારદાસ શાસ્ત્રી અને હંસદેવ શાસ્ત્રીની પ્રતોમાં આ બીજી લીટી નથી. તે પ્રતોમાં માત્ર એક જ લીટીનો ઉલ્લેખ છે. જ્યારે ડૉ. શુકદેવસિંહ દ્વારા સંશોધિત પ્રતમાં આ પ્રમાણેની બીજી પંક્તિ છે:
“આપા છોડો નરક બસેરા, અજહૂં મૂઢ ચિત ચેત સબેરા”
અર્થાત્ નરકનો વાસ કરાવે તે અહંકારનો ત્યાગ કરો. હે મૂર્ખ જીવ, હજી પણ મોડું થયું નથી, તું ચેત ને ચિત્તને ઉર્ધ્વગામી બનાવી પ્રકાશિત કર.
૬. દેવી દેવતાને જીવતા પશુની બલિ ચઢાવવાની પ્રથાનો અહીં ઉલ્લેખ છે. ઉપાસક પોતે હિંસા કરીને ધર્મનું આચરણ કર્યાનો દાવો કરે છે તેના વિરોધમાં આ પંક્તિઓ સમજવી.
૭. “હમરે સે” એટલે પાપ કરનારાઓ વડે. અજ્ઞાની લોકો અહંકારથી જ પાપ કરે છે.
૮. અધોગામી મન માટે મોક્ષનું ફળ મેળવવું અઘરું લાગે તે ભાવ “દૂરી” શબ્દ દર્શાવે છે.
૯. મોક્ષનું ફળ તોડીને આપી શકાય એવું નથી. માત્ર તેનાં સ્વાદનો અનુભવ કરી શકાય.
૧૦. મોક્ષનું ફળ નથી સ્વર્ગમાં કે નથી પાતાળમાં - મોક્ષ માત્ર મનમાં જ રહે છે.
Add comment