Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ણણા દૂઈ બસાયે ગાંઉ, રેણા ઢૂંઢે તેરે નાંઉ
મુયે એક જાય તજિ ઘના, મરે ઈત્યાદિક કેતે ગના .... ૧૬

તતા અતિ ત્રિયો નહિ જાઈ, તન ત્રિભુવનમેં રાખુ છિપાઈ
જો તન ત્રિભુવનમાંહિ છિપાવૈ, તત્વ હિ મિલિ તત્વ સો પાવૈ .... ૧૭

થથા અથાહ થાહો નહિ જાઈ, ઈ થિર ઉ થિર નાહી રહાઈ
થોરે થોરે થિર હોઉ ભાઈ, બિન ખંભે જસ મંદિર થંભાઈ .... ૧૮

દદા દેખહુ ૧૦બિનશન હારા, જસ દેખહુ તસ કરહુ બિચારા
દાસહૂં દુવારે તારી લાવૈ, તબ દયાલ કે દર્શન પાવૈ .... ૧૯

સમજૂતી

ણ અક્ષર સૂચવે છે કે જીવે તો બે ગામો વસાવ્યા છે. તેમાં તો પોતાનું સુખ સ્વરૂપ શોધ્યા કરે છે. શોધતા શોધતા પહેલાના લોકો પણ સંપત્તિ અહી જ મૂકીને મરી ગયા. કેટલા મર્યા તેની ગણતરી પણ કેવી રીતે થઈ શકે ?  - ૧૬

સંસાર તરવો અતિમુશ્કેલ જણાય છે તો શરીરને ત્રિગુણાત્મક સ્થિતિમાં પણ છૂપાવીને સુરક્ષિત રાખો. જે પોતાના શરીરને ત્રિગુણાત્મક સ્થિતિમાં રુસક્ષિત રાખી શકશે તે એક દિવસ તત્વની પ્રાપ્તિ કરી સંસાર પાર કરી શકશે.  - ૧૭

થ અક્ષર કહે છે કે મનનો કોઈ પાર પામી શકતું નથી. તે ચંચળ હોવાથી ન તો અહીં આ લોકમાં સ્થિર થઈ કે ન તો પરલોકમાં સ્થિર થઈ શકે. તેથી ધીરે ધીરે તેને સ્થિર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. જેવી રીતે કારીગર મંદિરનું શિખર સ્તંભ વિના યુક્તિથી ઊભું રાખે છે તેવી રીતે મનને યોગ દ્વારા આત્મામાં સ્થિર કરવું જોઈએ.  - ૧૮

દ અક્ષર સૂચવે છે કે દેખાતું જગત પરિવર્તનશીલ છે. જેવું દેખાય છે તેવો વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. દશે ઈન્દ્રિયોને વશ કરીને સમાધી લાગી જાય તો દયાળુ આત્મદેવનાં દર્શન થાય છે.  - ૧૯

૧. દૂઈ એટલે બે અથવા દ્વૈત. આ લોક - પરલોક, સ્વર્ગ-નરક, મૃત્યુલોક-પ્રિતુલોક વગેરે દ્વૈતની કાલ્પનિક સૃષ્ટિ જીવે ઊભી કરી હોય છે. તેથી પરમ સુખ નથી સ્વર્ગમાં કે નથી નરકમાં. પરમ સુખ તો નિજ સ્વરૂપમાં જ હોય છે.

૨. નાંઉ એટલે નામરૂપની સૃષ્ટિ, જીવ નામરૂપના જગતમાં પરમ સુખ શોધે છે તેથી તેને કેવી રીતે મળે ?  “વસ્તુ કહીં, ઢૂંઢે કહીં, ક્યોં કર લાગે હાથ ?” એ કબીર સાહેબની સાખી અહીં યાદ આવે છે.

૩. પુત્ર પરિવાર, ઘરબાર ને માલમિલકત ઘણું બધું જીવ અહીં મૂકીને વિદાય થાય છે. ભૌતિક સંપત્તિ સાથે લઈ જઈ શકાતી નથી.

૪. “ત્રિયો નહિ જાઈ” એટલે સંસાર સાગર તરી શકાય એવો જણાતો નથી. મનનો તો જેટલો વિસ્તાર વધે તેટલો સંસારનો વધે. મનમાં રહેલી તૃષ્ણાથી, કામનાઓથી, વિષય વાસનાથી તે અતિશય દૂષ્કર બની જાય છે.

૫. શરીરની ત્રિગુણાત્મક સ્થિતિ.

૬. આ જન્મમાં મળેલા ત્રિગુણાત્મક શરીર સાચવીને રાખવામાં આવે એટલે કે આ જન્મમાં દૂષ્ટકર્મોથી દૂષિત કરવામાં નહિ આવે તો આત્મ તત્ત્વની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે.

૭. અથાહ એટલે અગાધ - અમાપ - અપાર. મનનો કોણ પાર પામી શકે ?

૮. “ઈ” એટલે અહીં. આ લોકમાં. “ઉ” એટલે તહીં. પરલોકમાં. મનના બહિર્મુખ સ્વભાવને કારણે તે ન તો આ લોકમાં સ્થિર થઈ શકે કે ન તો પરલોકમાં. તેથી સો પ્રથમ તેને અંતર્મુખ બનાવવું જરૂરી ગણાય છે. મન અંતર્મુખ હોય તો ધીમે ધીમે સ્થિર થઈ શકે.

૯. મંદિર બાંધનાર કારીગર યુક્તિથી મંદિરનું શિખર સ્તંભ વિના બાંધી બતાવે છે તેમ યોગથી મનને સ્થિર રાખી શકાય છે. મનને યુક્તિપૂર્વક નાથવું પડે છે. ક્યારેક પ્રેમથી તો ક્યારેક સામ દામ દંડ ને ભેદની નીતિથી તેને હાથમાં રાખવું પડે છે. કદી સફળ થવાય તો કદી ને નિષ્ફળ પણ જણાય. ગભરાવું ન જોઈએ. પ્રયત્ન ચાલુ જ રાખવો જરૂર ગણાય. તો જ ધીમે ધીમે સ્થિરતા પ્રાપ્ત કરી શકાય.

૧૦.  મારા હાથ તળે રહી પ્રકૃતિ જગત કરે
      તેથી તેમાં થાય છે પરિવર્તન સઘળે. (સરળ ગીતા)
ગીતામાં આ કથનમાં પરિવર્તનનો કરમ કુદરતી છે એટલે પરિવર્તનને સમજવાનો માનવે પ્રયત્ન કરવો જોઈએ. અહીં કબીર સાહેબનો ઉપદેશ પણ એવો જ છે. પરિવર્તનને રોકવું અકુદરતી છે. પરિવર્તનને બરાબર પરખીને માનવ કલ્યાણ સાધી શકે છે. કલ્યાણ થઈ શકે તેવી વિવિધ યોજનાઓ ઘડી શકે છે. સમયાનું કૂલ પગલું ભરનાર સફળતાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,036
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,529
pdf-2અનંત સૂર | Anant Soor 9,141
pdf-3Amar Varso | અમર વારસો 7,403
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,860