કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મૈં આયો ૧મેહતર મિલન તોહિ, અબ ૨ઋતુ વસંત પહિરાઉ મોહિ ... ૧
લંબી પુરિયા પાઈ છીન, ૩સૂત પુરાના ખૂંટા તીન
સર લાગે તેહિ ૪તિનસો સાઠ, કસનિ ૫બહત્તરિ લાગૂ ગાંઠ ... ૨
ખુર ખુર ખુર ખુર ચાલૈ ૬નારિ, બૈઠિ જોલાહિન પલથીમારિ
ઉપર નચનિયાં કરત કોડ, કરિગહમાંહિ દૂઈ ચલત ગોડ ... ૩
પાંચ ૭પચીસો ૮દાસહૂં દ્વાર, સાખી પાંચ તહાં રચી ૯ધમાર
રંગ બિરંગી પહિરૈ ચીર, હરિકે ચરન ૧૦ગાવૈં કબીર ... ૪
સમજુતી
હે સદગુરુ દેવ, હું તમને મળવા આવ્યો છું. હવે તમે મને નિત્ય વસંતનો પોષક પહેરવો ! - ૧
ઘણાં લાંબા સમયથી આ શરીરરૂપી વસ્ત્ર ધારણ કરવાનો ક્રમ મારો ચાલ્યા કરે છે. આ શ્વાસ રૂપી સૂતર તો અતિ પુરાણું છે. ઈડા, પિંગલા ને સુષુમ્ણાના ખૂંટાએ તેને બાંધી દીધેલ છે. તે શરીરરૂપી વસ્ત્ર તો ત્રણસો સાંઠ હાડકાઓથી અને બોત્તેર ગ્રંથીઓથી ગૂંથાયેલું છે. - ૨
વસ્ત્ર વણનારી નાલી ખુર ખુર અવાજ કરતી જન્મોજન્મથી પોતાનું કામ કર્યા જ કરતી રહે છે. તે નાલીની બાજુમાં જુલાહાની સ્ત્રી તો પલાંઠી વાળીને બેસી જ રહી છે. જ્યારે કરઘામાં બંને પગ ચાલે છે ત્યારે કરઘાની ઉપર ટાંગેલીચકલી ઉપર નીચે નાચ્યા કરતી હોય છે. - ૩
પચ્ચીસ તત્ત્વવાળી પ્રકૃતિ, પંચ પ્રાણને પાંચ જ્ઞાનેન્દ્રિયો રૂપી સખીઓ દસ દરવાજાવાળા આ શરીરમાં હોરીનો રાગ ધમાર ગાયા કરે છે. તેઓ રંગબેરંગી વસ્ત્રો પહેરી હોરીનો તહેવાર ઉજવ્યા કરે છે. પરંતુ હરિના ચરણોમાં નિત્ય આશ્રય લેનાર કબીર જેવા કોઈ ભક્ત જ મુક્તિ માટે નિત્ય વસંતનો રાગ ગાયા કરે છે ! - ૪
૧. "મહેતર" ફારસી ભાષાનો શબ્દ છે. મેહ એટલે વડો - મોટો. મેહતર એટલે સૌનો વડો. સંસ્કૃતમાં મહત્ત્ર શબ્દ છે અને તેનો અર્થ પણ વધારે મોટો એવો થાય છે. અહીં સદગુરુ અભિપ્રેત છે.
૨. વારંવાર જન્મ મરણના ચક્રમાં હવે ફસાવું નથી. તેથી વારંવાર આવતી કામચલાઉ વસંતનું સુખ હવે માણવું નથી. હવે તો નિત્ય વસંતનું જ સુખ પ્રાપ્ત કરવું છે. જે વસંત જન્મતી જ નથી, આવતી જ નથી એટલે તે મરતી પણ નથી, જતિ પણ નથી તેવી વસંતની પરમ દશા પ્રાપ્ત કરવાનો ભાવ વ્યક્ત થયો છે.
૩. પ્રાણ રૂપી સૂતર. તેને ત્રણ ખૂંટા સાથે બાંધેલ છે. ત્રણ ખૂંટા એટલે સત્ય, રજ ને તમ અથવા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિની ત્રણ અવસ્થા, અથવા કામ, ક્રોધ ને લોભ. પરંતુ અહીં કબીર સાહેબ યોગની પરિભાષા પણ પ્રયોજે છે તેથી ઈંગલા, પિંગલા ને સુષુમ્ણા શબ્દો વધારે ઉચિત લાગશે. કબીર સાહિત્યમાં તે અનેક વાર પ્રયોજાયા છે.
૪. શરીરમાં ત્રણસો સાંઠ હાડકાઓની ગણતરી કરવામાં આવી છે.
૫. શરીરમાં બોત્તેર ગ્રંથીઓ છે. તે ગ્રંથીઓથી શરીરનો બાંધો સારી રીતે જળવાયેલો રહે છે. તે ગ્રંથીઓના નામો આ પ્રમાણે જણાવવામાં આવે છે: ૧૬ કંડરા, ૧૬ જાલ, ૪ રજ્જુ, ૭ સવની, ૧૪ અસ્થિસંઘાત, ૧૪ સીમંત અને ૧ ત્વચા મળી કુલ બોત્તેર ગાંઠ.
૬. નારિ = નાલી. કાપડ વણવાના યંત્રને કરઘો કહે છે. 'કરિગ્રહમાંહિ' એટલે કરઘા નામના યંત્રમાં. તે યંત્ર પર બેસનારો કારીગર જુલાહો કહેવાય. તે પગ ઊંચા નીચા કરે એટલે ઘાગો-દોરો પરોવેલી નાલી ડાબે-જમણે ફટાફટ ખસ્યા કરે. કબીર સાહેબે અહીં વણાટ શાળાની પરિભાષા રૂપકને વિશદ બનાવવા પ્રયોજી છે. આ શરીર રૂપી કરઘાનું યંત્ર. એમાં જીવરૂપી જુલાહો યંત્ર ચલાવ્યા જ કરે. કર્મરૂપી તાંતણાઓ મનરૂપી નાલીમાં પરોવાયેલા જ રાખે છે. તેથી જીવનરૂપી વસ્ત્રનું વણાટકામ ચાલ્યા જ કરે છે.
૭. સંખ્યાશાસ્ત્રની દષ્ટિ પ્રકૃતિના પચ્ચીલ તત્ત્વો અહીં અભિપ્રેત છે : પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ મહાભુતો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બુધ્ધિ, મહત્ અહંકાર, મૂળ પ્રકૃતિને પુરુષ.
૮. આ શરીરરૂપી મહેલના દાસ દરવાજાઓ છે : બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા, શિસ્ન, અને બ્રહ્મારંધ્ર.
૯. હોળીના પ્રસંગે ફાગ માંગવા માટે ગવાતી ગાયન પધ્ધતિ.
૧૦. કબીર એટલે શ્રેષ્ઠ ભક્ત. ભગવાનના શ્રેષ્ઠ ભક્તને પ્રકૃતિની વસંત આકર્ષી શક્તી નથી. તેને તો નિત્ય વસંતીનું જ આકર્ષણ છે. કામચલાઉ વસંતથી આત્મ કલ્યાણ કેવી રીતે સાધી શકાય ?
Add comment