Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઓઢન મોરા રામનામ મૈં રામહિ કા બનિજારા હો ... ૧

રામનામ કા કરહું બનિજિયા, હરિ મોરા હટવાઈ હો
સહસ નામ કા કરૌં પસારા, દિન દિન હોત સવાઈ હો ... ૨

જા કે દેવ વેદ પછરાખા, તા કે હોત હટવાઈ હો
કાનિ તરાજૂ સેર તિનિ પઉવા, તુરુકિનિ ઢોલ બજાઈ હો ... ૩

સેર પસેરી પૂરા કૈલે પાસંગ, કતહું ન જાઈ હો
કહંહિ કબીર સુનહુ હો સંતો, ૮જોર ચલા ચહંડાઈ ... ૪

સમજુતી

મારું ઓઢવાનું વસ્ત્ર રામનામનું છે. હું તો રામનામનો વેપારી છું. - ૧

મારા રામનામના વેપારમાં સાક્ષાત હરિ આડતિયાનું કામ કરે છે. હું રામના હજાર નામોનો પ્રચાર કરું છું તેથી માને દરરોજ વેપારમાં સવાયો નફો થાય છે. - ૨

જેણે દેવ અને વેદનો પક્ષ લીધો છે તેની દલાલી ઈશ્વર કરે છે પણ જે ત્રણ પાવના શેરને ચાર પાવનો શેર છે એવું ખોટું તોલમાપ કરીને છેતરે છે તે મુસલમાનના ગુણગાન
ગાય છે. - ૩

જે શેર પસેરુનું માપ પ્રમાણીકતાથી બરાબર રાખે છે તે તરાજવાની દાંડી એકદમ સમતોલ રાખે છે, એકે બાજુ નામવા દેતો નથી. કબીર કહે છે કે હે સંતજનો સાંભળો,
જે પ્રમાણિક નથી તે જ જોરજુલમ કરીને ઠગવાનું કાર્ય કરે છે. - ૪

૧. આ પદમાં વેપારનું રૂપક ગોઠવ્યું છે તેથી વેપારીની થોડી પરિભાષા વપરાયેલી અહીં નજરે પડે છે. 'હટવાઈ', 'કાનિ તરાજૂ', 'સેર વેપારી', 'પાસંગ' જેવા શબ્દો વેપારી માટે જાણીતા શબ્દો કહેવાય. વેપારીને પ્રચાર (publicity) નો મહિમા ખબર. પ્રચારથી વેપારનો વિકાસ થાય તેવી માન્યતા. ઓઢવાનું વસ્ત્ર શરીરનું રક્ષણ કરે છે. પણ તે જો રામનામનું જ હોય તો પછી પૂછવું જ શું ?  એકદમ સહી સલામત સ્થિતિમાં પ્રવેશ થઈ જાય છે. રામના હજારો નામો છે તેનો પ્રચાર કરવાથી તો નફો પણ સવાયો મળે છે. આ પ્રકારના પ્રચારથી વેપાર ખૂબ વધે, ખૂબ કમાણી થાય અને આત્મ કલ્યાણના માર્ગે સફળ થવાય છે.

૨. આ રામ કોણ ?  આત્માથી અલગ કોઈ રામની કલ્પના કબીર સાહેબને તો માન્ય નથી.

૩. હટવાઈ એટલે દલાલ. આત્માથી અલગ કોઈ રામની જીવની કલ્પના લાગે છે કારણ કે હરિને સાક્ષાત દલાલ કરવા પડ્યા છે. તે દલાલને પોતાનો પ્રચાર થાય છે તે ગમે છે તેથી તે પક્ષપાતી વલણ રાખીને સવાયો નફો પણ કરાવી આપે છે.

૪. વળી જે દેવ અને વેદમાં માનતા હોય તેની જ રામ તો દલાલી કરે છે એ પ્રચારની શૈલી પણ આત્માથી અલગ ઈશ્વરના અસ્તિત્વમાં મનવાવાળાની છે.

૫. 'કાનિ તરાજૂ' એટલે કાણું તરાજવું. જે છેતરવા માટે ઉપયોગી થાય.

૬. ચાર પાવનો એકે શેર થાય છતાં અપ્રમાણિક વેપારીઓ ત્રણ પાવના એક શેરને ચાર પાવનો શેર છે એવું સમજાવી છેતરવાનો ધંધો કરે છે. દેવીને બલિ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવી વહેમ અને અંધ વિશ્વાસ વધારતી વાતોનો સમાવેશ અપ્રમાણિક ધંધામાં થયેલો માનવો.

૭. કેટલીક પ્રતોમાં આ પ્રમાણેની વધારાની પંક્તિઓ પણ જણાય છે.
જા કે દેવ મૈં નવપંચ સેરવા તાકે હોત ચઢાઈ હો
કાની તરાજૂ સૈરતિન પઉવા ડહકન ઢોલ બજાઈ હો
એનો શબ્દાર્થ આ પ્રમાણે કરવો:  પ્રમાણિકતાથી વેપાર કરનાર એક મણને પાંચશેર આપે છે તો એનું વળતર તેને અઢી  ગણું મળી જાય છે. પરંતુ જે ત્રણ પાવનો શેર મૂકીને ચાર પાવ આપ્યાનો ઢોંગ કરે છે તે ચોર કહેવાય.

૮. અપ્રામાણિકતા પ્રામાણિકતા છે અથવા તો અનિતી એ નીતિ છે એ દાવો કરનારા વેપારીઓ જોર જૂલમથી કે બળજબરીથી છેતરનારા તરીકે અહીં દર્શાવ્યા છે.  ત્રીજી કડીમાં વપરાયેલો શબ્દ "તુરુકિનિ" (એટલે મુસલમાન) કબીર સાહેબની વિચાર સરણી સાથે સંવાદી થતો નથી. જે પ્રતમાં "તુકિની" પાઠ છે તે સંવાદી થઈ શકે છે કારણ કે તેનો અર્થ થાય છે: 'ખોટું તોલમાપ કરીને છેતરે છે તે બનાવટી ગુરુએ કાનમાં મંત્ર ફૂકીને દીક્ષિત કરેલો હોવાથી અપ્રામાણિકતાના જ ગુણગાન  ગાય છે."