કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બહુ બિધિ ચિત્ર બનાયકે, હરિ રચ્યો ૧ક્રીડા રાસ,
જાહી ન ઈચ્છા ઝૂલબેકી, ઐસી બુધિ કેહિ પાસ ? ... ૧
ઝુલત ઝુલત બહુ કલ્પ બીતે, ૨મન નહિ છોડૈ આસ
રચ્યો હિંડોલા અહોનિસ, ચરી જુગ ૩ચૌમાસ ... ૨
કબહું કે ઉંચ સે નીચ કબહું, ૪સરગ ભૂમિ લે જાય
અતિ ભ્રમત ભરમ હિંડોલવા હો, નેકુ નહિ ઠહરાય ... ૩
ડરપત હૌં યહ ઝૂલબેકો, રાખુ ૫જાદવરાય
કહંહિ કબીર ગોપાલ બિનતિ, સરન હરિ તુમ આય ... ૪
સમજુતી
પ્રભુએ અનેક પ્રકારે દશ્ય જગતનું આ ચિત્ર રચીને રાસ રમવાની લાલચ ધરી છે. એમાં રાસ રમવાની ઈચ્છા ન ધરાવતા હોય એવી બુધ્ધિ કોના ભાગ્યમાં ? - ૧
સંસાર રૂપી હિંડોળામાં ઝુલતા ઝુલતા તો અનેક જન્મો વીતી ગયા છતાં મન તેમાં ઝુલવાની હજી પણ આશા છોડતું નથી. ચારે યુગ રૂપી ચોમાસામાં એ હિંડોળો તો રાતદિવસ સતત ઝૂલ્યા જ કરે છે. - ૨
ક્યારેક તો હિંડોળો જીવને ઊંચે લઈ જાય છે તો ક્યારેક તે સાવ નીચે લાવે છે. કદી કદી જીવને સ્વર્ગમાં તો કદી કદી પૃથ્વી પર તે ભમાવે છે. ભ્રમરૂપી તે હિંડોળો અત્યંત ચંચળ હોય છે, તે સ્હેજ પણ અટકતો નથી ! - ૩
કબીર કહે છે કે અબુધ જીવ શ્રી કૃષ્ણના શરણમાં આવીને આજીજીપૂર્વક વિનંતિ કરે છે કે હે પ્રભુ, માને આ ભ્રમરૂપી હિંડોળામાં ઝૂલવાની બ્હીક લાગે છે તેથી ત્યાં મારી સંભાળ રાખજો ! - ૪
૧. સંસાર રૂપી ચિત્ર કોણે બનાવ્યું ? અગાઉ કબીર સાહેબ કહી ગયા છે કે મન દ્વારા સંસારની રચના થઈ છે. "મનસા રચ્યો હિંડોલ" એવી પણ એક પદની પંક્તિ છે. તેથી મનરૂપી હરિએ આ સંસારનું ચિત્ર ખૂબ જ રસિક બનાવ્યું છે. ભલભલાને સંસારમાં રમવાનું મન થઈ જાય છે. અહીં "ક્રીડારાસ" શબ્દમાં ભોગવતા સંસારના ભોતોને ધ્વનિ સંભળાય છે. સંસારના ભોગોથી ન લલચાય એવા જીવો કેટલા ?
૨. આવન જાવનમાં ચક્રમાં મન જાણે કે થાકતું જા નથી. સંસાર તેને ખૂબ રસાળ લાગે છે. અત્યંત પીડા ને દુઃખોમાંથી પસાર થયા છતાં થોડા સમય માટે માટે મળતું સંસારનું ક્ષણિક સુખ તેને મોહ પમાડે છે. તે સુખ માણવાની આશામાંને આશામાં જન્મ મરણના ફેરા ફર્યાં કરે છે.
૩. કૃષ્ણાષ્ટમી ઓગષ્ટ મહિનામાં આવે છે. ઓગષ્ટ મહિનો ચોમાસાની ઋતુમાં આવે છે. સમગ્ર ભારતમાં ચોમાસામાં હિંડોળો બંધાતો હોવાથી કબીર સાહેબે "ચૌમાસ" શબ્દ પ્રોજ્યો છે. ચારે યુગો ચોમાસ માન છે એવું ગણીને તે ભ્રમરૂપી હિંડોળો સતત ઝૂલતો રહે છે તે હકીકત તરફ કબીર સાહેબે સૌનું ધ્યાન દોર્યું છે. જીવ અનંત જન્મોથી તેમાં ઝુલ્યા જ કરે છે. તે વિશ્રામ લેતો જ નથી. તે જન્મે છે, મરે છે અને ફરીથી જન્મે છે. તે અટકતો જ નથી.
૪. સ્વર્ગ સુખની કલ્પના મનની પોતાની છે. તેથી સ્વર્ગણી પ્રાપ્તિ માટે જીવ જુદી જુદી રીતે ઉપાસના પણ કરતો રહે છે. ખરેખર તો તે ભ્રમનું પરિણામ જ છે. સ્વર્ગ સુખ કાંઈ કાયમી નથી હોતું. તે એક દિવસ પૂર્ણ તો થાય જ છે. ત્યારે જીવ ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે. મતલબ કે રીતે પણ તેને વિશ્રામ મળતો નથી. મુક્તિ મળતી નથી.
૫. 'જાદવરાય', 'ગોપાલ', 'હરિ', એ વિશેષણો શ્રી કૃષ્ણના જ હોય શકે. પહેલી પંક્તિમાં રાસ શબ્દ પણ શ્રી કૃષ્ણની જ યાદ અપાવે છે. તેથી શ્રી કૃષ્ણને સંબોધીને કબીર સાહેબે ભ્રમરૂપી હિંડોળામાંથી છૂટકારો મેળવવા ઉપદેશ આપ્યો છે. જે મન વિષયોની આસક્તિવાળું છે તે મન સંસારની રચના કરે છે અને જે મન શુધ્ધ છે, નિર્વિષયી છે, તે મન સંસારમાંથી છૂટકારો મેળવે છે. શ્રી કૃષ્ણ શુધ્ધ મનના શરણે જનાર સંસારથી બચી જાય છે. એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. બાકી અવતારવાદમાં કબીર સાહેબ શ્રધ્ધા ધરાવતા નહોતા તે આપણે શબ્દ પ્રકરણમાં જોઈ ગયા છીએ. તેથી કૃષ્ણ શબ્દ દ્વારા વિશુધ્ધ મનની અવસ્થાનું સૂચન સમજવું વધારે ઉચિત લાગે છે.
Add comment