Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બલ સુમ્રિતિ જહંડાયહુ, હો રમૈયા રામ
ધોખે કિયેઉ બિસવાસ, હો રમૈયા રામ ... ૧

સો તો હૈ રબન સીકસી, હો રમૈયા રામ
સેર કિયેઉ બિસવાસ, હો રમૈયા રામ ... ૨

ઈ તો બેદ ભાગવત, હો રમૈયા રામ
ગુરુ દીહલ મોહિ, હો રમૈયા રામ ... ૩

ગોબર કોટ ઉઠાયહુ, હો રમૈયા રામ
પરિહરિ જૈબહુ ખેત, હો રમૈયા રામ ... ૪

મન બુધ્ધિ જહાં ન પહુંચે, હો રમૈયા રામ
તહાં ખોજ કસ હોય, હો રમૈયા રામ ...૫

સો મુનિ મન ધીરજ બયલ, હો રમૈયા રામ
મન બઢિ રહલ લજાય, હો રમૈયા રામ ... ૬

ફિર પાછે જનિ હેરહુ, હો રમૈયા રામ
કાલબૂત સબ આહિ, હો રમૈયા રામ ... ૭

કહંહિ કબીર સુનો સંતો, હો રમૈયા રામ
મન બુધ્ધિ ઢિગ ફૈલાવહુ, હો રમૈયા રામ ... ૮

સમજૂતી

હે રમતા રામ જીવ, તું સ્મૃતિ શાસ્ત્રોથી ભ્રમણામાં પડી ગયો છે !  તું ભ્રમજનક શબ્દોમાં વિશ્વાસ કરી બેઠો છે ! ... ૧

તે ભ્રયજનક શબ્દો તો ખારપાટ જમીનમાં ઉગતા બરુના જંગલ જેવા છે તેના પર હે જીવ !  તું તો વિશ્વાસ કરી બેઠો છે. ... ૨

તું તો કહે છે કે એ તો અમારા ગુરુએ એવું શીખવ્યું છે એ તો વેદને ભાગવતની વાણી છે (તેથી માનવી) ... ૩

પરંતુ હે જીવ !  એ તો રણમાં રક્ષણ માટે છાણાનો કિલ્લો બનાવવા જેવું ગણાય તેથી તારે રણક્ષેત્ર છોડી અવશ્ય ભાગવું પડશે. ... ૪

હે રમતા રામ જીવ, તું એટલું તો વિચાર કે જ્યાં મન અને બુદ્ધિ પહોંચી શકતા ન હોય ત્યાં તપાસ કેવી રીતે થઈ શકે ?  ... ૫

સદગુરુનો એવો ઉપદેશ સાંભળીને હૃદયમાં ધીરજ તો પ્રગટી પણ મનને પોતાની ભૂલ સમજાય જતાં શરમ પણ પ્રગટી ! ... ૬

હે રમતા રામ જીવ, ભાન થયું છે તો હવે પાછો ફરીને સંસારના પદાર્થો તરફ નજર ન કર !  તે સર્વ કાળને જ આધીન છે ! ... ૭

તેથી કબીર કહે છે કે હે સંતો, હવે પછી તમારા મન અને બુદ્ધિને તમારા હૃદય પ્રદેશમાં જ લીન કરવા પ્રયત્ન કરજો ... ૮

૧. અહીં શાસ્ત્રગ્રંથોની અવગણના કરવાનો કબીર સાહેબનો ઈરાદો જણાતો નથી, પરંતુ શાસ્ત્રગ્રંથોમાં કેટલીક ઉપયોગી ન જણાતી હોય તેવી વાત વિવેકપૂર્વક બાજુએ કરી દેતા શીખી લેવું જોઈએ. દા.ત. “ન માંસ ભક્ષણે દોષો ન મદ્યે નચ મૈથુને” એવું મનુસ્મૃતિમાં જણાવ્યું છે. અર્થાત્ માંસાહાર, દારૂ અને વ્યભિચાર કરવાથી પાપ થતું નથી એવું મનુ ભગવાનનું વચન આત્મકલ્યાણમાં બાધક બની જાય છે. સ્મૃતિના એવા વચનોથી જ દેવીને જીવતા પશુઓનો ભોગ ચઢાવવાની પ્રથા પડી હતી.

૨. ખારપાટ જમીનમાં બરૂ પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળે છે, જે દ્વારા ખેડૂતોનો કદી ઉદ્ધાર થઈ શકતો નથી. સારી ખેતી કરવી હોય તો તેવા બરૂને ઉખેડી ફેંકી દેવા પડતા હોય છે !

૩. ભોળા અજ્ઞાની શિષ્યોને વેદને ભાગવતમાં એવું કહ્યું છે તેથી શ્રદ્ધાપૂર્વક માની લેવાની બનાવટી ગુરુઓએ શિખામણ આપી હોય છે. તેવી શિખામણ જીવનનું કલ્યાણ કરી શકતી નથી.

૪. જેવી રીતે શત્રુઓની યુદ્ધ ભૂમિમાં લડનારનું માત્ર છાણના કિલ્લા બાંધવાથી રક્ષણ થઈ શકતું નથી તેવી રીતે બનાવટી ગુરુઓનાં વચનોથી ભક્તોનું આત્મ કલ્યાણ થઈ શકતું નથી.

૫. અહીં કબીર સાહેબ પ્રત્યેક વાત તપાસીને માનવાની સલાહ આપે છે. તેથી ખોજ શબ્દનો પ્રયોગ કર્યો છે. મન અને બુદ્ધિ ખોજ કરવાના હથિયાર છે. તે હથિયાર જો વાપરવામાં ન આવે તો તપાસ કેવી રીતે થઈ શકે ?  સ્મૃતિ શાસ્ત્રો એમ કહેતાં હોય કે મનવાણી ત્યાં પહોંચતી નથી તો તે વાણી પાર કેટલો વિશ્વાસ મૂકવો ?

૬. તેથી મન અને બુદ્ધિ કલ્પનાના પ્રદેશમાં વિહરે તેના કરતાં જો પોતાના હૃદય પ્રેદેશમાં લીન થવા પ્રયત્ન કરે તો પોતાના શરીરમાં રહેલ ચૈતન્યની ખોજ કરી શકે અને સાધક પોતાનું આત્મકલ્યાણ સાધી શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083