કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઊંચ નીચ જાનેઉ નહીં, મન બૌરા હો
ઘર ઘર ખાયઉ ૧ડાંગ, સમુજુ મન બૌરા હો ... ૮
જૌં ૨સુવના લલની ગહ્યો, મન બૌરા હો
ઐસો ભરમ બિચારુ સમુજુ મન બૌરા હો ... ૯
૩પઢે ગુને કા કીજિયે, મન બૌરા હો
અન્ત બિલૈયા ખાય, સમુજુ મન બૌરા હો ... ૧૦
સૂને ઘરકા ૪પાહુના, મન બૌરા હો
જૌં આવૈ તૌં જાય, સમુજુ મન બૌરા હો ... ૧૧
નહાને કો તીરથ ઘના, મન બૌરા હો
પૂજન કો બહુ દેવ, સમુજુ મન બૌરા હો ... ૧૨
બિનુ પાની નલ બૂડી હો, મન બૌરા હો
તુમ ટેકહુ રામજહાજ, સમુજુ મન બૌરા હો ... ૧૩
કહંહિ કબીર જગ ભરમિયા, મન બૌરા હો
તુમ છાંડેહુ હરિ કી સેવ, સમુજુ મન બૌરા હો ... ૧૪
સમજૂતી
બંધનમાં પડેલો વાંદરો ઉચનીચના ભેદ જાણ્યા વિના ઘરે ઘરે તેને લાકડીનો માર ખાય કરવો પડે છે તે હે પાગલ મન, તું બરાબર સમજી લે ! - ૮
જીવી રીતે વાંસની પોલી નળી પકડીને પોપટ પોતે બંધનમાં પડ્યો છે એવું માની લે છે તેવી રીતે માનવ પણ ભ્રામક વિચારોથી બંધનમાં પાડીને ખૂબ દુઃખી થાય છે તે હકીકત પણ હે પાગલ મન, તું બરાબર વિચારી લે ! - ૯
હે પાગલ મન, પોપટ ભણે ગણે તેથી તેને શો લાભ ? આખરે બિલાડી તો તેને ખાય જ જાય છે ! આ બધું સમજીને તું બરાબર વિચારી લે ! - ૧૦
અવાવરુ ઘરનો પરોણો કાંઈ જપામી શકતો નથી. તે તો જેવો આવ્યો તેવો ચાલ્યો જ જતો હોય છે તેથી હે પાગલ મન, તું તે પણ બરાબર સમજી લે ! - ૧૧
અજ્ઞાની જીવો માટે ન્હાવાની વ્યવસ્થા ઘણા તીર્થોમાં છે અને પૂજન કરવા માટે અનેક દેવ દેવીઓની સુવિધા પણ છે તે પણ તું હે પાગલ મન, બરાબર સમજી લે ! - ૧૨
હે પાગલ મન, પાણી વિનાના સંસાર રૂપી સાગરમાં પ્રત્યેક માનવ બૂડીને મરી જાય છે તેથી તું તેનો બરાબર વિચાર કરી રામ રૂપી નાવનું શરણું લઈ લે ! - ૧૩
આખું જગત ભ્રામક વિચારીને કારણે પરમાત્માની સાચી ભક્તિને ભૂલી જતું હોય છે તેથી હે પાગલ મન, તું સમજીને પરમાત્માની ભક્તિ કરવા માંડ ! - ૧૪
૧. વાંદરો લોભમાં ડૂબી જાય છે તેથી હાથની ભરેલી મોટી મૂઠી છોડતો નથી. ખરેખર તેને કોઈએ પકડ્યો નથી હોતો. છતાં તે પકડાઈ ગયો એવા વિચારે તે બેસી રહે છે પરિણામે માણસ તેને પકડી લે છે અને બાંધી દે છે. તેના પર માલિકીપણું ભોગવતો તે માણસ તેને ભીખ માંગવા માટે બધે લઈ જતો હોય છે. ભીખ માંગતી વખતે તેના મનમાં ઊંચા કુળનું ચાર છે કે નીચા કુળનું ઘર છે એવા ભેદો રહેતા નથી. પરંતુ વાંદરાએ નાના મોટા દરેક માણસની લાકડીનો માર ઘરે ઘરે ખાવો જ પડે છે ! લોભી માણસની હાલત એવી જ થતી હોય છે.
૨. પોપટ વાંસની પોલી નળી પર બેસે છે ત્યારે તે નળી ફરી જાય છે એટલે પોપટ પડી જવાના ડરે તેને પગથી બરાબર પકડી લે છે. પોપટ તો એમ જ માની લે છે કે તેને નળીએ પકડી લીધો ! પરિણામે તે ઊડી જતો નથી. તેવા જ ભ્રામક વિચારથી પ્રત્યેક જીવ સંસારના બંધનમાં પડે છે. પોપટે નળીને પકડી હતી, નળીએ કાંઈ પોપટને પકડ્યો નહોતો ! છતાં તે લાલ મરચું ખાવાની લાલચે ઊડી જતો નથી. પરિણામે પિંજરામાં પૂરાતો હોય છે. વિષયોની લાલચમાં જીવ પણ તેવી જ રીતે ભ્રમથી માની લે છે કે મને કોઈ છોડતું નથી. હકીકત તેણે જ સંસારને પકડ્યો હોય છે !
૩. પોપટ પારાયણ કરનાર વિદ્વાનોને અનુલક્ષીને અહીં કબીર સાહેબે ખૂબ માર્મિક વચનો કહ્યા છે. પોપટ ભણે કે ગણે તેથી તેને વ્યક્તિગત રીતે કશો જ લાભ થતો નથી હોતો. તેને તો બિલાડી ખાય જશે એવો દર તો રહે જ છે. માનવ શાસ્ત્રો કંઠસ્થ કરી લે અને પારાયણ કર્યા કરે તેથી પણ શું ? પોતાની અશુદ્ધિઓ દૂર ન થાય ત્યાં સુધી તેને કશો જ લાભ થતો નથી. તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી.
૪. પાહુના = પરોણા. જે ઘરમાં કોઈ રહેતું જ ન હોય તે ઘરમાં કોઈ કદી મહેમાન બનીને જાય તો તેણે ખાલી જ ફરવું પડે છે. નથી તે પામી શકતો તૃષાની તૃપ્તિ કે નથી લઈ શકતો ક્ષુધાની સંતૃપ્તિ. કોઈ રહેતું હોય તો તેનો સત્કાર પણ કરે ! તેવી જ રીતે આ જીવે માનવનો રત્ન ચિંતામણિં ગણાતો દેહ મેળવ્યો ખરો પણ તેણે આત્મ કલ્યાણ માટે કાંઈ જ પ્રવૃત્તિ ન કરી હોય તો તે મુક્તિનું સુખ કેવી રીતે પામી શકે ? ભલેને તેણે ખૂબ સમૃદ્ધિ ભેગી કરી હોય ! મોટી મોટી મહોલાતો મેળવીને પોતાનો માલિકી હક્ક ભોગવતો હોય ! ભલેને લોકોમાં પ્રતિષ્ઠા પણ મેળવી હોય ! જો તેણે આત્મ કલ્યાણ કરવાની પ્રવૃત્તિ ન કરી હોય, પોતાની મલિનતા દૂર કરવા કદી કોશિશ ન કરી હોય તો તેનો ફેરો સાવ નકામો જ જાય છે.
Add comment