કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સબ હી મદમાતે કોઈ ન જાગ, સંગ હિ મોર ઘર મૂસન લાગ ... ૧
૧જોગી માતે જોગ ધ્યાન, ૨પંડિત માતે પઢિ પુરાન,
૩તપસી માતે તપ કે ભેવ, ૪સન્યાસી માતે કરિ હંમેવ ... ૨
મૌલાના માતે પઢી મુસાફ, કાજી માતે દૈ ની સાફ
સંસારી માતે માયા ધાર, રાજા માતે કરિ હંકાર ... ૩
માતે ૫સુકદેવ ૬ઉધો, ૭અક્રુર હનુમત માતે લે લંગૂર
૮સિવ માતે હરિ ચરન સેવ, કલિ માતે નામા જયદેવ ... ૪
૯સત્ત સત્ત કહૈ સુમ્રિતિબેદ, રાવન મારેઉ ઘરકે ભેદ
ચંચલ મન અધમ કામ, કહંહિ કબીર ભજુ રામનામ ... ૫
સમજૂતી
સૌ અભિમાનમાં ચકચૂર થઈને ઉંઘી ગયા લાગે છે કારણ કે સૌના (શરીર રૂપી) ઘરમાં મન રૂપી ચોર સાથે રહીને (આત્મા રૂપી) ધન ચોરી લે છે તે કોઈ જાણતું નથી - ૧
યોગી લોકો ધ્યાનયોગમાં મતવાલા થયા છે તો પંડિતો પુરાણ વાંચીને અભિમાનમાં ડૂબ્યા છે. તપસ્વી લોકો તપના નશામાં ચકચૂર છે તો સન્યાસીઓ ‘અહં બ્રહ્માસ્મિ’ ના અભિમાનમાં ડૂબ્યા છે. - ૨
મુસલમાનોમાં જ્ઞાની ગણાતા મૌલાઓ કુરાન વાંચી મદમસ્ત રહે છે તો ન્યાયમાં નિષ્ણાત ગણાતા કાજી લોકો ન્યાયના અહંકારમાં ડૂબેલા રહે છે ! સંસારી લોકો માયામાં અને મોટા મોટા રાજાઓ મોટાઈના મદમાં ચકચૂર છે - ૩
શુકદેવ, ઉદ્ધવ, અક્રૂર જેવે વિભૂતિઓ જ્ઞાનના અભિમાનમાં, હનુમાન જેવા શૂરવીર પોતાની પુંછડીના બલના ગર્વમાં, શંકર ભગવાન જેવા હરિના ચરણની સેવાના મદમાં અને કળીયુગમાં નામદેવ તથા જયદેવ ભક્તિના અહંકારમાં ડૂબી ગયા છે. - ૪
વેદ અને સ્મૃતિશાસ્ત્રો સત્ય કહે છે કે સંસારમાં પ્રત્યેક માનવ પોતાની અંદર રહેલા દુશ્મનોથી જ મરણને શરણ થાય છે. રાવણ પણ પોતાની અંદર રહેલા દુશ્મનોથી જ મરણને શરણ થાય છે. રાવણ પણ પોતાના ઘરમાં ભેદ પડવાથી જ માર્યો ગયો હતો ! કબીર કહે છે કે માનવ, ચંચલ મનના કામોથી બચવા રામનામનું ભજન કરી લે ! - ૫
૧. જોગી શબ્દ અહીં હઠયોગીના સંદર્ભમાં વપરાયો લાગે છે. ઘણા હઠ યોગીઓ પ્રાણાયામના પ્રદર્શનો યોજી પોતાના અંતરમાં રહેલી અહંકારની વૃત્તિને પોષતા હોય છે.
૨. પૌરાણિક કથા વાર્તાઓમાં રચ્યા પચ્યા રહેલા પંડિતો એવું માનતા હોય છે કે પોતે જે જાણે છે તે જ સાચું છે અને બીજું બધું ખોટું છે. ખરેખર તે સાચા પંડિતનું લક્ષણ નથી. સાચો પંડિત કથામાં છપાયલું રહસ્ય શોધી કાઢે છે અને તેનો જ મહિમા પણ કરે છે. કથાના સ્થૂળ દેહનો માહમા કરતો નથી.
૩. અંગૂઠા પર ઊભા રહી તપવું, એક પગે પાણીમાં ઊભા રહી તપ કરવું, પાણીમાં સૂઈ રહેવું, ફરતે અગ્નિ સળગાવી ધ્યાનમાં બેસવું, તાપ હોય કે ઠંડી - ખુલ્લા આકાશ તપે બેસી રહેવું, ઘોર ઉપસાવો કરવાના પ્રયત્નો કરવા - આ બધું તપશ્ચર્યાને નામે પોતાના અહંકારના પોષણ માટે થતું હોય છે.
૪. અહં બ્રહ્માસ્મિ એ આત્માની અનુભૂતિ થયા પછીનો ભાવ છે. મિથ્યા અહંકાર એ દ્વારા શમી જાય છે. પણ અનુભૂતિ થઈ ન હોય છતાં પોતે બ્રહ્મ છે એવો પ્રચાર કરવામાં આવતો હોય તો તે અભિમાનનું પરિણામ છે. એવી અવસ્થામાં ખરેખર પોતે બ્રહ્મ નથી. છતાં બ્રહ્મ સ્વરૂપ પોતે હોવાનો દાવો કરે છે અભિમાની જ ગણાય.
૫. શુકદેવ આત્મજ્ઞાની ગણાતા હતા. તેમના પિતા વ્યાસજીએ તેમને આત્મવિદ્યાની પ્રાપ્તિ માટે રાજા જનક પાસે મોકલ્યા હતા. શુકદેવને અભિમાની કેમ કહ્યા હશે ? શરીર અને સંસાર પોતાના આત્માથી અલગ નથી એવો ઉપદેશ રાજા પરિક્ષિતને કથાને અંતે આપ્યો હતો તે સાચા બ્રહ્મજ્ઞાનીને શોભા આપતો નથી. ખરેખર આત્મા તો સંસાર અને શરીર થી સદા અલિપ્ત જ છે. મંદાઘ બુદ્ધિ જ એવી ભૂલો કરી શકે.
૬. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન હતું તેથી શ્રી કૃષ્ણે તેને ગોપીઓ પાસે મોકલ્યા હતો.
૭. અક્રુરજી રાજનીતિજ્ઞ પણ હતા. કૃષ્ણને ગોકુળમાંથી બોલાવવા કંસે અક્રુરજી ને જ મોકલ્યા હતા. પોતે ગોકુળ ન ગયા હોત તો કૃષ્ણે આવ્યા જ ન હોત ! એવા ભાવમાંથી તેમના અંતરમાં અભિમાનનો ઉદભવ થયેલો.
૮. ભગવાન શંકર વિષ્ણુના પગની હંમેશા પૂજા કરતા એવી પૌરાણિક કથા છે. એવી જ રીતે વિષ્ણુને શિવની પૂજા કરતા પણ પુરાણોમાં ચીતરવામાં આવ્યા છે. એક હજાર કમલના ફુલોથી પૂજા કરવાનો વિષ્ણુનો નિયમ હતો, એક એક દિવસ એક ફૂલ ઘટ્યું તો વિષ્ણુએ પોતાની એક આંખ ધરી દીધી હતી.
૯. કબીર સાહેબ વેદ વિરોધી હતા એવું આવાં વચનો હોવાથી કેવી રીતે પૂરવાર કરી શકાય !
Add comment