કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તુમ બુઝહુ પંડિત કવનિ ૧નારી, કાહુ ન બ્યાહલિ હૈ કુમારી ? ... ૧
૨સબ દેવન મિલિ હરિ હી દીન્હ, ચારિઉ જુગ હરિ સંગ લીન્હ
યહ પ્રથમ હિ ૩પદ્મિનિરુપ આહિ, હૈ સાંપિનિ જગ ખેદિ ખાહી ... ૨
ઈ ૪બર જુવતિ વૈ બર નાહિ, અતિ રે તેજ તિય રૈની તાહિ
કહં હિ કબીર યહ જગ પિયારિ, અપને ૫બલકવૈ રહલિ મારિ ... ૩
સમજૂતી
હે પંડિતજી, આ કેવા પ્રકારની સ્ત્રી કહેવાય કે, જેણે આ લગી કોઈ સાથે વિવાહ કર્યો જ નથી અને હજી યે કુંવારી રહી છે ? ... ૧
બધા દેવોએ મળીને તેને વિષ્ણુ ભગવાનને સોંપી હતી અને ભગવાને તેને ચાર યુગ સુધી સાથે રાખી હતી. સત્યયુગમાં પ્રથમ તો તે પદ્મિનિ જેવી ઉત્તમ સ્ત્રી ગણાતી હતી તે હવે સર્પિણિ થઈ સમગ્ર સંસારને પોતાની પાસે દોડાવી દોડાવી ખાય રહી છે. ... ૨
આ માયા શ્રેષ્ઠ યુવતિ છે અને વિષ્ણુ ભગવાન તેનો શ્રેષ્ઠ પતિ છે. અંધારી રાત્રીમાં તેનું તેજ ઘણું મોહક હોય છે. કબીર કહે છે કે માયા રૂપી સ્ત્રી આખા જગતને પ્યારી લાગે ચ છે પરંતુ ખરેખર તો તે પોતાના જ બાળકોને ખાય રહી છે ! ... ૩
૧. અહીં નારીને ઉદેશીને માયાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કબીર સાહેબ નારીના વિરોધી નહોતા. પણ નારીને માયાનું પ્રતીક ગણતા હતા. તેથી ઘણા પદોમાં નારીના વિભિન્ન પ્રકારનાં વર્ણનો દ્વારા માયાનાં જુદાં જુદાં લક્ષણો અભિવ્યક્ત પામ્યાં છે. અહીં માયા બધાનો ઉપભોગ કરીને કોઈ સાથે વિવાહનો સંબંધ જોડતી નથી એટલે કે કોઈને આધીન થતી નથી તે માયાનું મુખ્ય લક્ષણ ગણાવ્યું છે. નિત્ય ભોગી તે હોવા છતાં તે નિત્ય કુમારી જ ગણાય છે !
૨. અહીં સમુદ્રમંથનનો પૌરાણિક પ્રસંગ કબીર સાહેબે યાદ કર્યો છે. માનવીની ધન લિપ્સા દર્શાવવા માટે લક્ષ્મીજીને યાદ કરી ધનનો મોહ અને લોભ એવાં માયાના બીજાં લક્ષણો દર્શાવ્યા છે. સમુદ્ર મંથન વખતે ચૌદ રત્ન નીકળ્યા હતા એવી કથા છે. તેને આ પ્રમાણે ગણાવવામાં આવે છે.
શ્રી મણિ, રંભા, વાસણિ, અમી શંખ, ગજરાજ
કલ્પવૃક્ષ, શશિ, ધેનુ, ધુન, ધન્વન્તરિ, વિષ, બાજ.
(અભિલાષ સાહેબ કૃત કબીર બીજક પૃ. ૧૧૯૮)
શ્રી એટલે લક્ષ્મી, બધા દેવોએ એકત્ર થઈને લક્ષ્મીને શ્રી વિષ્ણુ ભગવાનને સોંપી હતી. વિષ્ણુએ તેને પોતાની પત્ની બનાવીને ચારે યુગમાં સાથે રાખી હતી. ભલે લક્ષ્મી વિષ્ણુને અધીન ગણાય પણ વિષ્ણુ સાથે રહીને પણ તેણે તો ત્રણે લોકમાં વિનાશ જ કર્યો છે. સૌના મનમાં મોહ જગાડવો અને પછી લોભમાં સૌને ડૂબાડી દેવા એ સૌના વિનાશની નિશાની છે.
૩. કામશાસ્ત્ર અને કોકશાસ્ત્રમાં સ્ત્રીના છ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. પધ્મિની, ચિત્રણી, હસ્તિની, શંખનિ, નાગિની, ડંકિની. તેમાં પધ્મિની ઉત્તમ લક્ષણોવાળી ગણાય. પરંતુ માયારૂપી નારી તો વિચિત્ર છે. તે ક્યારેક પધ્મિનીનું રૂપ ધારણ કરે તો ક્યારેક નાગિનીનું ! તેના મોહપાશમાંથી કોઈ બચી શક્યું નથી !
૪. બર એટલે વર અથવા શ્રેષ્ઠ, પ્રત્યેક સ્ત્રી પોતપોતની મરજી મુજબ પોતાને યોગ્ય લાગે તેવો વર શોધી લેતી હોય છે એવું કામશાસ્ત્રનું વિધાન છે. એટલે પુરુષોના પણ છ પ્રકારો છે: શશા, મૃગ, વૃષભ, ગર્દભ, અશ્વ અને મહિષ. તેમાં શશા ઉત્તમ લક્ષણવાળો ગણાય. તેથી પધ્મિની હોય તે શશાને શોધી કાઢે.
જો બરનો અર્થ શ્રેષ્ઠ ગણવામાં આવે તો પંક્તિનો શબ્દાર્થ થશે - લક્ષ્મી જેવી કોઈ ઉત્તમ સ્ત્રી નથી અને વિષ્ણુ જેવો કોઈ શ્રેષ્ઠ પુરુષ નથી.
૫. નાગિની અથવા સર્પિણી એ માયાનું ભયંકર સ્વરૂપ છે. સાપણ ગોળાકારે બેસતી હોય છે. તેણે મૂકેલાં ઈડાઓનું તે પોતાના કુંડાળામાં સેવન કર્યા કરતી હોય છે. જ્યારે ઈડામાંથી બચ્ચાઓ બહાર આવે છે ત્યારે તે સાપણ બચ્ચાઓને ખાય જતી હોય છે. જે બચ્ચું કુંડાળાની બહાર નીકળી શકે તે બચી જાય ! માયાનાં કુંડાળામાંથી કોણ નીકળી શકે ?
Add comment