Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કર પેલોં કે બલ ખેલૈ નારિ, પંડિત હો સો લેઈ બિચારી
કપરા ન પહિરૈ રહૈ ઉધારિ, નિરજીવસે ધન અતિ પિયારી ... ૧

ઉલટી પલટી બાજુ તાર, કાહુ મારૈ કાહુ ઉબાર
કહૈ કબીર દાસનકે દાસ, કાહુ દે સુખ કાહુ નિરાશ ... ૨

સમજૂતી

આ માયા રૂપી નારી પોતાની આંગળીઓની કરામતથી પોતાના જીવરૂપી પતિને નચાવે છે !  જે ખરેખર પંડિત હશે તે આ સત્યને વિચારપૂર્વક સમજી જશે !  તે સ્ત્રી કપડાં તો પહેરતી જ નથી અને કાયમ સંસારમાં ઉઘાડી જ ફર્યાં કરે છે. તે પાર્થિવ પદાર્થોમાં જ અતિશય પ્રેમ ઉત્પન્ન કરે છે. ... ૧

તે મતવાલી સ્ત્રીની માફક પોતાના બંને હાથે વડે ઉલટાવી સુલટાવીને તાલી વગાડતી રહે છે. તે સંસારમાં કોઈને મારે છે તો કોઈને બચાવે છે. ખૂબ વિનમ્રતાપૂર્વક કબીર કહે છે કે તે ધારે તેને સુખ આપી શકે છે અને ધારે તેને સાવ નિરાશ પણ કરી દે છે !  ... ૨

૧. કબીર સાહેબ છેલ્લા ચાર પદોમાં માયાનું વાસ્તવિક ચિત્ર રજુ કરી રહ્યા છે. અહીં પણ “નારિ” શબ્દ દ્વારા માયાની જ વાત કરવા માંગે છે. કેટલીક સ્ત્રીઓ સંસારમાં પોતાના પતિને ઈશારે નચાવતી હોય છે. તે ધારે ત્યારે પતિને વાંકો વળી શકે છે અને ધારે ત્યારે સીધો સટ પણ કરી શકે છે. તેવી જ ગતિવિધિ જીવની માયા દ્વારા થતી રહે છે તે કબીર સાહેબ અહીં દર્શાવી રહ્યા છે.

૨. પંડા એટલે બુધ્ધિ. જેની બુધ્ધિ વિકસિત થયેલી છે તે વ્યક્તિને પંડિત કહેવામાં આવે છે. અહીં વિવેક જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવી છે. જેનામાં વિવેક જ્ઞાન ન હોય તેને પંડિત નહીં કહી શકાય એવો અર્થ ધ્વનિ છે. માયાના તમામ લક્ષણોની સમાજ હોવી જરૂરી છે. તેવી સમાજ હોય તો જ માયાને ઓળખી શકાય અને પોતાને થતાં નુકસાનથી બચાવી શકાય.

૩. માયા પોતે જ આવરણ છે ચેતન તત્વનું. ચૈતન્ય તેનાથી ઢંકાયેલું રહે છે. જેમ મનુષ્યનું શરીર કપડાંથી ઢંકાયલું હોય છે તેમ. પરંતુ કપડાંને ઢાંકવું પડતું નથી. માયાને કોણ ઢાંકે ?  તે તો વસ્ત્રવિહીન રહે છે. તે સ્વભાવે નિર્લજ્જ છે. તેને કોઈ કપડાંના આવરણની આવશ્યકતા નથી. તે વેશ્યા જેવી ઉદ્ધત હોય છે. વેશ્યા કોઇની પણ સામે નિર્વસ્ત્ર થઈ શકે છે. તેને લાજ શરમ નડતી નથી. માયા પણ દરેક જીવની સાથે એવું જ વર્તન કરતી જણાય છે.

૪. નગ્નતા એ માયાનું મહત્વનું લક્ષણ છે તેમ તે દરેકના મનમાં પાર્થિવ પદાર્થો માટે મોહ પેદા કરે છે તે તેનું બીજુ મહત્વનું લક્ષણ કહેવાય. જમીન, મકાન, ધન આદિમાં સૌને  ઘણી પ્રીતિ હોય છે તે સૌના અનુભવની વાત છે. તેનાં નડતર રૂપ કોઈ વ્યક્તિ મરણને શરણ પણ થઈ જતી આપણે જોઈએ છીએ. માલ મિલકત માટેનો મોહ સગા બાપનો પણ સંબંધ રાખતો નથી. પિતાનું કે ભાઈનું માતાનું કે બહેનનું ખૂન માલ મિલકતના મોહને કારણે જ થતું હોય છે તે કોણ જાણતું નથી ?

૫. માયાની ચલ વિચિત્ર છે. તે સૌ પ્રથમ મનમાં મોહ પેદા કરે છે અને પછી મોહમાં જીવને આંધળો બનાવી દે છે. મોહાંધ જીવને તે સહેલાઈથી મારી નાખે છે. જીવનો સર્વ પ્રકારે વિનાશ કરી નાખે છે. તો વળી કોઈકના મનમાં ઉદાસીનતા પેદા કરે છે અને તેવી ઉદાસીનતા અવસ્થામાં થોડા સમય માટે મનને નિરાસકત બનાવી દે છે. તેટલો સમય તે વિનાશમાંથી બચી જાય છે. જીવ માયાને ઓળખી લે છે ત્યારે તે જીવમાં માયા જાણે કે ગાયબ થઈ જતી હોય છે. સાંખ્યશાસ્ત્રમાં આ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે

दृष्टा मयेत्युपेक्षक एको द्रष्टाहमित्युपरमत्यन्या |
सति सँयोगेडपि तयो: प्रयोजनं नास्ति सर्गस्य ||
                                                  (સંખ્યાકારિકા, ૬૬)

અર્થાત્ માયાને ઓળખી લીધાં પછી ચેતન પુરુષ માયાથી અલિપ્ત બની જાય છે અને પુરુષે તેને જાણી લીધી તેથી માયા પણ જાણે કે નિવૃત્ત થઈ જાય છે. તેવી દશામાં મૃત્યુ સુધી માયાને પુરુષ સાથે રહેતા જણાય તો પણ તે માયા તે પુરુષને માટે સૃષ્ટિનું કારણ બનતી નથી. મતલબ કે તેવા જીવ ખરેખર બચી જાય છે.

૬. “દાસન કે દાસ” એટલે દાસનો પણ દાસ. કબીર સાહેબની વિનમ્રતાના એ સૂચક શબ્દો છે. માયાને ઓળખી જનારના સેવક બનવામાં પણ કબીર સાહેબ આનંદ અનુભવે છે. ઘણીવાર કબીર સાહેબ આ પ્રમાણે આનંદમાં આવી જઈને કહેતા હોય છે.

“કહંહિ કબીર જો અબ કી, બુઝૈ, સોઈ ગુરુ હમ ચેલા”.