કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧છેમ કુશલ ઔ ૨સહીસલામત, કહહુ કવન કો દીન્હા હો
આવત જાત ૩દોઉ બિધિ લૂટે, સરબ તંગ હરિ લીન્હા હો ... ૧
સુર નર મુનિ જતિ પીર અવલિયા ૪મીરા પૈદા કીન્હા હો
કહંલૌં ગનૈં અનંત કોટિલોં, સકલ પયાના કીન્હા હો ... ૨
૫પાની પવન આકાશ જાયગે, ચંદ જાયગે સુરા હો
યે ભી જાયગે વો ભી જાયગે, પરત ન કાહુ કે પુરા હો ... ૩
કુશલ કહત કહત જગ બિનસૈ, કુશલ ૬કાલકી ફાંસી હો
કહંહી કબીર સારી દુનિયા બિનસૈ, રહૈ રામ અવિનાશી હો ... ૪
સમજૂતી
હે અજ્ઞાની જીવ, કહે તો ખરો કે તારી ક્ષેમ કુશળતા અને તારું સહીસલામતપણું કોણે આપી દીધું છે ? ખરેખર તો તું આવતા ને જતાં બંને વખત લૂંટાતો જ રહ્યો છે તેથી તારી સર્વ શક્તિ હણાય ગઈ લાગે છે. - ૧
દેવ, માનવ, ઋષિ મુનિ, સાધુ, ફકીર, ઓલિયા, મીર સૈયદ --- ક્યાં સુધી ગણાવું, અનંત કોટિ બ્રહ્માંડ માયા દ્વારા ઉત્પન્ન થયેલું છે તેથી તે સૌ નાશવંત છે. - ૨
પાણી, પવન, આકાશ, ચંદ્રમાં સૂર્ય સૌ એક દિવસ નાશ પામશે. અહીંનું ગણાતું આ લોક અને મૃત્યુ પછી ગણાતું પરલોક પણ નાશ પામશે. અહીં આવનાર કોઈને પૂરો સંતોષ થતો જ નથી. - ૩
“સારું છે, સારું છે” કહેતા કહેતા આખી દુનિયા નાશ પામી, ખરેખર આ કુશળતા તો જાણે કાલની ફાંસી બની ગઈ છે. તેથી કબીર કહે છે કે હે અજ્ઞાની જીવ, ચેત ! સમગ્ર સૃષ્ટિ નાશવંત છે, એકમાત્ર અવિનાશી તો આતમરામ જ છે ! - ૪
૧. ક્શેમનું અપભ્રંશ રૂપ છેમ. ક્ષેમ એટલે શાંતિ. કુશલ એટલે સુખી. વેદકાલીન સમયે યજ્ઞનું મહત્વ વધારે હતું. યજ્ઞમાં કુશ ઘાસની આવશ્યકતા રહેતી. તેથી કુશ-ઘાસ લાવનારને તે સમયે કુશલ કહેવતો. પરંતુ પાછળથી શબ્દને નવો અર્થ મળતો ગયો. કુલ ઘાસ અણીદાર અને પાન ધારદાર હોવાથી તેને લેવા જનારે ખાસ સાવચેતી રાખવી પડતી. આંગળી કપાય જ જાય ને અણી ભોંકાય નહીં, લોહી નીકળે નહીં, તે રીતે તેને લાવવું જરૂરી ગણાતું. એટલે લાવનારે તે ચતુરાઈ વાપરીને લાવવું પડતું. તેથી કુશલ એટલે ચતુર પણ થાય. ધીમે ધીમે તે શબ્દ સુખાકારી માટે વપરાતો થઈ ગયો. ક્ષેમ કુશલ શબ્દ હિન્દુઓને લક્ષમાં રાખીને પ્રયોજ્યો છે.
૨. સહી સલામત શબ્દ ઉર્દૂ ભાષાનો છે. મુસલમાનોની ભાષા ઉર્દૂ પણ હતી તેથી મુસલમાનોને તે શબ્દ દ્વારા સંબોધન કર્યું લાગે છે. સહી સલામતો અર્થ સુરક્ષિત થાય છે. સુરક્ષિત અવસ્થામાં જ સુખ શાંતિનો અનુભવ શક્ય બને છે એટલે ક્ષેમ કુશલનો તો પર્યાય બની પણ જાય છે. હિન્દુ મુસલમાન લોકોમાં સામા મળે ત્યારે કુશળતાના સમાચાર પૂછવાનો રિવાજ પહેલેથી ચાલતો આવ્યો છે. જવાબમાં ઘણે ભાગે સારું છે એવી જ વાણી પ્રયોજાતી.
૩. ખાવું, પીવું, મઝા માણવી એમાં સાચી ક્ષેમ કુશળતા અથવા મંગલતા નથી એવું કબીર સાહેબ ભાર પૂર્વક કહેવા માંગે છે. તેથી જીવનું ધ્યાન દોરવા જન્મને મરણ પ્રસંગની તેની સ્થિતિનું વર્ણન કરે છે. જીવ જન્મે ત્યારે આનંદનો પ્રસંગ ગણાય અને લોકો પેંડા વહેંચે. મારે ત્યારે શોક મનાવે અને યાદ કરી કરી રડે ! જીવ આવે ત્યારે આનંદમાંને આનંદમાં મોહમાં પડે એટલે લૂંટાય. જાય એટલે દુઃખ અનુભવે ને રડે તેથી પણ તેનું આત્મારૂપી ધન લૂંટાય.
૪. મીરા એટલે નેતા. ધાર્મિક સરદાર, સૈયદ લોકોમાં ધાર્મિક નેતાનો મીર કહે છે.
૫. પ્રકૃતિ પરિવર્તનશીલ છે. પાણી, પવન, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય સૌ પ્રકૃતિના અંગો છે. તેથી તેમાં ફેરફાર થયા જ કરે છે. યમરાજની સત્તા જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પરિવર્તન હોય જ ! યમરાજની સત્તા ક્યાં સુધી છે તે વર્ણવતા ગીતા કહે છે.
બ્રહ્મલોક નેલોક સૌ બીજા કૈંક કહ્યા,
તેમાં જન્મમરણ થતાં, તે ના અમર ગણ્યા
(સરળ ગીતા - અધ્યાય ૮)
અર્થાત અહીં આ લોકથી માંડીને બ્રહ્મલોક સુધી યમરાજની આણ વર્તે છે.
૬. ક્ષેમ કુશળતાનો રિવાજ સાંસ્કૃતિક રીતે ભલે સારો ગણાતો પણ તે દ્વારા જીવ યમરાજની ફાંસીમાં સપડાતો રહે છે. દૂન્યવી પદાર્થોની ઉપલબ્ધિમાં તે ફૂલતો રહે છે પણ આખરે મરણને શરણ થાય છે.
Add comment