કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભેંસિ ન માંહિ રહત નિત ૧બકુલા, તિકુલા ૨તાકિ ન લીન્હા હો
૩ગાઈન માંહિ બસેઉ નહિ કબહુ, કૈસે પદ પહિચાના હો ... ૫
પંથી પંથ પૂછિ નહિ લીન્હા, મૂઢ હિ મૂઢ ગંવારા હો
ઘાટ છાંડિ કસ ૪ઔઘટ રેંગહુ, કેસૈ લગવહુ પારા હો ... ૬
૫જતઈત કે ધનહેરિન લલચિન, ૬કોદઈત કે મુન દૌરા હો
દુઈ ચકરી જનિ ડરર પસારહુ, તબ પેહો ૭ઠિક ઠૌરા હો ... ૭
પ્રેમબાન એક તસગુરુ દીન્હો, ગાઢો તીર કમાના હો
દાસ કબીર કીન્હ યહ કહરા, ૮મહરા માંહિ સમાના હો ... ૮
સમજૂતી
ભેંસોના ટોળાની વચ્ચે હંમેશા બગલો રહે તો તે ધ્યાન આપવા જેવી વસ્તુ પર ધ્યાન ન આપી શકે. ગાયના ટોળાની વચ્ચે તે કદી રહ્યો નથી એટલે ઉત્તમ પદને તે કેવી રીતે ઓળખી શકે ? ... ૫
જાણકારને રસ્તો પૂછવા વિના ચાલનારા ખરેખર મૂઢ અને અક્કલ વિનાના કહેવાય. સરળ અને સુગમ ઓવારો છોડીને દુર્ગમ ઓવારે નદી કેવી રીતે પાર કરી શકાય ? ... ૬
ઉત્તમ અન્ન દળવાની ઘંટી જોઈને મન ક્યારેક લલચાય છે તો ક્યારેક સાવ સામાન્ય અન્ન દળવાની ઘંટી જોઈને તેની પાસે દોડી જાય છે. ખરેખર આ બંને મનને પીસીને તૃષ્ણા ન વધારશે તો જ હે જીવ, તું સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશે ! ... ૭
કબીર કહે છે કે સતગુરુએ અત્યંત મજબૂત ધનુષ્ય વડે પ્રેમરૂપી એક જ બાણ માર્યું છે (તે હૃદયમાં વાગશે તો તે એવી વેદના પ્રગટ કરશે કે જેમાંથી પરમ સુખ પરિણમશે) આ કહરા નામનું ગાયન જે કોઈ સમજશે તે ઉત્તમ અધિકારીને પત્ર ઠરશે. ... ૮
૧. અહીં બગલાના રૂપકથી કબીર સાહેબ મનની નબળાઈનું સૂચન કરે છે. ભેંસોના ટોળામાં તે બગલો વસે છે તેથી તે નિર્બળ બની જાય છે. ભેંસોનું ટોળું ચરતું હોય ત્યારે બગલો તેનાં શરીર પર બેસીને જીવજંતુઓ વીણીને ખાતો હોય છે. ભેંસોના ટોળાને વિષયોના સમૂહ સાથે સાંકળીને મનના બગલાની મલિન વૃત્તિઓ શું કરતી હોય છે તેનું અહીં દર્શન થાય છે.
૨. ખરેખર મન આત્માભિમુખ બને ત્યારે જે તે આત્મા રૂપી મોતીનો ચારો ચરી શકે અને હંસના રૂપમાં ફેરવાઈ જાય. માનવ દેહ લઈને આવનાર મનનો હેતુ તો ખરેખર સ્વરૂપમાં સ્થિર થવા માટેનો હોવો જોઈએ તેને બદલે ભેંસોના સંગમાં સુખ શોધતો ફરે છે એ મોટું આશ્ચર્ય છે.
૩. ગાય અહી સંતોના પ્રતીક તરીકે સમજવાથી ભેંસને બદલે ગાયના ટોળામાં મન રૂપી બગલો રહેતો થાય તો સત્સંગનો લાભ મેળવીને હંસ બનવા માટે પ્રયત્ન કરી શકે. સત્સંગમાં માનવ જન્મનો મૂળભૂત ઉદેશને ખ્યાલ આવી શકે છે. પોતે કોણ છે તેનો વિચાર આવી શકે છે.
૪. ખરેખર જેને ઓવારો જ નહીં કહી શકાય એવું સ્થળ તે ઔઘટ. જાણકાર માણસને ખબર હોય છે કે કયા ઓવારેથી પાર ઉતરી શકાશે. તેથી તેવાનો સંગ કરવો જરૂરી બને છે. સંસાર સાગર પાર કરવો હોય તો ગુરુની આવશ્યકતા એટલા માટે જ છે. “ગુરુ બિન કૌન બતાવૈ વાટ ?”
૫. “જતઈત” એટલે ઉત્તમ પ્રકારના અનાજ દળવાની ઘંટી.
૬. “કોદ ઈત” એટલે સામાન્ય અનાજ દળવાની ઘંટી.
૭. કબીર સાહેબ “જતઈત” અને “કોદઈત” શબ્દો દ્વારા દ્વિધા ભોગવતા મનનું ચિત્ર રજૂ કરી રહ્યા છે. પૌરાણિક કથાઓમાંથી સ્વર્ગના સુખની વાત સાંભળીને મન સ્વર્ગમાં જવાની લાલચમાં ફસાય છે. સાંભળેલી વાતોને આધારે તેવી વિધિઓ કરવા માંડી પડે છે. આ લોકમાં સુખ નથી તો કાંઈ નહીં, પરલોકમાં તો સુખી થવાશે એવી આશાથી તે વળગી પડે છે. વળી ક્યારેક તેને કોઈ એવો ગુરુ મળી જાય કે આ જગતમાં જન્મ્યા તો ખાવો પીવોને મઝા કરોને ! શા માટે પરલોકની આશા કરો છો ? અહીં જે કાંઈ કુદરતે બનાવ્યું છે તે આપના ભોગ માટે જ છે ! મરણ પછી શું છે તે કોણ જાણે છે ? મરણ પછીની ચિંતા પણ શા માટે કરવી જોઈએ ? આવું સાંભળીને ચંચળ મન આ લોકના ભોગને ભોગવવા દોડાદોડી કરી વળે છે અને પેલી વાત ભૂલી જાય છે. ક્યારેક અગાઉની વાત યાદ આવે છે તો ખરેખર શું સાચું તેની દ્વિધામાં પડી જાય છે. કબીર સાહેબ અહીં રસ્તો સૂચવે છે કે ઉપરોક્ત બંને પ્રકારની ઘંટીમાં મનને પીસીને તૃષ્ણાઓનો ફેલાવો કરવો ન જોઈએ બંને પ્રકારની ઘંટીથી તૃષ્ણાઓને વાસનાઓ વધ્યા જ કરશે. ખરેખર તો તૃષ્ણા કે વાસના ઓછી કરતા જવામાં જ મનને લાભ થાય છે.
૮. મહરા એટલે મોટા. અહીં ઉત્તમ અધિકારીના અર્થમાંત સમજવું. કહરા પદમાં કબીર સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે તે સમજનારને અને તે અનુસાર ચાલનારે ઉત્તમ અધિકારીનું જ બિરુદ મળે.
Add comment