કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જીવરૂપ એક અંતર બાસા, ૧અંતર જોતિ કીન્હ પરગાસા
૨ઈચ્છારૂપી નારી અવતરી, તાસુ નામ ૩ગાયત્રી ધરી - ૧
તેહિ નારીકે પુત તીનિ ભાઉ, બ્રહ્મા, બિસ્નુ મહેસર નાંઉ
તબ બ્રહ્મા પૂછલ મહતારી, ૪કો તોર પુરુષ કેકરિ તુમ નારી - ૨
તુમ હમ હમ તુમ અવર ન કોઈ, તુમહિં સે પુરુષ હમહિં તોરી જોઈ - ૩
સાખી : બાપ પૂતકી એકૈ નારી, એકૈ માય બિયાય
૫ઐસા પૂત સપૂત ન દેખા, બાપહિ ચીન્હૈ ધાય
સમજૂતી
(પરમાત્માએ) એક શરીર નિર્માણ કર્યું અને તેમાં જીવરૂપે વાસ કર્યો. હૃદયમાં (ચેતનાનો) પ્રકાશ કર્યો. પછી (મનમાં) ઈચ્છારૂપી નારીનો ઉદય થયો કે જેનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. - ૧
ત્યાર પછી તે નારીને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નામે ત્રણ પુત્રો જન્મ્યા. (એક દિવસ) બ્રહ્માએ પોતાની માતાને પૂછ્યું કે તારો પતિ કોણ ? અને તું કોની પત્ની છે ? - ૨
તે વેળા માતાએ જવાબ આપ્યો કે અહીં મારા ને તમારા વિના બીજું તો કોઈ જ નથી. તેથી તું જ મારો પતિ ને હું તમારી સ્ત્રી છું.
સાખી : પિતા અને પુત્રીની એક જ સ્ત્રી અને તે એક સ્ત્રીમાંથી પિતા ને ત્રણ પુત્રો જન્મ્યા. (એ એક મોટું આશ્ચર્ય છે.) એવો કોઈ સુપુત્ર હજી સુધી જણાયો નહીં કે જે પોતાના પિતાને દોડીને ઓળખી લઈ શકે ! - ૩
૧. આ રમૈનીમા કબીર સાહેબે સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રશ્ન છેડ્યો છે. બહુ માર્મિક રીતે ચર્ચાને તેમણે સૃષ્ટિને ઉત્પત્તિના પ્રમુખ કારણ તરીકે ઇચ્છા, તૃષ્ણા કે વાસના રહેલી છે એવી સ્વાનુભૂતી રજૂ કરી છે. જો કે રમૈનીનો મુખ્ય ઉદ્દેશ સૃષ્ટિની ઉત્પત્તિ અંગે ચર્ચા કરવાનો નથી. રમૈનીનો મુખ્ય ઉદ્દેશ તો જીવ જગતમાં જન્મીને કેવી રીતે માયામાં રમે છે, ભમે છે તથા મૂળભૂત કર્તવ્યને કેવી રીતે ભૂલે છે તેનું સ્મરણ કરાવવાનો જ છે.
૨. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા આત્મતત્વ શાંત સ્થિતિમાં હતું. પરંતુ ઇચ્છા તો એકાએક જન્મી તેના પ્રત્યાઘાત રૂપે શાંત સ્થિતિ અશાંત બની ગઈ. આ ઇચ્છા કોની ? કબીર સાહેબ કહે છે કે અંતરજ્યોતિની. અંતરજ્યોતિ એટલે શુદ્ધ ચેતન બ્રહ્મ. આ બ્રહ્મ જ્યારે ઈચ્છારૂપી માયાની ઉપાધિ સ્વીકારે છે ત્યારે તે સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત બને છે.
૩. કબીર સાહેબ માયાને ગાયત્રી પણ કહે છે. ગાયત્રી તો ખરેખર એક છંદનું નામ છે. એ છંદને ત્રણ લીટીઓ હોય છે. તેમાં અક્ષરો ચોવીસ હોય છે. માયાનું એમાં સરખામણું દેખાય છે. માયાને ત્રણ ગુણો હોય છે. સત્વ, રજ ને તમ. તે જ રીતે તત્વો ચોવીસ હોય છે. પ્રકૃતિ, મન, બુદ્ધિ, અહંકાર, પૃથ્વી, તેજ, વાયુ, જળ, આકાશ, દશ ઈન્દ્રિયો ને પાંચ તન્માત્રાઓ. વળી ગાયત્રીનો અર્થ, ઉત્પત્તિશાસ્ત્રની દષ્ટિએ, ભગવાનના ગુણગાન ગાનારનું રક્ષણ કરનારી શક્તિ તરીકે પણ ઘટાવવામાં આવે છે. માયા પણ ભગવાનનું શરણું પકડનારનું રક્ષણ કરે છે.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ. (સરળ ગીતા અ-૭)
૪. બ્રહ્મા ને માયા વચ્ચેનો સંવાદ ઘણું કહી જાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણે દેવો માયાનું પરિણામ ગણાય છે. તેથી ત્રિદેવોની ભક્તિ માયાની જ ભક્તિ ગણાય. તેવી ભક્તિથી જીવનો ઉદ્ધાર થતો નથી એવું કબીર સાહેબ સૂચન કરે છે. માયાને બદલે પરમાત્માની ભક્તિ કરવામાં આવે તો જ જીવનું કલ્યાણ થાય છે. બીજા એક પદમાં પણ જીવને ઉદેશીને કબીર સાહેબ સરસ એક વાત રજુ કરે છે.
ગર્ભવાસમેં ભક્તિ કબુલી, બાહર આવી ક્યોં કિયા ?
જન્મ ધારણ કરીને જીવ માયાની મોહિનીમાં જ રમવા લાગે છે. તેને માયા મીઠી જ લાગ્યા કરે છે. તેથી પોતાની કરેલી કબૂલાત પણ તે ભૂલી જાય છે. જ્યારે યાદ આવે છે ત્યારે તે ભક્તિ કરે છે ખરો પણ તે તો માયાની જ ! પુત્ર પુત્રીની ઇચ્છાથી, સંપત્તિ મેળવવાની ઇચ્છાથી કે દુઃખો દુર કરવાની ઇચ્છાથી ભક્તિ કરવામાં આવે છે. પરમાત્માની તો કોઈ ભક્તિ કરતું જ નથી.
૫. બ્રહ્મા જેવા બ્રહ્મા પણ પોતાના આદિ અંતને જાણતા નથી હોતા તો પછી પરમાત્માને તો ક્યાંથી જાણી શકે ?
કબીર સંપ્રદાયના વિદ્વાનો આ રમૈનીના ક્રમ માટે મતભેદ છે. કેટલાક વિદ્વાનો આ રમૈનીને બીજા ક્રમે મૂકે છે ને આ પુસ્તકમાં બીજા ક્રમે મૂકેલી રમૈનીને પ્રથમ ક્રમે મૂકે છે. એવા મતભેદથી વાચક વર્ગને ખાસ લાભ થતો નથી. વળી ક્રમ બદલવાથી અર્થમાં પણ તફાવત પડતો નથી. તેથી આપણે વિવાદથી અળગાં રહેવાનું પસંદ કરીએ છીએ.
Add comment