Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પ્રથમ અરંભ કવનકો ભયઉ, દૂસર પ્રગટ કીન્હ સો ઠયઉ
પ્રગટે બ્રહ્મ વિષ્ણુ શિવ શક્તિ, પ્રથમે ભક્તિ કીન્હ જીવ ઉક્તિ  - ૧

પ્રગટે પવન પાનિ ઓ છાયા, બહુ વિસ્તારક પ્રગટી માયા
પ્રગટે અંડ પિંડ બરભંડા, પ્રિથિમી પ્રગટ કીન્હ નવખંડા  - ૨

પ્રગટે સિદ્ધ સાધક સન્યાસી, ઈસભ લાગી રહૈ અવિનાશી
પ્રગટે સુર નર મુની સભ ઝારી, તિહિકે ખોજ પરે સબ હારી  - ૩

સાખી :  જીવ શિવ પ્રગટે સભૈ, વે ઠાકુર સબ દાસ
          કબીર અવર જાને નહીં, રામ નામકી આસ

સમજૂતી

પ્રથમ કોનાથી આરંભ થયો ?  બીજું, સર્વનો જ્યાંથી આરંભ થયો તે સ્થાન કયું ?  (જવાબ એક જ છે) કે સૌ પ્રથમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પોત પોતાની શક્તિ સાથે પેદા થયા અને તેમણે પોતાને જીવ સમજી (પરમાત્માની) ભક્તિ કરી.  - ૧

પવન, પાણી ને અગ્નિ (એ ત્રણ તત્વો) નો ઉદ્‌ભવ થયો. તેમાંથી ખૂબ વ્યાપક એવું આકાશ પેદા થયું. (પછી તે સૌમાંથી) સર્વ વ્યાપક માયાનો જન્મ થયો. તે માયામાંથી પશુ, પક્ષી, મનુષ્ય વિગેરે (અંડજ, પિંડજ, સ્વેદજ, જરાયુજ) પ્રાણી સૃષ્ટિ પેદા થઇને (તેમને વસવા માટે) નવખંડ પૃથ્વીનો જન્મ થયો.  - ૨

સિદ્ધ સંતો, સાધના કરવાવાળા સાધુઓ અને સન્યાસીઓ પણ પ્રગટ થયા. સુર, નર, મુનિ બધાં જ સૃષ્ટિના આદિકાળમાં પ્રગટ થયાં. તે સૌ અવિનાશી પરમાત્માની ખોજમાં લાગી ગયા પરંતુ હાર્યા. પરમાત્મા તો કોઇથી જાણી શકાયા નહીં.  - ૩

સાખી :  જીવ શિવ સર્વે માયામાંથી પેદા થયા તેથી તેઓ (પરમાત્માનાં) દાસ માત્ર છે. કબીર રામનામ સિવાય બીજું કાંઈ જાણતો નથી.

૧.  ઈસ્લામ ધર્મમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખુદાના મોઢામાંથી “કુન” શબ્દ નીકળ્યો એટલે આખી દુનિયાની ઉત્પત્તિ થઈ. તે જ રીતે બાઇબલમાં પણ સૃષ્ટિની ઉત્પત્તિ આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

In the beginning was the word,
The word was with God,
And the word was  God.

ટુંકમાં શબ્દમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એવી અન્ય ધર્મમાં પણ માન્યતા પ્રવર્તે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે શબ્દબ્રહ્મમાંથી બધું પેદા થયું છે એવો કબીર સાહેબે ઉલ્લેખ કરેલો છે. યોગવાસિષ્ટ નામના આપણા શાસ્ત્રગ્રંથમાં પણ બ્રહ્મની વ્યાખ્યા “સ્પન્દા સ્પન્દાત્કમ્ બ્રહ્મ’ એવી કરવામાં આવી છે. બ્રહ્મનાં બે લક્ષણો અહીં જણાવ્યા છે. સ્પન્દ એટલે ગતિશીલ ને અસ્પન્દ એટલે સ્થિર. બ્રહ્મ સ્થિર હોય ત્યારે કશું જ પેદા ન થઈ શકે. અસ્થિર બને એટલે કે ગતિશીલ બને ત્યારે જ સર્જનાત્મક કાર્યનો પ્રારંભ થાય છે.

૨.  બ્રહ્માથી સૃષ્ટિનો આરંભ થયો પણ બ્રહ્મા શેમાંથી પેદા થયા ?  પરબ્રહ્મની ઈચ્છામાંથી બ્રહ્મા પેદા થયા એવો ખુલાસો કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે સર્વનું મૂળ તો પરબ્રહ્મ જ છે. તો શા માટે તેવા પરબ્રહ્મ ભક્તિ ન કરવી ?  સંસાર સાગર પાર કરવો હોય અથવા તો મનુષ્યે પોતાનું કલ્યાણ કરવું હોય તો એકમાત્ર પરબ્રહ્મ પરમેશ્વરની જ ભક્તિ કરવી જોઇએ. મુસલમાનો એક જ દેવમાં માનતા હતા. જ્યારે તે સમયે હિન્દુઓ અનેક દેવદેવીઓમાં માનતા હતા. પરિણામે હિન્દુઓની ઠઠ્ઠા મશ્કરી કરવાની અને આકરી ટીકા કરવાની મુસલમાનોને પૂરી તક મળતી. તેથી ટંટા ઝઘડા થતા. વળી મુસલમાનોના હાથમાં રાજ્યસત્તા હોવાથી હિન્દુઓને ભરે નુકશાન સહન કરવું પડતું તેથી મુસલમાનોનો પ્રભાવ ઓછો કરવા અને હિન્દુઓમાં ખુમારી પ્રગટાવવા હિન્દુઓ એક જ પરમાત્મામાં માને તે અનિવાર્ય હતું. ધીમે ધીમે કબીર સાહેબ સૃષ્ટિ રચનાની વિચારણાની સાથે સાચે અનેક દેવદેવીઓનું ખંડન અને એક જ પરમાત્મ દેવનું મંડન કરતાં જાય છે. કબીર સાહેબને માત્ર રામતત્વમાં જ રસ છે. બીજું જાણવામાં બિલકુલ રસ નથી. ઉત્પત્તિની કથા જાણવાથી પણ શો ફાયદો ?  ત્રિદેવોના ગુણગાનથી પણ શો લાભ ?  જેનાથી સર્વ જગ ચેતનવંતુ રહે છે તે પરબ્રહ્મ સ્વરૂપ રામ જ કબીર સાહેબનો તો પ્રિય છે. બીજા એક પદમાં પણ તેમણે કહ્યું છે:

મારૂં મન માન્યું રમતા રામસું, ભજી લો ને સર્જનહાર જી ...

જે રામ કણ કણમાં  રમી  રહ્યા છે ને સર્વને નવજીવન અર્પી રહ્યા છે તે રામ જ સૃષ્ટિનો સર્જનહાર છે ને તેથી તેની જ ભક્તિ કરવાની લગની મનુષ્યને લાગવી જોઇએ. એ જ સાચો કલ્યાણ પંથ છે.