કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧બરનહું કવન રુપ ઓ રેખા, દૂસર કવન આહિ જો દેખા
બોઓંકાર આદિ નહિ વેદા, તાકર કવન કહહુ કુલ ભેદા - ૧
૨નહિ તારાગન નહિ રવિ ચંદા, ૩નહિ કછુ હોત પિતા કે બિંદા
નહિ જલ નહિ થલ નહિ સ્થિર પવના, કો ધરે નામ હુકુમ કો બરનાર - ૨
નહિ કછુ હોત દિવસ અરુ રાતી, તાકર કહહુ કવન કુલ જાતી - ૩
સાખી : ૪સુન્ન સહજ મન સુમિરતે, પ્રગટ ભઈ એક જોતિ
તાહિ પુરૂષ બલિહારી મૈં, નિરાલંબ જો હોત
સમજૂતી
(જે પરમાત્મ તત્વ છે) તેનું વર્ણન હું કેવી રીતે કરું ? (સૃષ્ટિની રચના થઈ તે પહેલા) બીજું કોણ હાજર હતું કે જેણે તેને જોયું હોય ? તે સમય વેદ તો શું પણ વેદોના આદિમુલ ઓમકાર પણ નહિ તો ! એવી સ્થિતિમાં તે પરમાત્માનો ભેદ કેવી રીતે કહી શકું ? - ૧
કારણ કે તે વખતે તો તારાગણ, સૂર્ય, ચંદ્ર, પાણી, પૃથ્વી, પવન કે પિતા ને પિતાનું વીર્ય કશું જ ન હતું. પરમાત્મા તો એકલા જ હતા તેથી હુકમ પણ કોના પર કરે કે જે એનું વર્ણન કરી શકે !
તે વખતે દિવસરાતના ભેદો પણ ન હતા તેથી પરમાત્માનું કુળ કે જાતિ વિષે પણ કોણ કહી શકે ?
સાખી : જે જીવ વિષયનો આધાર છોડી પોતાના મનને સહજ સમાધિમાં સ્થિર બનાવે છે તે જીવના હૃદયમાં પરમાત્મા જ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય છે તેવા પુરુષને મારા ધન્યવાદ.
૧. કબીર સાહેબ ધીમે ધીમે દેવતા ભક્તિનું મંડન કરીને એક માત્ર પરમાત્માની ભક્તિ જ સાચી ભક્તિ છે એવું મંડન કરી રહ્યા જણાય છે. જે પરમાત્મા છે તે તો નિરાકાર છે. શાસ્ત્રગ્રંથો તેનું વર્ણન કરતાં કહે છે: અશબ્દમ્, અસ્પમ્, અવ્યયમ્ ! તેનું કોઈ રૂપ જ નથી, તેનો કોઈ આકાર જ નથી. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા પરમાત્મ તત્વ એકમાત્ર હતું. તેના સિવાય અન્ય કાંઈ હતું જ નહિ તેથી તેને કોઈએ જોયું હોય તેમ કેવી રીતે કહી શકાય ? ઉપનિષદ પણ કહે છે કે નાન્યદ્દતોડસ્તિ દ્રષ્ટ્ટ (બ્રુ. ૩-૮-૧૧) અર્થાત્ તેનો કોઈ દષ્ટા જ ન હોતો. તેને પાસે વાણી, મન, પહોંચી શકતા નથી તેથી તેના કુળ કે જાતિના ભેદો પણ કોણ કહી શકે ?
૨. પ્રભુ તો સ્વયં પ્રકાશિત તત્વ રૂપે સર્વને વ્યાપીને રહેલા છે. ઉપનિષદ કહે છે.
ન તંત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્ર તારકં
ને મા વિદ્યુતોભાન્તિ કુતોડયમગ્નિ |
તમેવ ભાન્તમ્ અનુભાતિ સર્વમ્
તસ્ય ભાસા સર્વમ્ ઇદમ્ વિભાતિ || (કઠ. ૨-૧૫-૧૫)
પ્રભુના સ્થળે સૂર્ય, ચન્દ્ર, તારા કે વીજળી કશું જ પ્રકાશતું નથી. તો અગ્નિની તો વાત જ શી કરવી ? ખરેખર તો તેના પ્રકાશથી જ સર્વ કાંઈ પ્રકાશે છે. ગીતા પણ શાખ પૂરે છે :
અગ્નિ સુરજ ચંદ્ર ના જેને તેજ ધરે
જન્મ-મરણથી મુક્ત તે મારું ધામ ખરે (સરળ ગીતા અ-૧૫)
અર્થાત્ પરમ તત્વ પોતે જ પ્રકાશિત હોવાથી તે જ્યાં જ્યાં હાજર છે ત્યાં ત્યાં પ્રકાશ જ પ્રકાશ છે. તેના આધારે જ સર્વ કાંઈ ચેતનવંતુ જણાય છે. તેને અન્ય આધારની જરૂરત નથી.
૩. બિંદા એટલે વીર્યનું બુંદ. વીર્યના બુંદની સાથે પિતાની કલ્પના કરવી જ પડે. પિતાની કલ્પના કરવામાં આવે તો તેનો ચોક્કસ આકાર હોય જ. માનવ દેહ ધારી પિતા કે પશુ દેહધારી પિતા રૂપ રંગવાળા ચોક્કસ આકારવાળા હોય છે. પરંતુ સૃષ્ટિની ઉત્પત્તિ વેળાએ તેવા કોઈ પિતા કે માતા ન હતા. હોત તો તેના વીર્યથી પેદા થનાર ચોક્કસ આકાર ધારણ કરત. પરંતુ તેવું બન્યું નથી. પરમાત્મા તો અશરીરી છે. તે મનુષ્ય આકારવાળા નથી. ઉપનિષદ પણ કહે છે.
અશરીરં શરીરેષુ અનસ્થેષુ અવસ્થિતમ્ |
મહાન્તં વિભુમ્ આત્માનં મત્વા ધીરો ન શોચતિ || (કઠ. ૧-૨-૨૨)
અર્થાત્ શરીરોમાં શરીર વિનાના અને અસ્થિરોમાં સ્થિર એવા મહાન પરમાત્મા ને જાણીને જ્ઞાનીઓ દુઃખી થતા નથી. તેવા પ્રભુને જ રામ કહેવાય.
૪. તેવા રામનું ભજન કરવામાં આવે તો મન શુદ્ધ બની જાય છે. મનમાંથી તમામ કચરો નીકળી જાય તેવી સ્થિતિને સહજ શૂન્ય કહેવામાં આવે છે. કબીર સાહેબ બીજી રીતે તેને સહજ સમાધિની અવસ્થા પણ કહે છે. તેવા મનવાળા મહાપુરુષને કબીર સાહેબ ધન્યવાદ આપે છે. તેવા પુરૂષ જ નિરાલંબની સ્થિતિમાં છે એમ કહેવાય. વિષયનું આલંબન હોય ત્યાં સુધી મન સહજ શૂન્યની સ્થિતિમાં મુકાતું નથી. તેથી નિરાલંખ સ્થિતિ એટલે નિર્વિષય સ્થિતિ.