કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧બાંધે અષ્ટ કષ્ટ ૨નવ સૂતા, જમ બાંધે અંજની કે પૂતા
જામ કે ૩બાહન બાંધિની જની, બાંધે સિષ્ટિ કહાં લૌ ગની - ૧
બાંધે દેવ તેંતીસ કરોરી, સંવરત લોહ બંધ ગૌ તોરી
૪રાજા સંવરૈ તુરિયા ચઢી, ૫પંથી સંવરૈ નામ લે બઢી - ૨
૬અરથ બહૂના સંવરૈ નારી, પરજા સંવરૈ પુહુમી ઝારી - ૩
સાખી : બન્દિ મનાય ફલ પાવહી, બન્દિ દિયા સોદેય
૭કહે કબીર તે ઉબરે, નિસુ દિન નામહિ લેય
સમજૂતી
આઠ સિદ્ધિ અને નવ નિધિઓ યોગીઓને, યમરાજે માયાના પુત્રોને તથા યમરાજના વાહને જન્મમરણ શીલ સર્વ જીવોને વાસનારૂપી દોરડાથી છૂટી ન શકાય તે રીતે બાંધી દીધા છે. ખરેખર તો સૃષ્ટિમાં કોણ બંધાયલું નથી એની ગણતરી કરવી જ મુશ્કેલ છે. - ૧
તેત્રીસ કરોડ દેવલોકો પણ બંધનમાં પડ્યા છે. માત્ર ભક્ત લોકો જ પ્રભુના નામના સ્મરણથી જન્મમરણનાં લોખંડ જેવા મજબૂત બંધનને તોડી શક્યા છે. જ્ઞાની લોકો સ્મરણ વડે તુરિયાવસ્થામાં પ્રવેશ કરી અને મોક્ષમાર્ગી લોકો માત્ર નામ સ્મરણના આધારે સંસાર સાગર પાર કરી જાય છે. - ૨
એટલું જ નહીં પણ ધન વગરની ગરીબ સ્ત્રીઓ અને અનેક વિધ બીજા દુઃખોથી પીડિત અન્ય પ્રજા પણ નામ સ્મરણનો આધાર લઈ પરમ પદને પામે છે. - ૩
સાખી : બંધનમાં પડેલા લોકો યજ્ઞયાગ વિગેરે સકામ ક્રિયાઓ કરી સ્વર્ગને મેળવે છે. જે જીવાત્માએ જેવું દાન કર્યું હોય તેવું જ તેને ફળ મળે છે. તેથી કબીર કહે છે કે માત્ર તે જ જીવ પોતાનો ઉદ્ધાર કરી શકે છે કે જેણે પ્રભુના નામનું હંમેશ સ્મરણ કર્યું હોય !
૧. માત્ર પ્રેમ રૂપી રસાયણ પીનાર જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે ને સંસાર સાગર પાર કરી ધન્ય બની શકે છે. પરમાત્મા સિવાય બીજાં બધાં પદાર્થોમાં જેને રસ છે તે તેવા પદાર્થોની પ્રાપ્તિની જ કામના કરતાં હોવાથી કદી પણ કામનાની તૃપ્તિ કરી શકતા નથી અને આખરે સંસાર સાગરમાં ડૂબી જાય છે. કામનાવાળા જીવો સાધના પણ કરે છે ને ભક્તિ પણ કરે છે. પરંતુ તેઓ આઠ પ્રકારની સિદ્ધિઓ ને નવ પ્રકારની નિધિઓની મોહિનીમાં અધવચ્ચે જ ફસાય પડે છે. પરિણામે તેઓ માયાની સત્તા હેઠળ જ જન્મમરણના ચક્રમાં ધુમ્યા કરે છે.
૨. આઠ પ્રકારની સિદ્ધિઓ : અણિમા, લઘિમા, ગરિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. નવનિધિ એટલે કુબેરના નવ ભંડારોની તમામ સમૃદ્ધિ. આ આઠ પ્રકારની સિદ્ધિ ને નવ પ્રકારની સિદ્ધિઓ મહામુશ્કેલીથી પ્રાપ્ત થતી હોવાથી કષ્ટદાયક તો છે જ. પરંતુ તે બીજા એક અર્થમાં આત્મકલ્યાણ સાધવાનાં અર્થમાં આત્મકલ્યાણ સાધવાના અર્થમાં-બાધારૂપ નીવડતી હોવાથી સાધકને માટે કષ્ઠ આપનારી પણ ગણાય.
૩. કામ, ક્રોધ ને લોભ તથા મદ, મત્સર ને મોહ એ છ દુર્ગુણો યમરાજના વાહનો ગણાય. એકલા માનવને જ નહીં પણ દેવલોકોને પણ આ દુર્ભાવો બંધનમાં જકડે છે. વિધ વિધ પ્રકારની કામનાઓ હૃદયમાં જગાડ્યા કરે છે અને જીવને ઉપાધિગ્રસ્ત રાખી લોખંડી બંધનમાં બાંધી દે છે.
૪. રાજા એટલે યોગના રાજમાર્ગ પર યાત્રા કરનાર યોગી. પરંતુ અહીં જ્ઞાની પુરૂષના અર્થમાં શબ્દનો ઉપયોગ થયેલો લાગે છે. જો કે તુરિયા એટલે સમાધિ અર્થ કરવાથી યોગીને લાગું પડે છે અને તુરિયાને ચોથી અવસ્થ તરીકે ગણવાથી જ્ઞાનીને લાગું પડે છે. આપણે જે અર્થ કરીએ તે, પણ સ્મરણ વડે તે પોતાની મંઝિલે પહોંચે છે તે વાત નક્કી જ.
૫. પંથ એટલે માત્ર મોક્ષની ઈચ્છાથી ભક્તિ કરનારો વર્ગ. તેવો વર્ગ પણ નામ સ્મરણનો આધારે જ સંસાર સાગર તરી જાય છે.
૬. ગરીબ બિચારી સ્ત્રી પૈસા વિના શું કરી શકે ? શુદ્ર લોકો પૈસે ટકે પણ પછાત ગણાતા. તેઓ બ્રાહ્મણ વર્ગની વિધિઓનો ઉપયોગ ન કરી શકતા. તેવી પછાત પડી ગયેલી પ્રજા પણ જો નામ સ્મરણનો આધાર લે તો પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે તેવી ખાતરી કબીર સાહેબ અહીં આપે છે. ગીતામાં શ્રી કૃષ્ણે પણ એવા જ પ્રકારનું અભય વચન આપેલું છે :
પાપી સ્ત્રી ને શુદ્ર યે ગુણ મારા ગાશે,
લેશે મારૂ સ્મરણ તો ઉત્તમ ગતિ થાશે.
પુહુમી ઝારી એટલે પૃથ્વીલોકથી જુદી જુદી પ્રકારની આધિ વ્યાધિથી પીડાતી પ્રજા, જેમાં ગરીબ ને પતન પામેલા વર્ગની ખાસ ગણતરી થાય.
૭. જે જીવ બંધનમાં પડેલો તે બંદી. સ્વર્ગ સુખની કામનાથી ભક્તિ કરનારો વર્ગ મોટો હોય છે. સકામ ભક્તિથી સ્વર્ગ મળશે પણ પ્રભુ મળશે નહિ. પ્રભુ તો નિષ્કામ ભક્તિથી મળે. રાત દિવસ નિષ્કામ ભાવે પ્રભુના નામનું સ્મરણ કરનાર પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે.
Add comment