કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રાહી લૈ ૧પિપરાહી બહી, કરગી આવત કાહુ ન કહી
આઈ ૨કરગી ભૈ અજગૂતા, જનમ જનમ જમ પહિરે બૂતા - ૧
બૂતા પહિરિ જમ કીન્હ સમાના, તીન લોકમેં કીન્હ પયાના
બાંધે બ્રહ્મા વિષ્ણુ મહેસૂ, સુર નર મુનિ ઔ બાંધિ ગનેસૂ - ૨
બંધે પવન પાવક ઔ નીરુ, ૩ચાંદ સુરજ બંધે દોઉ બીરૂ
સાંચ મંત્ર બાંધે સતી ઝારી, અમ્રિત વસ્તુ ન જાનૈ નારી - ૩
સાખી : અમ્રિત વસ્તુ જાનૈ નહીં, મગન ભયે સતી લોય
કહહિં કબીર ૪કામો નહીં, જીવહિં મરન ન હોય
સમજૂતી
એ રીતે સકામ ક્રિયાઓ કરવાવાળા લોકોની ચંચલ ચિત્તની વૃત્તિઓ સંસારના પ્રવાહમાં પ્રવાહિત થઈ. કિનારો નજીક રહ્યો છે એવું કોઈએ પણ તેઓનું કહ્યું નહિ. કિનારો આવ્યો ત્યારે જ લોકોને ભારે આશ્ચર્ય થયું. જન્મ જન્માંતર સુધી યમરાજના પાશમાં પોતે બંધાયા છે તેનું ભાન થયું. - ૧
સકામ કર્મની ઉપાસના પોતે યમરાજ સમાન હોય છે. (મૃત્યુ લોકમાં જ કૈં તે ફળદાયી બને છે એવું નથી.) તે તો ત્રણે લોકમાં ફળદાયી બને છે. માણસો, સાધના કરનારા મુનિઓ, મોટા ગણાતા દેવલોકો, દેવોના અધિપતિ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા ત્રિદેવો, એટલું જ નહીં પણ સર્વના સંકટ હરનાર ગણપતિ પણ સકામ કર્મની ઉપાસનાથી બંધાય છે. - ૨
ખુદ પૃથ્વી, પાણી, પવન, અગ્નિ જેવા પંચમહાભુતો બંધાય છે. વીર ગણાતા ચંદ્ર ને સૂર્ય જેવા દેવો પણ સકામ કર્મની ઉપાસનાથી બંધનમાં પડે છે. મંત્ર પોતે સાચો હોવા છતાં કામનાથી ઉપાસના કરનારને સંપૂર્ણપણે બાંધી દે છે. કામનાથી ભરેલી સ્ત્રી ખરેખર અમર વસ્તુને જાણી શકતી નથી. - ૩
સાખી : સકામ કર્મણી ઉપાસના કરવાવાળા તમામ લોકો દેવતાઓની ભક્તિ કરવામાં મશગુલ બની ગયા છે. તેઓને અમૃત સમાન પરમાત્માની જાણ નથી હોતી. જો તેઓ કામના રહિત થઈને પરમાત્માને ભજે તો જન્મ મરણથી મુક્ત બની જ જાય છે.
૧. સકામ કર્મોની ઉપાસના કરવાવાળા મુસાફિર તે રાહી. કબીર સાહેબ ધીમે ધીમે નિષ્કામ ભક્તિનો મહિમા ગાવા માંગે છે તેથી સકામ ભક્તિની મર્યાદા આ રમૈનીમાં બતાવી રહ્યા છે.
વેદ-ઉપનિષદ્દ જેવા શાસ્ત્રગ્રંથોમાં પીપળાના ઝાડને કામનાના પ્રતીક તરીકે વર્ણવ્યું છે. દા. તયોરન્ય : પિપ્પલં સ્વાદ્વત્તિ | પીપળાનાં પાંદડાની માફક ચિત્તની ચંચળ વૃત્તિઓ સકામ કર્મની ઉપાસના કારવાળા સાધકને સંસારમાં ખેંચી જાતિ હોય છે. સંસાર સાગરને પેલે પાર પહોંચવા માટે તો સાધકે સકામ કર્મોની ઉપાસના એટલે કે સકામ ભક્તિનો પ્રારંભ કર્યો હોય છે. પરંતુ તેવા પ્રકારની ભક્તિથી ચંચળ ચિત્તને વધારે ચંચળ બનવાની તક મળતી હોય છે. એક કામના પૂર્ણ થાય તો તરત જ બીજી અનેક કામનાઓ ચિત્તમાં જાગતી હોય છે ને પરિણામે કામનાઓની તૃપ્તિ અર્થે જ સાધકે પોતાનો કિમતી સમય વેડફી દેવો પડે છે. પીપળાના ઝાડનાં પાંદડાંની સ્થિતિ પણ એવી જ હોય છે. એકમાંથી અનેક પાંદડાંની પીલવણી ચાલ્યા જ કરતી હોય છે. તેથી ચિત્તની ચંચળ વૃત્તિઓ પીપળાના ઝાડનાં પાંદડાં જેવી ને જેટલી છે એવું અહીં પિપરાહી શબ્દ દ્વારા સૂચવાયું છે.
૨. સકામ કર્મના ઉપાસકને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેવું સુખ માર્યાદિત સમયે સમાપ્ત થઈ જતું હોય છે. તેથી તેવા જીવે ફરીથી આ જગતમાં જન્મ લેવો પડે છે. સકામ ભક્તિ કરનારને આ સત્યનો ખ્યાલ હોતો નથી. તેવા સાધકે તો કાયમી મુક્તિ મળશે એવી આશાથી ઉપાસનાનો આરંભ કરેલો હોય છે. પરંતુ તેવા સાધકની મહેનત ગાંચીના બળદ જેવી છે તેનું ભાન ફરીથી જન્મ ધારણ કરે છે ત્યારે જ થાય છે. સંસાર સાગરને પેલે પાર પહોંચવાને બદલે સકામ ભક્તિ મઝધારથી પણ આગળ જવા દેતી નથી. બલકે જે કિનારેથી પ્રારંભ કરેલો તે જ કિનારે પાછો લઈ આવે છે. અહીં કરગી એટલે કિનારો. તે જ કિનારો જોઈને તે આશ્ચર્ય પામે છે.
૩. આજના વિજ્ઞાનની જેમ કબીર સાહેબ પણ ચંદ્ર-સૂર્યનો ઉલ્લેખ કરે છે. આજે ખગોળશાસ્ત્રીઓ એવું અનુમાન કરે છે કે ચંદ્ર દિનપ્રતિદિન વધારે ને વધારે ઠંડો થતો જાય છે. સૂર્યની ઉષ્ણતા પણ ધીમે ધીમે ઘટતી જ જાય છે. એક દિવસ એવો આવશે કે સૂર્ય પણ ઠંડો થઈ જશે. ત્યારે સૃષ્ટિમાં ભરે પરિવર્તન આવી જશે. કબીર સાહેબ ચંદ્ર-સૂર્યને પણ આવન જાવન કરનારા એટલે કે સર્જન વિસર્જનની પ્રક્રિયાવાળા ગણે છે. કબીર સાહેબનો આ મત આજે પણ એટલો જ જાણે કે સાચો લાગે છે.
૪. “કહહિં કબીર કામો નહીં” દ્વારા કબીર સાહેબ ચિત્તને કામના વિનાનું બનાવવા માટે સૂચન કરે છે. નિષ્કામ કર્મની ઉપાસના જ જીવને સાચી દિશામાં ઉત્ક્રાંત કરે છે. ગીતામાં સાતમાં અધ્યાયમાં કહ્યું છે :
કામના ભર્યા કૈં જનો, નિયમ ઘણા પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી.
ચિત્ત કામ્નાવાળું હોય ત્યારે પરમાત્માનું મહત્વ તેને લક્ષમાં આવતું નથી. જ્યાં સુધી કામના પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જંપ વળતો નથી. પરંતુ એક કામના પૂર્ણ થઈ ન થઈ ત્યાં તો બીજી કામના ઉદ્દભવે છે ને પરિણામે જીંદગી ભર તેને પરમાત્માની યાદ આવતી નથી. પોતાની કામના પૂર્ણ થાય તે માટે જુદા જુદા દેવોની ઉપાસના કરવા મંડી પડે છે ને અનેક નિયમો, વ્રતો કરી થાકી જાય છે. છતાં સત્ય તેને સમજાતું નથી કે
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ. (સરળ ગીતા અ-૭/૨૩)
અર્થાત્ કામનાવાળું મન દેવના ભક્તિ તરફ વળી જાય છે જ્યારે નિષ્કામ મન પરમાત્માની ભક્તિ તરફ જ વળે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે.
Add comment