કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અંધારિ ગુષ્ટિ સિષ્ટિ ભઈ બૌરી, ૧તીનિ લોક મહ લાગિ ઠગોરી
બ્રહ્મા ઠગો નાગ સંહારી, દેવતન સહિત ઠગો ત્રિપુરારી - ૧
રાજ ઠગોરી બિસ્નુહી પરી, ચૌદહ ભુવન કેર ચૌધરી
આદિ અંત જાકિ જલકન જાની, તાકર ડર તુમ કાહેક માની - ૨
વૈસ ઉતંગ તુમ જાતિ પતંગા, જમ ઘર કિય ઉ જીવ કો સંગા
નીમ કીટ જસ નીમ પિયારા, વિષ કો અમ્રિત કહત ગવારા - ૩
વિષ કે સંગ કવન ગુણ હોઈ, કિંચિત લાભ મૂલ ગૌ ખોઇ
વિષ અમ્રિત ગૌ એકહિ સાની, જિન જાના તિન વિષ કરી પાની - ૪
૨કહા ભયે નર સૂધ બેસૂઝા, બિનુ પરિચય જગ મૂઢ ન બૂઝા
મતિ કે હીન કવન ગુન અહઇ, લાલચ લાગે આસા રહઇ - ૫
સાખી : મુવા હૈ મરિ જાહુગે, મુવે કિ બાજી ઢોલ
સપન સનેહી જગ ભયા, રહિ ૩સહિદાની બોલ
સમજૂતી
માયાથી અંધ બનેલા લોકોની વાતમાં આખી દુનિયા પાગલ બની છે. ત્રણે લોકમાં એવી ઠગાવવી ક્રિયા ચાલુ છે. બ્રહ્મા ઠગાયા, નાગોનો સંહાર થયો અને દેવગણો સહિત મહાદેવ પણ ઠગાયા. - ૧
ચૌદ ભુવનના સ્વામી ગણાતા વિષ્ણુ પણ માયાથી છેતરાયા છે. ખરેખર જેણે સંસારના આદિ ને અંત પાણીના બુદ્બુદ્ જેવા ક્ષણિક જાણ્યા છે તેણે (માયાથી) ઠગવાનો ડર શા માટે મનમાં રાખ્યો છે ? - ૨
માયાના વિષય પદાર્થો અગ્નિની જ્યોત જેવા છે અને કામી જીવો પતંગિયા સમાન છે. તેવા જીવોને સંગ યમરાજને ઘરે જ જાય છે. જે રીતે લીંબડાના કીડાને કડવો લીંબડો મીઠો જ લાગે છે તે રીતે માયાથી અંધ બનેલા અજ્ઞાની જીવો ઝેરને અમૃત માની ગ્રહણ કરે છે. - ૩
સંસારમાં વિષ ને અમૃત એક થઈ ગયા જાણ્યા છે તે વિવેકી જીવ અમૃતને પણ વિષ સમજી ત્યાગી દે છે. તેને ખબર છે કે ઝેરના સંગમાં અમૃત પણ ઝેર જ બની જાય છે. તેવા અમૃતને મેળવવાથી તો જન્મથી મળેલું સ્વરૂપનું મૂળભૂત ધન પણ નાશ પામે છે. - ૪
આ સંસારમાં જ્યાં સુધી આત્માનો પરિચય થતો નથી ત્યાં સુધી સૌ કોઈ મૂઢ ગણાય છે. કોઇને પણ સાચી સમજ પ્રગટ થતી નથી. પછી તે ભણ્યો હોય કે અભણ હોય તેથી યે શું? બુદ્ધિ વિના તેવાને આત્માના કયા ગુણનું ભાન થઈ શકે ? તે તો લાલચમાં ને ખોટી આશામાં બેસી રહેતો હોય છે.
સાખી : ભૂતકાળમાં મરી ગયા છે ને ભવિષ્યમાં પણ મરી જવાના છે. આજે પણ મરવાના ઢોલનગારાં વાગી રહ્યા છે છતાં આખું જગત સ્વપ્નપ્રેમી બની ગયું છે. ખરેખર (કોઈને ખબર નથી કે) મર્યા પછી અહીં વાણીની નિશાની જ રહી જાય છે !
૧. ત્રણે લોકમાં માયાનો જ પ્રભાવ જણાય છે. પૃથ્વીલોકમાં આપણે તો માયાની અપૂર્વ સત્તાનો અનુભવ કરીએ જ છીએ. પરંતુ સ્વર્ગલોકમાં પણ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા દેવાધિદેવના સ્થાનોમાં પણ માયાની અસર થતી હોય છે. આ બાબતમાં કબીર સાહેબ સર્વને સાવધાન બનાવે છે. ખૂબ સુંદર એવી પોતાની દીકરી સરસ્વતીને જોઈને ખુદ બ્રહ્મ એક દિવસ કામ વિવશ બનેલા. બચવા માટે સરસ્વતી મૃગલીનું રૂપ લઈને ભગવા માંડે છે ત્યારે બ્રહ્મા મૃગ લઈને પાછળ દોડેલો. તે સ્થિતિમાં શંકરે બ્રહ્માને બાણ મારીને અટકાવેલા. તે જ રીતે ભગવાન શિવ પણ પાર્વતીની હાજરીમાં કામમોહિત થયેલા તે માયાનો જ પ્રવાહ હતો. એકવાર વિષ્ણુ ભગવાનને દેવોને અમૃત પીવડાવવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરેલું. અસુરો ત્યારે કામમોહિત થયેલા ને અમૃત ભૂલી ગયેલા. આ જાણીને શિવ ભગવાન પાર્વતી સાથે લાવલશ્કર લઈને વિષ્ણુ પાસે આવે છે ત્યારે વચમાં એક બાગમાં અતિશય સુંદર રૂપ જોઈને શિવ પોતે કામાંતુર બનેલા ને તેની પાસે જઈને કામચેષ્ટા કરવા લાગેલા. ત્યારે તે સુંદર સ્ત્રીનું રૂપ અલોપ થઈ જાય છે ને તેને બદલે વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે. અરે ! વિષ્ણુ ભગવાને વારંવાર અવતાર લેવા પડે છે તે પણ માયાના જ ખેલ ગણાય છે. આ રીતે ત્રણે લોકમાં માયાની જ સત્તા પ્રવર્તે છે તેનો ખ્યાલ કબીર સાહેબ અહીં આપી રહ્યા લાગે છે.
૨. “કહા ભયે નર સુધ બેસૂઝા” એ લીટીમાં “કહા ભયે નર શુદ્ધ વિશુદ્ધ” એવો પાઠ પણ પ્રચલિત છે. સુધ બેસુઝ એટલે સમજુ અણસમજુ અથવા તો ભણેલા કે અભણ એવા અર્થમાં સમજવું. આજે તો ભણેલા પણ આત્મામાં માનતા નથી. આત્મા દેખાતો નથી એટલે તેનું અસ્તિત્વ જ નથી એવું તારણ તર્ક કરીને કરે છે. આત્મતત્વનો જેને પરિચય થયો હોય તે જ તેની અનુભૂતિ જણાવી શકે. આત્મતત્વનો અનુભવ ભણેલો હોય તેને જ થાય એવું પણ નથી. અભણ હોય તેને ન જ થાય એવું પણ નથી. ખુદ કબીર સાહેબ નિરક્ષર હતા છતાં તેમને આત્મ સાક્ષાત્કાર થયેલો. આત્માની અનુભૂતિ તત્વત: થાય પછી અનુભવ કરનારની ભાવસમૃદ્ધિ ઉદાત્ત બની જતી હોય છે. તેથી તેનું દર્શન વિશિષ્ટ પ્રકારનું ગણાય છે, આપણા જમાનાના શ્રીરામ કૃષ્ણ દેવ વાતચીત કરતાં કરતાં ભાવ સમાધિમાં ડૂબી જતાં તે એક જગપ્રસિદ્ધ હકીકત છે. તેવી વ્યક્તિ લોભ-લાલચ કે મોટી આશામાં કદી ફસાતી નથી. જો “શુદ્ધ વિશુદ્ધ” એ પાઠ સ્વીકારવામાં આવ એતો પણ અર્થ બંધબેસતો થઈ શકે એમ છે. છૂત અછૂત એવા અર્થમાં શુદ્ધ વિશુદ્ધ શબ્દો વપરાતા હોવા જઇએ. કબીર સાહેબ અગાઉ કહી જ ગયા છે કે એવા ભેદો માનવે સર્જેલા છે. આત્મ પરિચય વિના મુક્તિ છૂત અછૂત કોઈને પણ મળતી નથી.
૩. બોલ એટલે વાણી. માણસ મરી જાય પછી તેની નીશાનીમાં માત્ર તેની વાણીની યાદ જ રહી જાય છે. ખરાબની ખરાબ વાણી ને સારાની સારી વાણી. લોકો મૃત્યુ પછી વાણીના આધારે જ મૂલ્યાંકન કરતાં હોય છે. જેણે પોતાના સ્વરૂપનો પરિચય કરી લીધો હોય તેની વાણીમાં વાસ્તવિકતાનું સ્પષ્ટ દર્શન હોય છે. તે મિથ્યા વાતોમાં ફસાતો નથી. બલકે તેની વાણીમાં આવું બળ છે કે તેને સાંભળનારનું કલ્યાણ થઈ જાય છે.
આ રમૈનીમાં કબીર સાહેબ આત્મદર્શન કે આત્મવિદ્યાથી જ સર્વનું કલ્યાણ થાય છે તેવી સ્વાનુભૂતિ રજૂ કરે છે.
Add comment