કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧માટી કે કોટ પષાન કા તાલા, સોઇ વન સોઇ રખવાલા
સો વન દેખત જીવ ડેરાના, ૨બ્રાહ્મન વૈષ્ણવ એક હી જાના - ૧
જૌં રે કિસાન કિસાની કરઈ, ઉપજૈ ખેત બીજ નહિ પરઈ
છાંડિ દેહુ નર ઝેલિક ઝેલા, બૂડે દોઉ ગુરૂ ઔ ચેલા - ૨
તીસર બૂડે ૩પારધ ભાઈ, જિન બન ડાહો દાવા લગાઈ
ભૂંકિ ભૂંકિ કૂકર મરિ ગયઉ, કાજ ન એક સિયારસે ભયઉ - ૩
સાખી : મૂસ બિલાઈ એક સંગ, કહુ કૈસે રહી જાય
સંતો અચરજ દેખહુ, ૪હસ્તી સિંઘ હી ખાય
સમજૂતી
(સૂક્ષ્મ) શરીર રૂપી નગરીની (સ્થૂળ) શરીરરૂપી પાંચ મહાભૂતનો કોટ ચણવામાં આવ્યો છે ને (મુખ્ય દરવાજે) અભિમાનરૂપી તાળુ મારવામાં આવ્યું છે. તે જ (સૂક્ષ્મ શરીર) સંસારરૂપી વનનું કારણ છે અને તે જ રક્ષે પણ છે. જીવને વનમાં ડર લાગે છે ત્યારે તે બ્રાહ્મણ કે વૈષ્ણવ ગુરુ જ ગણાય તેવું માનીને તેની પાસે જાય છે. - ૧
પરંતુ (તેવા ખોટા ગુરૂઓ પાસેથી) જીવને સત્ય જ્ઞાનરૂપી બીજની પ્રાપ્તિ ન થતી હોવાંથી જેમ બી વિના ખેડૂત ધાન મેળવી શકતો નથી તેમ જીવને મહેનત વૃથા નીવડે છે. તેથી હે માનવ ! તું ખોટી ખેંચતાણ છોડી દે કેમ કે તેવા ખોટા ગુરુચેલાઓ પણ સંસારમાં બૂડી જ ગયા છે. - ૨
પોતાના શિકાર માટે વનને જ આગ લગાડતો હોવાથી તેવા ગુરુઓ પણ સંસાર પાર કરી શક્યા નથી. તેવા ગુરુઓ રૂપી શિયાળથી અજ્ઞાની જીવ રૂવી કૂતરાઓ ભૂંકી ભૂંકીને મરી ગયા તો પણ મુક્તિનું કાર્ય થઈ શકતું નથી. - ૩
સાખી : ઉંદર ને બિલાડી એક સાથે કેવી રીતે રહી શકે ? હે સંતજનો ! આશ્ચર્ય તો જુઓ કે હાથી સિંહને ખાઇ રહ્યો છે !
૧. આ સ્થૂળ ચરીરને માટીનો કિલ્લો કહ્યો. પૃથ્વીતત્વનો ભાગ શરીરમાં રહેલો હોવાથી શરીરનો કિલ્લો માટીનો બનેલો ગણાય. સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર રહેલું છે તેને પથ્થરનું તાળું કહ્યું. પથ્થરનું એટલા માટે કે તેનો વિનાશ સ્થૂળ શરીર સાથે થતો નથી. સ્મશાને સ્થૂળ શરીર રાખ બની જાય પણ સૂક્ષ્મ શરીર બળતું નથી. સૂક્ષ્મ શરીર વૈચારિક સ્વરૂપનું ગણાય કારણ કે તે વાસનાનું બનેલું છે. વાસના મનમાં રહેલી હોય છે. તેથી અહંકાર અને મન સૂક્ષ્મ શરીરના મુખ્ય અંગો ગણાય. આ સૂક્ષ્મ શરીરને કારણે જ આખો સંસાર પેદા થયો હોય છે. વળી સંસાર સાગરમાંથી ઉગરવું હોય તો પણ સૂક્ષ્મ શરીર જ ઉપયોગી બને. તેથી જ ઉપનિષદ્દમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મન એ જ મુક્તિનું કારણ છે અને બંધનનું પણ કારણ છે. કબીર સાહેબે પણ સાખી પ્રકરણમાં કહ્યું જ છે કે “મન કી હારે હાર હૈ, મન કી જીતે જીત.” ભગવદ્ ગીતામાં પણ એ જ વાત કરવામાં આવી છે.
જે મનને જીતે સદા, મિત્ર બને છે તે,
પોતાનું શત્રુ બને મન ના જીતે જે. (સરળ ગીતા અ-૬/૬)
૨. કોઈ જન્મથી ઊંચ નથી ને કોઈ પહેરવેશથી મોટો ગણાતો નથી. કબીર સાહેબના સમયમાં બ્રાહ્મણ લોકો જન્મથી જ ઊંચી જાતના ગણાતા અને તેથી તે પ્રકારનું માનપાન મેળવતા. વૈષ્ણવો તિલક કંઠી બાંધી પોતાનો અલગ ચોકો બનાવતા ને પોતે બધું જાણે છે તેવો ડોળ કરતાં. તેથી કબીર સાહેબ આ રમૈનીમાં ઢોંગી ધુતારા ગુરૂ લોકોના પ્રતીક તરીકે “બ્રાહ્મણ વૈષ્ણવ” શબ્દનો પ્રયોગ કરે છે. તે જમાનામાં બ્રાહ્મણ લોકો ને વૈષ્ણવ લોકો ન ખાવાનું ખાતા ને પીતા તથા ન કરવાનું કરતાં અચકાતા નહિ. તેઓ કર્મથી નીચ કોટિના ગણાય તેવા હતા. ઢોંગી ગુરૂઓ જ્ઞાનની મોટી મોટી વાતો કરી શિષ્યોને અકર્ષતા અને અંદર ખાનેથી ભોગ વાસનામાં ડૂબેલા રહેતા. તેવા ગુરૂના સમાગમથી કોઇને લાભ થતો નહિ. મનુષ્ય જન્મનો કિમતી સમય ખોટી રીતે વેડફાય જતો. તેવા ગુરૂ ને તેવા ચેલાથી સાવધાન બનવાની શિખામણ અહીં આપવામાં આવી છે.
૩. પારધ એટલે શિકારી. ઢોંગી ગુરૂઓ હતા તો અજ્ઞાની છતાં જ્ઞાની હોવાનો ડોળ કરતાં. તેઓ પોતાના પેટ ભરવાના ‘ધંધા’ તરીકે શિષ્યોને છેતરીને શિષ્યોની સંખ્યા વધારવાનું કામ કરતાં જેથી સરવાળે તેમની આવક મોટી થઈ શકતી. આવી ક્રિયાને કબીર સાહેબ શિકારી શબ્દના ઉપયોગથી સચોટ રીતે વર્ણવે છે. શિકારી લોકો જંગલમાં મૃગના શિકાર માટે નીકળે ત્યારે કેવા કેવા પ્રપંચ કરે છે તેનો ખ્યાલ કરવામાં આવે તો ઢોંગી ગુરૂઓની ભયાનક્તા સમજી શકાય. શિકારી ન જ ફાવે તો જંગલને પણ દવ લગાડી પોતાનો શિકાર મેળવે છે એ ખરેખર ભયંકર રીત ગણાય. અનેક નાના મોટા જીવજંતુઓ પણ એમાં હોમાય જાય. નિર્દોષ પ્રાણીઓનો ઘાતકી રીતે વિનાશ કરવામાં આવે તે માનવને શોભા આપે એવી રીત નથી. તે જ રીતે ઢોંગી ગુરૂઓ નિર્દોષ ભોળા અજ્ઞાની લોકોને છેતરીને તેઓના ભવ બગાડે તે પણ માનવને શોભાસ્પદ નથી. ઢોંગી ગુરૂઓ જેમ કહે તેમ ચેલાઓ કરે છતાં નથી તેમને જ્ઞાન પ્રાપ્ત થતું કે નથી તેમને મુક્તિ મળતી. તેમની સ્થિતિ સ્હેજ પણ સુધરતી નથી. બલકે બગડતી હોય છે. તેથી ચેલાઓ કૂતરા જેવા છે. રાતના અંધારે શિયાળ ભૂંકવા માંડે એટલે ગામમાં રહેતા કૂતરાઓ પણ ભૂંકવા માંડે. પછી શિયાળ ભૂંકતા બંધ પડે છે છતાં કૂતરાઓ ભૂંકવાનું બંધ કરતાં નથી. આવી ક્રિયાથી નથી કંઈ શિયાળને લાભ થતો કે નથી કંઈ કૂતરાઓને લાભ થતો.
૪. મૂસ એટલે ઉંદર અને બિલાઈ એટલે બિલાડી. બિલાડી ઉંદરને શિકાર કરે જ. તેથી સાથે રહી શકે નહિ એવું કહેવામાં આવે છે. પણ ભોળા અજ્ઞાની ચેલાઓ ઉંદર સમાન હોવાથી બિલાડી જેવા ઢોંગી ગુરૂઓ સાથે રહે છે તે મોટું આશ્ચર્ય છે. આ જ વાત કબીર સાહેબ હાથી ને સિંહના રૂપકથી વધારે વિગતે સમજાવવા પ્રયત્ન કરે છે. હાથી સિંહને ખાય છે એવું ચિત્ર આશ્ચર્ય પમાડે છે. હકીકતે સિંહ બળવાન હોવાથી હાથીને ખાતો હોવો જોઇએ. આ પદમાં મન હાથીના જેવું છે ને જીવાત્મા સિંહના જેવો છે. એવું આડકતરી રીતે જણાવ્યું છે. મન માયામય હોવાથી જીવાત્મા અનંત શક્તિનો ભંડાર હોવા છતાં મનને ભરોસે વિનાશ નોતરે છે તે હકીકત કબીર સાહેબે જણાવી છે.
Add comment