Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચલત ચલત અતિ ચરણ પિરાના, હારિ પરૈ તહ અતિ રિસિયાના
ગન ગંધર્વ મુનિ અંત ન પાયા, હરિ અલોપ જગ ધંધે લાયા  - ૧

ગહની બંધન બાત ન સૂઝા, થાકિ પરૈ તબ કિછુવો ન બુઝા
ભૂલિ પરે જીવ અધિક ડરાઈ, રજની અંધકૂપ હોઈ આઈ  - ૨

માયા મેહ ઉહાં ભરપૂરિ, દાદૂર દામિની પવનહું પુરી
બરસૈ તપૈ અખંડિત ધારા, રૈનિ ભયાવનિ કિછુ ન અધારા  - ૩

સાખી :  સભૈ લોગ જહંડાઇયા, અંધા સભૈ ભુલાન
          કહા કોઈ ના માનહીં, એકૈ માહિં સમાન

સમજૂતી

ચાલતા ચાલતા પગો ખૂબ દુઃખવા લાગ્યા અને થાકીને જ્યારે પડી જવાયું ત્યારે જીવને ક્રોધ ચઢ્યો. દેવો, ગંધર્વો ને મુનિઓ જેના આદિ ને અંત જાણી શક્યા નથી એવા અદષ્ટ હરિ વડે આખું જગત ઉપાધિમાં પડ્યું.  - ૧

બંધનમાં પડવાની ટેવ પડી ગયેલી હોવાથી બંધન ગહન છે તેની સૂઝ પડી નહીં. થાકીને પડી જવાયું ત્યારે પણ કોઇને તે અંગે સમજ પડી નહીં.  ભૂલ થઈ જાય ત્યારે જીવ ખૂબ ગભરાય છે. અજ્ઞાન રૂપી અંધારી રાત અંધારા કુવા જેવી ભયાનક લાગે છે.  - ૨

એવી અજ્ઞાન રૂપી અંધારી રાતમાં માયા ને મોહનો ખૂબ પ્રભાવ પથરાયેલો હોય છે. દેડકાઓનું રૂદન, વીજળીના ચમકારા ને પવનના સુસવાટા ત્યાં પૂરતાં પ્રમાણમાં હોય છે. ત્યાં તાપની ગરમી અને અખંડ વરસતી વરસાદની ધારા વડે રાત્રી, બચવાનો કોઈ આધાર ન જણાતા ખૂબ ભયંકર લાગે છે.

સાખી :  એક જ માયાના લતે આંધળા બનેલા સર્વ લોકો માયાથી છેતરાયા હોય ત્યાં અમારા જેવાનું કહેલું કોઈ માનતું નથી તે એક (દુઃખદ) હકીકત છે.

૧.  આપની સ્થૂળ આંખો વડે પરમાત્મા દેખાતા નથી અને સ્થૂળ ઈન્દ્રિયો વડે અનુભવી શકાતા નથી તેથી પરમાત્માને સમજવા અતિ મુશ્કેલ છે, તેથી જ ગીતામાં કહ્યું છે :

ચરાચર બધા જીવની બહાર અંદર છે,
સૂક્ષ્મ ખૂબ છે એટલે અગમ્ય તે પ્રભુ છે.
સમાન રૂપે સર્વમાં વસી રહ્યા પ્રભુ તે,
તેને જે જોતાં સદા, જોતાં સાચુ તે.  (સરળ ગીતા અ-૧૩)

પ્રભુ અગમ્ય છે છતાં તે સર્વમાં સમાન રૂપે રહેલા છે તે એક હકીકત છે. સત્પુરૂષોનો તેવો અનુભવ હોવાથી માન્યતાને ટેકો મળે છે. છતાં પરમાત્માને સમજવા પ્રયત્ન કરનારને પરમાત્માની વાતો સરળતાથી સમજાતી નથી. દેવો, ગંધર્વો ને મુનિઓ પણ જેના અંત ને આદિ જાણી શક્યા નથી તો બનાવટી ગુરૂઓ તો ક્યાંથી જાણી શકે ને સમજી શકે ?  તેવા ગુરૂઓની વાણીમાં શ્રદ્ધા રાખનારા માયાના ફંદામાંથી બહાર નીકળી શકતા નથી તેની ચેતવણી કબીર સાહેબ અહીં આપે છે.

૨.  જીવને બંધન જાણે કે ગમી જતું હોય છે. તેથી તેને બંધનમાં પડવાનો સ્વભાવ થઈ જાય છે. મનમાં રહેલી કામના અથવા તો આસક્તિ બંધનનું કારણ છે. એમ ઉપનિષદ પણ કહે છે. ‘યોગવાસિષ્ટ’માં પણ ગુરૂ વિસિષ્ટે માર્ગદર્શન આપતા કહ્યું છે કે

સુચિરાભ્ય સ્તભાવં તુ વાસના ખચિતં મન:  |
યત્ર તત્ર ભ્રયત્ સ્વર્ગ નરકાદિ પ્રપશ્યતિ  ||

અર્થાત્ વાસનાથી કે કામનાથી ભરેલું મન જીવને અહીં તહીં કે સ્વર્ગ નરકના મિથ્યા સુખદુઃખોમાં ભમાવ્યા કરે છે. તેથી મનમાં ઉદ્દભવતી કામનાને નિર્મૂળ કરવાની ખાસ જરૂર છે. મન કામના રહિત બને તો જ સ્થિર બની શકે ને પરમાત્માનો અનુભવ કરી શકે. ને તો જ મુક્તિનું સુખ પણ પામી શકે. તેથી ગુરૂ વસિષ્ટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે :

સ્વયં કર્મ કરોત્યાતમા સ્વયં તત્ફલમશ્નુતે  |
સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં તસ્માત્ વિમુચ્યતે  ||

મનમાં રહેલી વાસના જીવને કર્મમાં જોડે છે ને તે કર્મનું ફળ જેવું મળે તેવું તે ભોગવે છે. એવા કર્મ કરેલા હોય તો સંસારમાં ડૂબે પણ ખરો ને એવા કર્મ કરેલાં હોય તો મુક્તિ પામે ય ખરો. ગીતા પણ કહે છે કે

કર્મ અને કર્તૃત્વ ને કર્મફળ તણો યોગ,
પ્રભુ કરે નહીં, એ બધો પ્રકૃતિનો છે ભોગ.
પાપ પુણ્ય કોઈ તણું ઇશ્વર ના ખાયે,
જીવ ભર્યા અજ્ઞાનથી તેથી મોહાયે.  (સરળ ગીતા અ-૫/૧૪-૧૫)

૩. આગલી રમૈનીનું રૂપક આ રમૈનીમાં પૂર્ણ પણે ખીલ્યું હોય તેમ જણાય છે. માયા ને મોહ અંધારી રાત્રીની ભયાનકતાના સર્જક પરિબળો છે. પતન પામેલા જીવોનું વ્યથાપૂર્વક રૂદન, ઢોંગી ગુરૂઓના આંખને આંજી દેનારા ચમકારાઓ અને કામના-વાસનાના તાંડવ તોફાનો ઊભા કરતા પવનો ભયંકરતાને વધારી દેતા હોય છે. દુઃખોના અગ્નિની અસહ્ય ગરમી અને વ્યથાપૂર્ણ વેદનાનો વરસાદ જ્યાં સતત થયા કરતો હોય ત્યાં જીવની શી દશા થાય ?  જીવને ત્યાં કોણ બચાવે ?  ઢોંગી ગુરૂઓ પર વિશ્વાસ રાખવાથી તો એવી દશા થઈ !

૪.  સત્પુરૂષોના વચનો પર શ્રદ્ધા જ ક્યાં છે ?  આ જગતમાં તો જૂઠા લોકોની જ બોલબાલા ચાલે છે. સાચું કહેવા જાય તો તે વ્યક્તિ ફાંસીને માંચડે ચઢે છે. ઈસુ જેવાને તો જીવતા ખીલા ઠોકી દેવામાં આવ્યા છે. આ જગતના લોકો તો નિષ્ઠુર છે. તેઓને સત્યની કાંઈ ગમ જ નથી. અજ્ઞાનની અવસ્થામાં જ જન્મે છે ને મરે છે. કબીર સાહેબની વ્યથા સાખીમાં બહું જ સચોટ રીતે વ્યક્ત થઈ છે.