Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અલખ નિરંજન લેખઇ ન કોઈ, જેહિ બંધે બંધા સભ લોઇ
જેહિ જૂઠે બંધા સો અયાના, જૂઠા બચન સાંચ કરિ જાના  - ૧

ધંધા બંધા કિન્હ બેવહારા, કરમ બિબરજિત બસૈ નિનારા
ષટ આશ્રમ ષટ દર્શન કીન્હા, ષટરસ બસ્તુ ખોટ સબ ચિન્હા  - ૨

ચારિ બિરિછ છવ સાખ બખાનૈ, વિદ્યા અગિનિત ગનૈ ન જાનૈ
ઔરો આગળ કરૈ બિચારા, તે નહિ સૂજે બાર ન પારા  - ૩

જપ તીરથ વ્રત કીજૈ પૂજા, દાન પુન્ન કીજૈ બહુ દૂજા  - ૪

સાખી :  મંદિલ તો હૈ નેહકા, મતિ કોઈ પૈઠે ધાય
          જો કોઈ પૈઠે ધાયકે, બિન સિર સેતી જાય

સમજૂતી

યમરાજ આંખે દેખાતો નથી તેથી કોઈ તેને જાણતું નથી. તેના બંધનથી જ સર્વ કોઈ બંધનમાં પડ્યું છે. અજ્ઞાની લોકોએ અસત્ય વચનને સત્ય માની લઈને નકામા બંધનો ઊભા કર્યા છે.  - ૧

ધંધા કરીને જેણે કર્માદિ વ્યવહારો કર્યો તે બંધનમાં પડ્યા. જેણે કર્માદિ વ્યવહારો ન કર્યા તે તો ન્યારા જ છે. છ આશ્રમ ને છ દર્શન બનાવ્યા અને મિથ્યા વસ્તુને સત્ય સમજીને સંસારી લોકો છ રસવાળા ભોજનમાં આસક્ત બન્યા.  - ૨

ચાર વૃક્ષ રૂપી વેદો તથા તેની છ શાખાઓ સંસારમાં પ્રસિદ્ધ છે. અગણિત પ્રકારની વિદ્યા છે એવું મનાયું છે, બીજાં ઈતિહાસ, પુરાણ, આગમ આદિનો પણ એમાં વિચારપૂર્વક સમાવેશ કર્યો છે. પરંતુ તે તમામ શાસ્ત્રોની વિદ્યાનો કોઈ અંત જ નથી !  - ૩

મંત્રજપ, તીર્થસેવન, વ્રત પાલન, પૂજા પાઠ, દાન પુણ્ય વિગેરે સર્વે સાધનો ભલે કરવામાં આવતા પરંતુ સાચી જ્ઞાન-ભક્તિનો ઉદય નહીં થાય ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી.

સાખી :  આ તો પ્રેમનું મંદિર છે એમાં સમજ્યા વિના પ્રવેશ થઈ શકતો નથી. જે સમજ્યા વિના પ્રવેશ કરે છે તે માથુ કપાવીને વિનાશ જ વ્હોરે છે.

૧.  અલખ એટલે લક્ષમાં ન આવે તેવા. નિરંજન એટલે યમરાજ, સરળતાથી આ સ્થૂળ આંખો યમરાજને જોઈ શકતી નથી. મૃત્યુ વખતે ઘણે ભાગે મનુષ્ય બેભાન અવસ્થામાં હોય છે. તેથી યમરાજનું દર્શન તેને કેવી રીતે થઈ શકે ?

૨.  તે યમરાજ કર્મ કર્યા હોય તે પ્રમાણે જીવને સ્વર્ગમાં કે નરકમાં સ્થાન આપે છે. કર્મના બંધનથી સર્વ કોઈ બંધાયું છે. આ બધી કપોલ કલ્પિત વાતોને સાચી માની લઈને જીવ સ્વર્ગ ને નરક વચ્ચે ઝોલા ખાતો રહે છે.

૩.  ધંધા એટલે પ્રવૃત્તિશીલ, જે માણસ ગણી પ્રવૃત્તિઓ કરતો હોય તે સ્વાભાવિક રીતે અનેક પ્રકારના કર્મો કરતો રહે છે. જે સારાં કર્મો કરે છે તેને તેવું જ ફળ ફાળે છે. જે ખરાબ કરે છે તેને ખરાબ જ ફળ મળે છે. સારાં કર્મ કરનારને સ્વર્ગ ને ખરાબ કર્મ કરનારને નરક મળે છે. એક સોનાની બેડીના બંધનમાં બંધાય છે. બીજો લોખંડની બેડીના બંધનમાં બંધાય છે. પરંતુ જે જ્ઞાની છે, સમજુ છે તે તો નિષ્કામ બની જાય છે. ને એવી રીતે કર્મ કરે છે કે કોઈ પણ પ્રકારનું બંધન તેને થતું નથી. તેથી દશા ન્યારી જ રહે છે. કર્મ કરવાની તેની કુશળતા તેને નિત્ય મુક્ત અવસ્થામાં મૂકી દે છે. એટલે પ્રવૃત્તિ કરવાનો બાધ નથી પણ પ્રવૃત્તિ નિષ્કામ ભાવે કરવી જોઇએ કે જેથી બંધન નિર્માણ થઈ શકે નહીં.

૪.  ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ ને સામવેદ એવા ચાર પ્રકારના વેદોને કબીર સાહેબે વૃક્ષની ઉપમાં આપી. વૃક્ષ લોકોપયોગી ગણાય અને એની મળતી સેવા પાછળ કોઈ બદલાની ભાવના જ નહીં. તાપે તપેલો છાંયે બેસે કે ભૂખ્યો ફળ ખાય તેની પાછળ વૃક્ષની કોઈ કામના જ નહીં. બેસે તોયે આનંદ ન બેસે તોયે આનંદ. ફળ ખાય તો યે આનંદ ને ન ખાય તો યે આનંદ. એટલે આ ચારેવેદો પણ મનુષ્યોને એવો જ સંદેશો આપે છે એવું આડકતરી રીતે આપણને સમજાય છે. આ ચાર વેદોમાં અગણિત પ્રકારની વિદ્યા જણાવવામાં આવી છે. પરંતુ એ વિદ્યાનો ઉપયોગ ચોક્કસ પ્રકારની કામનાની તૃપ્તિ માટે કરવામાં આવે તો એક પ્રકારનું બંધન નિર્માણ થાય છે. વિદ્યા કેવી રીતે વાપરવામાં આવે તેનાં પર જ મનુષ્યની ઉત્ક્રાંતિનો આધાર રહેલો છે.

૫.  જપ, તીરથ, વ્રત, પૂજા, દાન કે પુણ્ય - કામનાથી કરવામાં આવે તો જીવને બાધક થાય છે ને નિષ્કામ ભાવે કરવામાં આવે તો સાધક થાય છે.

૬.  આ શરીરરૂપી મંદિરમાં પ્રેમ-ભક્તિ જાગી જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. પ્રેમ-ભક્તિ વિના જે કોઈ આ મંદિરમાં પ્રવેશ કરે છે તે જન્મમરણના ચક્રવામા ઘુમ્યા કરે છે. તેનો કદી ઉદ્ધાર થતો નથી. અહીં ‘મતિ’ શબ્દ જ્ઞાનનું પણ સૂચન કરે છે. સમજીને, જાણીને જે પ્રવેશ કરે છે તેનો ઉદ્ધાર થાય છે. નહીં તો વિનાશ જ થાય છે. માથા વિનાનો પ્રવેશ એટલે મુક્તિ વિનાનો પ્રવેશ. તેથી જ્ઞાન અને ભક્તિ બંનેની આવશ્કયતા અહીં કબીર સાહેબે દર્શાવી ગણાય.