કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અલપ સુખ દુઃખ આદિ ઔ અંતા, મન ભુલાન મૈગર ૧મૈમતા
૨સુખ બિસરાય મુક્તિ કહે પાવૈ, પરિહરિ સાંચ જૂઠ નિજ ધાવૈ - ૧
અનલ જોતિ ડાહૈ સંગા, નયન નેહ જસ જરૈ પતંગા
૩કરુ વિચાર જેહિ સબ દુઃખ જાઇ, પરિહરિ જૂઠા કેર સગાઈ - ૨
૪લાલચ લાગૈ જન્મ સિરાઇ, જરા મરન નિયરાયલ આઈ - ૩
સાખી : ભ્રમ કરિ બાંધલ ઇ જગ, યહિ બિધિ આવૈ જાય
માનુષ જન્મહિં પાય નર, ૫કાહે કે જહંડાય
સમજૂતી
આ સંસારમાં સુખ ઓછું ને જન્મ મરણને કારણે દુઃખ વધારે છે છતાં હાથી જેવું મદમસ્ત મન વિષય સુખમાં એ બધું ભૂલી જાય છે, જીવ પોતાના સ્વરૂપનું સુખ ભૂલીને મુક્તિ કેવી રીતે પામી શકે ? જીવ સત્યને છોડીને અસત્ય તરફ જ દોડ્યા કરે છે ! - ૧
તેથી જીવને તેવી મિથ્યા પ્રવૃત્તિ અગ્નિની જવાળાની માફક સળગતી જ્યોતને દેખીને પતંગિયા બળી મરે છે તેમ સળગાવી મૂકે છે માટે હે જીવ મિથ્યા સંબંધોનો ત્યાગ કરી તું એવો વિચાર કર કે જે દ્વારા તમામ દુઃખ દૂર થઈ જાય. - ૨
વિષય સુખની ખોટી લાલચમાં હે જીવ ! તારું જીવન વ્યર્થ વીતી રહ્યું છે. ઘડપણ ને મોત નજીક આવી રહ્યા છે તેનો તો તું વિચાર કર !
સાખી : (ખોટમાં સાચાની) ભ્રાંતિ થવાથી આખું જગત બંધનમાં પડ્યું છે. અનાદિકાળથી બધાંની આવન જાવન ચાલ્યા કરે છે. હે માનવ ! (જરા વિચાર તો કર) મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા છતાં તું શા માટે છેતરાયા કરે છે ?
૧. મૈમંતા એટલે મદમાં મસ્ત. હાથી મદમાં મસ્ત હોય છે. તેવી રીતે મન મિથ્યા અભિમાનમાં મસ્ત હોય છે. તેથી તે વિષયોનું સેવન ઝંખે છે અને ક્ષણિક સુખની પ્રાપ્તિમાં મનુષ્ય જન્મનો ઉદ્દેશ ભૂલી જાય છે.
૨. ક્ષણિક સુખના મોહમાં શાશ્વત સુખ ભુલાઈ જતું હોય છે. પોતાના સ્વરૂપની પહેચાનથી જે સુખ પ્રાપ્ત થાય છે તે શાશ્વત સુખની ભૂમિકા છે. તે દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે, જેથી જન્મમરણના ચકરાવામાં જીવને આવવું પડતું નથી. એને જ શાશ્વત સુખ કહેવામાં આવે છે. જ્યાં સુધી જન્મમરણની સ્થિતિ છે ત્યાં સુધી ક્ષણિક સુખ સિવાય બીજું કાંઈ નથી.
૩. પદાર્થ વિષયોના સંગમાં જીવને અગ્નિની જવાળા જેવું જલન અનુભવવું પડે છે. પોતાને મનગમતી વસ્તુ ન મળે તો જીવને ક્રોધનો અનુભવ થાય છે. ક્રોધથી શક્તિનો હાસ થાય છે. બેટરીના છ પાવરમાં જેટલી વીજળી શક્તિ છે તેટલી એક જ ક્ષણમાં જીવની શક્તિ વપરાય જાય છે. તેથી જીવે ગુસ્સો ન કરવો જોઇએ. ગીતા પણ કહે છે.
ધ્યાન ધર્યાથી વિષયનો, સંગ છેવટે થાય
સંગ કર્યાથી કામ ને ક્રોધ પછીથી થાય.
ક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ,
અંતે બુદ્ધિ નાશ ને તેથી થાય વિનાશ. (સરળ ગીતા અ-૨)
વિષયના સંગમાં રહેવાથી જીવ પોતાની જાતનો કેવી રીતે વિનાશ કરી શકે છે તેનો ક્રમબદ્ધ નકશો અહીં આપવામાં આવ્યો છે. વારંવાર વિષયોના વિચાર કરવાથી મનમાં વિષયો તરફ આસક્તિ પેદા થાય છે. આસક્તિ પેદા થાય એટલે તેને પ્રાપ્ત કરવાની કામના જાગૃત થાય છે. કામના જાગૃત થયા પછી જો પ્રતિકુળ પરિસ્થિતિ જન્મે તો મનમાં અવશ્ય ક્રોધ પેદા થાય છે. ક્રોધમાં જીવ સમતા ગુમાવે છે ને પરિણામે સારા નરસાનો ખ્યાલ તે કરી શકતો નથી. ભગવાને આપેલી સદ્બુદ્ધિનો તે ઉપયોગ માટે કબીર સાહેબ અહીં સૂચન કરે છે.
૪. લાલચ વિષયોમાં ડૂબેલાને જ થાય. યુવાનીમાં ભગવાનનું ભજન કરવાનું કોઈ કહે તો ઘડપણમાં કરવાનો વાયદો કરે છે કરણ કે તેને વિષયોનું સુખ લલચાવે છે. ઘડપણ આવે ત્યારે નથી તે ગોવિંદનું ભજન કરી શકતો કે નથી તે શાશ્વત સુખની પ્રવૃત્તિ કરી શકતો.
૫. “કાહે કો જહંડાય’ એટલે શા માટે છેતરાય. મનુષ્યને ભગવાને બુદ્ધિ પણ આપી છે. બીજા જીવ-જંતુઓને કે પ્રાણીઓને બુદ્ધિ આપી નથી હોતી એટલે તેઓ ગમે તેમ વર્તે તો ક્ષમ્ય ગણાય છે. પરંતુ મનુષ્યને બુદ્ધિ મળી હોવા છતાં તે ગમે તેમ વાતે તો તે અક્ષમ્ય ગણાય છે. ખરેખર તો બુદ્ધિનો ઉપયોગ ન કરે ત્યાં સુધી માનવ માનવ બની શકતો નથી. તે પશુ સમાન જ ગણાય છે. મનુષ્ય બુદ્ધિનો સદુપયોગ કરશે તો વિષયોથી કદી છેતરાશે નહીં. તે પોતાનું આત્મકલ્યાણ સારી રીતે સાધી શકશે.
Add comment