કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧ચૌંતિસ અચ્છર ઇહૈ બિસેખા, સહસોં નામ યહી મેં દેખા
ભૂલિ ભટકિ નર ફિરિ ઘટ આયા, હો અજાન સો સભનિ ગમાયા - ૧
ખોજહિં બ્રહ્મા બિસ્નુ શિવ શક્તિ, ૨અમિત લોગ ખોજહિં બહુ ભક્તિ
ખોજહિં ગણ ગંધ્રપ મુનિ દેવા, અમિત લોગ ખોજહિં બહુ સેવા - ૨
સાખી : જતિ સતી સબ ખોજહિં, ૩મનહિ ન માનૈ હારિ
બડ બડ જીવ ન બાંચિ હૈ, કહંહિ કબીર પુકારિ
સમજૂતી
ચોત્રીસ અક્ષરની શબ્દજાળનિ આજ વિશેષતા છે કે તેમાંથી હજારો નામ બની રહ્યા દેખાય છે. તેમાં ભૂલો પડેલો જીવ અનેક યોનિઓમાંથી ભટકી ભટકી ફરી પાછો માનવ શરીરમાં આવ્યો છે પરંતુ હજી પણ અજ્ઞાન હોવાથી બધું જ ગુમાવી દેશે. - ૧
(ભૂલા પડેલા) બ્રહ્મ, વિષ્ણુ, શિવ, દુર્ગા, કાલી વિગેરે શક્તિનાં સ્વરૂપો તથા ગણગંધર્વ, મુનિઓ, દેવો અને અનેક લોકો ભક્તિ દ્વારા તથા પૂજા સેવા દ્વારા પરમાત્મ તત્વને બહાર જ શોધી રહ્યા છે.
સાખી : સન્યાસીઓ, સત્યવાદીઓ બધાં જ શોધીને થાકી ગયાં છે તથા મનથી હાર કબૂલતા નથી. કબીર પુકાર કરીને કહે છે કે મોટા મોટા લોકો પણ આ શબ્દજાળથી બચી શક્ય નથી.
૧. આગલી રમૈનીમાં ચોત્રીસ અક્ષરની શબ્દ જાળની વાત કબીર સાહેબે આ રમૈનીમાં ફરીથી વિશદતાથી ચર્ચી છે. આધુનિક હિન્દી ભાષાની વર્ણમાલા પર વિચાર કરવામાં આવે તો અક્ષરો એકાવન થાય છે. સોળ સ્વર ને તેત્રીસ વ્યંજન મળીને ઓગણપચાસ અને અનુસ્વાર ને વિસર્ગ એ બેનો ઉમેરો થાય તો એકાવન અક્ષરો થાય છે. છતાં કબીર સાહેબ માત્ર ચોત્રીસ અક્ષરની જ વાત કરે છે તેનો અર્થ એ પણ થઈ શકે તેમના જમાનામાં ચોત્રીસ અક્ષરની જ વર્ણમાલા હોવી જોઇએ. ભાષા વિજ્ઞાનનો વિકાસ ત્યાર પછી ઘણો થયો છે એટલે આધુનિક ભાષાઓની વર્ણમાલાનિ સંખ્યામાં વધારો થયો ગણાય.
વર્ણમાલાના અક્ષરો ભલે ચોત્રીસ જ ગણાય પણ તેમાંથી અસંખ્ય શબ્દો બને છે તેની કોણ ના કહી શકશે ? ભગવાનના હજારો નામો પણ આ વર્ણમાલાને આધારે જ બન્યા છે ને ? માત્ર સ્થૂળ દષ્ટિએ વિચાર કરનારા વાણી વિલાસમાં સરી પડતા હોય છે અને જેને માટે હજાર નામો બનાવ્યા હોય છે તેને તેઓ ભૂલિ જતા હોય છે. એક જ શબ્દોનો અર્થ કરવામાં સાંખ્યવાદીઓ બે ભાગમાં વહેંચાય ગયેલા તે જાણીતી વાત છે. ઈશ્વર: અસિદ્ધ: એ સૂત્રનો અર્થ બે રીતે કરવામાં આવ્યો. ઈશ્વર છે એવું સિદ્ધ કરી શકાતું નથી માટે ઈશ્વર નથી એવું કહેનારાઓ એક વર્ગ તે નિરીશ્વરવાદી ગણાયા. આમ નિરીશ્વર સાંખ્યવાદી ને સેશ્વર સાંખ્યવાદીના ભેદ પડી ગયા. આવી શબ્દજાળમાં મોટા મોટા લોકો પણ ફસાયા છે તેથી કબીર સાહેબ આ પદમાં છેલ્લે કહે છે કે “બડ બડ જીવ ન બાંચિ હૈ” અર્થાત્ મોટા મોટા લોકો પણ શબ્દજાળની માયામાં બચી શક્યા નથી.
૨. “અમિત લોગ” એટલે અસંખ્ય લોકો. અનેક લોકો માનવ શરીર ધારણ કરીને અહીં ફરી વાર આવ્યા છે પરંતુ તેઓ મૂળભૂત અજ્ઞાન અવસ્થામાં છે. તેઓ ભક્તિ કરે છે ખરા પણ તેનું ફળ મળતું નથી. તેઓ પૂજા સેવા કર્મકાંડ કરે છે ખરા પણ તેનુંય ફળ તેમને મળતું નથી. કારણ એક જ છે જ્ઞાનનો અભાવ. કર્મ, ભક્તિ ને જ્ઞાનનો સમન્વય થાય તો જ ફળ મળે છે એવું કબીર સાહેબ કરી રહ્યા છે. એકલો કર્રકાંડ કે એકલી ભક્તિ કે એકલું જ્ઞાન આત્મ કલ્યાણને માટે પૂરતા ગણાય નહિ. કર્મની સાક્ષે પૂરીપૂરી સમજદારી અથવા જ્ઞાન અને ભક્તિ બંને આવશ્યક છે. આ દષ્ટિએ જ્ઞાન, ભક્તિ ને કર્મનો ત્રિવેણી સંગમ થાય તો આત્મ કલ્યાણનું પ્રયાગ નિર્માણ થાય એવું સમજવું જોઇએ.
૩. મન હંમેશ બહિર્મુખ જ રહેતું હોય છે. સુખની શોધ તે બહાર જ શોધ્યા કરે છે. ખરેખર અંતર્મુખ મન ન થાય ત્યાં સુધી મનની શોધનો અંત આવતો નથી. પ્રત્યેક શરીરમાં પરમ ચેતનાના અંશ તરીકે જે આત્મતત્વ રહેલ છે તેની શોધ કર્યા વિના કોઇને વિજય પ્રાપ્ત થતો નથી. છતાં બહિર્મુખ મન પોતાની ભૂલ કબૂલતું નથી તેથી આવન જવાનના ફેરા ચાલ્યા જ કરે છે. માટે દરેક જણે મનને અંતર્મુખ બનાવવા પ્રયત્ન કરવો જોઇએ એવું કબીર સાહેબ કહી રહ્યા છે.
Add comment