Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આપહિ કરતા ભયે કુલાલા, બહુ બિધિ બાસન ગઢૈ કુંભારા
બિધિને સબઇ કીન્હ એક ઠાઉં, જતન અનેક કે બને કનાઉં  - ૧

જઠર અગિનિ મંહ દિય પરજાલી, તામહ આપુ ભયે પ્રતિપાલી
બહુત જતન કરી બાહર આયા, તબ સિબ સક્તિ નામ ધરાયા  - ૨

ઘરકા સુત જો હોય અયાના, તાકે સંગ ન જાહિં સયાના
સાંચી બાત કહી મૈં અપની, ભયા દિવાના ઔર કિસપની  - ૩

ગુપ્ત પ્રગટ હૈ અકૈ મુદ્રા, કાકો કહિયે બ્રાહ્મન શુદ્રા
જૂથ ગરબ  ભૂલો મતિ કોઈ, હિન્દુ તુરુક જૂઠ કુલ દોઈ  - ૪

સાખી :  જિન યહ ચિત્ર બનાઈયા, સાંચા સુતરધાર
          કહંહિ કબિર તે જન ભલે લે ચિત્રવત નિહાર

સમજૂતી

જેવી રીતે કુંભાર (માટીમાંથી) અનેક પ્રકારના વાસણો ગઢે છે તેવી રીતે સ્વયં બ્રહ્મા આ સૃષ્ટિના કરતાં બન્યા છે. બ્રહ્માએ બધી સામગ્રી એક જગ્યાએ એકત્ર કરી અને બહુ જ સંભાળપૂર્વક અનેક પ્રકારના શરીરરૂપી વાસણો બન્યા જ કરે છે.  - ૧

જઠરના અગ્નિમાં ત્યાર પછી તે સૌ વાસણોને પકવવા માટે નાંખી દીધાં અને ત્યાં પણ બ્રહ્મા સ્વયં રક્ષણકર્તા થયા. ત્યાર પછી બહુ સંભાળપૂર્વક તે સૌ બહાર આપ્યા ને તેઓએ શિવ તથા શક્તિ એવા (અનેકવિધ) નામો ધારણ કર્યા.  - ૨

ઘરનો જ પુત્ર જો અજ્ઞાની હોય તો જ્ઞાની પિતા તેનાં સંગની ઈચ્છા કરતા નથી. મેં એવી (અનેકવાર) સાચી વાત કરી છે છતાં તમે બીજાની સવપ્ન સમાન મિથ્યા  વાતો સાંભળીને પાગલ બનો છો (તે મોટું આશ્ચર્ય છે).  - ૩

કોઈ પણ મનુષ્ય, પછી ભલે તે ગુપ્ત હોય અથવા પ્રગટ હોય, એક જ મુખાકૃતિ વાળા હોય છે તેથી કોને બ્રાહ્મણ કહેવો ને કોને શૂદ્ર કહેવો ? મિથ્યા અભિમાનમાં કોઈ ભૂલ કરશો નહિ, હિન્દુ અને મુસલમાન એ બે જાતિ પણ મિથ્યા જ છે.  - ૪

સાખી :  જેણે આ ચિત્ર બનાવ્યું છે તે જ સંસારનો સાચો સૂત્રધાર છે. તેથી કબીર કહે છે કે તે જ ડાહ્યો માણસ, ગણાય કે જે આ ચિત્રને આધારે ચિત્રકારનાં દર્શન કરી લે છે.

૧.  બ્રહ્મા કુંભારની માફક સૃષ્ટિ રચનાનો કારભાર સંભાળે છે. જેમ કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારના આકારોવાળા વાસણો બનાવે છે તેમ એક જ પ્રકૃતિમાંથી જુદા જુદા રંગવાળા અને જુદા જુદા ઊંચાઈવાળા ને કદવાળા મનુષ્યોના શરીરો બન્યા છે. સૌના શરીરમાં પંચમહાભૂતનાં તત્વો સરખા છે.

૨.  એટલું જ નહીં પણ બ્રહ્માએ સર્વ માનવ શરીરોને જીવન માટે ક્ષમતાવાળા બનાવવા ગર્ભની ભઠ્ઠીમાં નાંખી દીધા હોય છે. એટલે ત્યાં પણ શક્તિ આપનાર ને રક્ષણ કરનાર એક જ તત્વ રહેલ છે. બધાં જ માતાના ગર્ભ દ્વારા જ જગતમાં જન્મ લે છે. આવવાની રીતમાં પણ ભિન્નતા જણાતી નથી.

૩.  કબીર સાહેબે પોતાના સમયના પ્રશ્નોની માર્મિક છણાવટ આ પદમાં કરી છે. અગાઉ રમૈની-૨ માં પણ માનવ માત્રની એકતાનો મુદ્દો આપણે વિચારી ગયા છીએ. અજ્ઞાની માનવો વર્ણ ને જાતિના ભેદોમાં અટવાય જાય છે ને પોતાની જાતનું અવમૂલ્યાંકન કરે છે. પોતાના સ્વરૂપને ભૂલી જઈને વર્ણ ને જાતિના ભેદોમાંથી ઉભા થયેલાં અનેક વિધ દુઃખોમાં પોતે નાશ પામે છે. સમજુ માણસો વર્ણ ને જાતિના ભેદોને ઓગાળી નાંખે છે. પોતે સમજે છે કે વર્ણ ને જાતિ માનવોએ જ બનાવી છે. કુદરતે તે સર્વના શરીરમાં એક જ પ્રકારનું લોહી બનાવ્યું છે ને એક જ માતાના ગર્ભ દ્વારાથી જ જન્મ લે છે. ખરેખર જે ખોટી વાતો છે તેને તેઓ માનતા જ નથી અને તેવી વાતો મિથ્યા કરનારાનાં ફંદામાં પણ નથી. કબીર સાહેબની આ સત્ય વાત કોણ સમજી શકશે ?  મિથ્યા વાતોને મહત્વ આપી પાગલ થઈ જનાર કેવી રીતે સમજી શકશે ?

૪.  વર્ણ ને જાતિના ભેદો મનાવે નિરર્થક ઉભા કર્યા છે. આવવા જવાનો સૌનો રસ્તો તો એક જ છે અને સૌની અંદર લાલ લોહી જ વહે છે પછી કોણ બ્રાહ્મણ ને કોણ શૂદ્ર ? ઉપનિષદમાં પણ યાજ્ઞવલ્ક્ય પોતાની પત્ની ગાર્ગીને સમજાવવા કહે છે કે જે જીવ પોતાના સ્વરૂપને સમજ્યા ને જાણ્યા વિના જાય છે તે કૃષ્ણ (શૂદ્ર) ગણાય છે ને બરાબર સમજીને જાય છે તે બ્રાહ્મણ ગણાય છે. (બૃહ-૩-૨/૧૧) માટે વર્ણ ને જાતિનાં ભેદોને ખોટા મનવા જોઇએ. જન્મથી કોઈ બ્રાહ્મણ નથી ને કોઈ શૂદ્ર નથી. જન્મથી કોઈ હિન્દુ નથી ને કોઈ મુસલમાન નથી. જન્મ્યા પછી સંસ્કાર પ્રમાણે જનોઈ પહેરી બ્રાહ્મણ તરીકે કોઈ પોતાની જાતને ખપાવે છે તેથી તે સાચો બ્રાહ્મણ થઈ શકતો નથી. ગર્ભમાંથી સુન્નત કરાવીને કોઈ મુસલમાન જન્મ લે છે ખરો ?

૫.  ભલો માણસ તે જ  ગણાય કે જે ખોટી વાતોને ગણકારે નહીં અને પોતાના સ્વરૂપને સમજવા પ્રયત્ન કરે. ડાહ્યા માણસો કદી પણ પોતાની જાતને હિન્દુ કે મુસલમાનના બનાવટી ભેદોથી રંગતા નથી.