કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧અસ જુલહાકા મરમ નજાના, જિન્હ જગ આનિ પસારિન્હિતાના
મહિ અકાસ દોઉ ગાડ ખદાયા, ચાંદ સુરજ દોઉ નરી બનાયા - ૧
સહસ તાર લે પૂરનિ પૂરી, અજહુ બિનબ કઠિન હૈ દૂરી
કહંહિ કબીર કરમ સે જોરી, સૂત-કુસૂત બિનૈ ભલ ૨કોરી - ૨
સમજૂતી
એવા (ઈશ્વરરૂપી) વણકરનું રહસ્ય કોઈએ જાણ્યું નથી કે જેણે જગતમાં આવીને (માયારૂપી) તાણો ફેલાવી દીધો છે અને જેણે ધરતી અને આકાશ રૂપી બે ખાડાઓ ખોદાવી રાખ્યા છે તથા ચંદ્ર અને સુરજરૂપી બે નરી બનાવી છે. - ૧
હજારો તાર લઈને ભરણી પૂરી કરે છે છતાં વણવાનું કાર્ય કઠીન હોવાથી હજીયે પૂર્ણ થયું નથી. કબીર કહે છે કે શુભ તથા અશુભ કર્મોના તારને જોડી વણકર સારી રીતે વણ્યા જ કરે છે. - ૨
૧. આ પહેલા ૨૬મી રમૈનીમાં કબીર સાહેબે સૃષ્ટિની રચનાનું રહસ્ય સમજાવવા કુંભાર અને માટીના રૂપકનો ઉપયોગ કર્યો છે. બ્રહ્મા રૂપી કુંભારે પ્રકૃતિ રૂપી માટીમાંથી અનેક આકારોનું સર્જન કર્યું અને તે તે આકારોમાં ચેતન સ્વરૂપે ઈશ્વર પોતે પ્રવેશ પામ્યા અને જીવસૃષ્ટિની રચનાને ગતિશીલ બનાવી. ઉપનિષદમાં પણ એવી જ સમજણ આપવામાં આવી છે.
“ત્ચ્છુષ્ટવા તદેવાનું પ્રાવિશત્” અર્થાત જીવસૃષ્ટિ કરીને બ્રહમ પોતે અંદર પ્રવેશીને રહ્યા. પરંતુ આ અંગે કોઇને જાણ થઇ નહીં. પ્રથમ બે રમૈનીમાં સ્પષ્ટ રીતે કબીર સાહેબે કહ્યું કે બ્રહ્મ, વિષ્ણુને મહેશને પણ સૃષ્ટિ કોણે રચી, કેવી રીતે રચી ને ક્યારે રચી તેનું ભાન રહ્યું નહીં. ઋગ્વેદમાં જણાવ્યું છે કે
“ક અધ્ધા વેદ, ક ઈહ પ્રવોચત્, કૃત આજાત:, કૃત ઈયં સૃષ્ટિ:” વિગેરે (૧૦/૧૧/૧૨૬/૬)
અર્થાત્ આ સૃષ્ટિ કોણે કરી તે જાણી શકે છે ? અને જાણી શકે તો કોણ તેનું વર્ણન કરી શકે છે ? સૃષ્ટિ રચનાનું આ પ્રકારનું રહસ્ય અગમ્ય ગણાયું છે. તે રહસ્યને કબીર સાહેબ અહીં માર્મિક રીતે સમજાવવા માટે બે રૂપકોનો ઉપયોગ કરે છે. કુંભાર અને માટીના રૂપકને ૨૬મી રમૈનીમાં સમજાવ્યા પછી આ રમૈનીમાં વણકર, તાણા-વાણા તથા વણાટ કરનારા યંત્રને ખ્યાલમાં રાખી કબીર સાહેબે સૃષ્ટિ રચનાના રહસ્યને સરળતાથી સમજાવવા પ્રયત્ન કર્યો છે.
કબીર સાહેબના સમયે કપડાં વીણનારી કોમને “જુલાહા” તથા “કોરી” કહેવામાં આવતી હતી. તેથી તે બંને શબ્દોનો ઉપયોગ આ રમૈનીમાં કરવામાં આવ્યો છે. ઈશ્વર રૂપી વણકર આ શરીર રૂપી ચાદર વણ્યા જ કરે છે. માયાનો અથવા તો પ્રકૃતિનો તાણો ને વાણો બનાવીને શુભ-અશુભ કર્મ પ્રમાણે તેનું વણાટ કામ કર્યા કરે છે. વણાટ કરનારા યંત્રને ચલવવા માટે બે ખાડાની જરૂર હોય છે તેથી ધરતી અને આકાશના બે ખાડાઓ બનાવી રાખ્યા છે. જેના પર તાર વીંટવામાં આવે છે તે નલી તો ચંદ્ર અને સુરજની બનાવી છે. આ રીતે એક વિરાટ યંત્ર દ્વારા ઈશ્વર રૂપી વણકર આ સૃષ્ટિની રચનાનું કાર્ય સનાતન કાળથી કર્યા જ કરે છે. હજી પણ તે પૂર્ણ થયું નથી ! આ યંત્ર, યંત્રનો ચલવનારને વપરાતી સામગ્રી ગુપ્ત હોવાથી સૌ તે માટે અગમ્ય છે.
૨. “જુલહા” તથા “કોરી” શબ્દોનો ઉપયોગ રૂપકને અનુરૂપ કર્યો છે. દષ્ટાંત આપી સમજાવવાની રીત હોય છે. ખરેખર કબીર સાહેબ કોળી જુલાહા જાતિના હતા એવી કલ્પના આ રૂપકને આધારે ન કરી શકાય. કેટલાક વિદ્વાનોએ એવી કલ્પના કરીને કબીર સાહેબની જાતિ નક્કી કરવા પ્રયત્ન કર્યા છે તે યોગ્ય ન ગણાય. કવિ કે લેખક દષ્ટાંતનો ઉપયોગ પોતાની અભિવ્યક્તિને વધારે વિશદ ને સચોટ બનાવવા માટે કરે તેથી તે દષ્ટાંત કે તેમાં વપરાયલા શબ્દો તેની જીવન કથાના અંશો છે એવી કલ્પના કેવી રીતે કરી શકાય ?
આ રમૈનીને અંતે સાખી જણાતી નથી. કબીર સાહેબે તો લખી જ હશે. પરંતુ ઉતારો કરનારા લહિયાઓની શરત યુકને કારણે સાખી અદશ્ય છે. આ રીતે ૩૨, ૪૨, ૫૬, ૬૨, ૭૦ સુને ૮૧ રમૈનીમાં પણ સાખી જણાતી નથી.
Add comment