Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બજાહુતે ત્રિને ખિનમેં હોઈ, ત્રિન તે બજા કરૈ પુનિ સોઈ
નિઝરુ-નિરૂ જાનિ પરિહરિયા, કરમક બાંધલ લાલચ કરિયા  - ૧

કરમ ધરમ મતિ બુદ્ધિ પરિહરિયા, જૂઠ નામ સાંચ લૈ ધરિયા
રજ ગતિ ત્રિવિધ કીન્હ પર ગાસા, કરમ ધરમ બુદ્ધિ કેર બિનાસા  - ૨

રવિકે ઉદય તારા ભૌ છિના, ચર-બીહર દોનૌમેં લીના
વિષકે ખાયે વિષ નહીં જાવૈ, ગારુડ સો જો મરત જિયાવૈ  - ૩

સાખી :  અલખ જો લાગી પલક મોં, પલક હિ મેં ડસિ જાય
          વિષહર મંત્ર ન માનહિ, ગારુડ કાહ કરાય ?

સમજૂતી

વજ્ર જેવું કઠણ (મન) ક્ષણમાં તૃણ જેવું કોમળ બની જાય છે અને તૃણ જેવું કોમળ (મન) ક્ષણવારમાં વળી પાછું વજ્ર જેવું કઠણ થઈ જાય છે. સ્વર્ગ સુખની લાલચમાં તેવું મન કર્મના દોરડે બંધાયલું રહે છે. ઝરણાંનાં પાણીના પ્રવાહના જેવું તે અસ્થિર હોય છે. તેથી સમજીને (યોગીઓ) તેનો નિરોધ કરે છે.  - ૧

જ્યારે તેવા અસ્થિર મનમાં મગ્ન રહેનારા લોકો કર્મ ધર્મ વિષયક વિવેક બુદ્ધિનો ત્યાગ કરી જે મિથ્યા છે તેને સત્ય માનવાની ચેષ્ટા કરે છે. રજો ગુણ તે મનને ત્રણે લોકમાં ઉચીનીચી ગતિ કરાવે એવું જણાય છે. ખરેખર કર્મ-ધર્મ વિષયક વિવેક બુદ્ધિનો વિનાશ થઈ ગયો હોય છે !  - ૨

સૂર્યના ઉદયથી તારાઓનું તેજ ક્ષીણ થઈ જાય છે. જડ અને ચેતન બંનેમાં વ્યાપક પણે રહેલ પરમાત્મ તત્વનો અનુભવ થાય છે. ખરેખર ઝેર ખાવાથી ઝેર જતું નથી. સાચો ગારુડી તે જ કહેવાય કે જે મરેલાને જીવતદાન આપે.  - ૩

સાખી :  જાગૃતિ અવસ્થામાં ન દેખાતું મન આંખોમાં રહેતું હોય છે તેથી ક્ષણવારમાં તે જીવને ડસી જતું હોય છે. ઝેર ઉતારવાના મંત્રમાં (જીવને) શ્રદ્ધા જ ન હોય તો ઝેર ઉતારવાવાળો ગારુડી પણ શું કરે ?

૧.  સત્વગુણનો જ્યારે મન પર પ્રભાવ હોય છે ત્યારે મન ખૂબ આનંદિત હોય છે ત્યારે મન ખૂબ કોમળ બની જાય છે. બીજાનું દુઃખ પણ તે જોઈ ન શકે એવું થઈ જાય છે. તે દશામાં તે દયાના ભાવથી દ્રવિત બની જાય છે. પરંતુ જો મન પર તમો ગુણનો પ્રભાવ હોય ત્યારે તે જડ જેવું કઠણ બની જાય છે. ત્યારે તેનામાં દયા ઉપજતી નથી. તે ક્રુર બની જાય છે . આ રીતે મનની અવસ્થા સતત બદલાતી રહે છે કારણ કે તે ચંચળ છે.

૨.  ઝરણાનું પાણી ચલાયમાન છે. એક સ્થળે સ્થિર રહી શકે નહીં. એનો સ્વભાવ વહેવાનો છે. તેવી જ રીતે મનનો સ્વભાવ પણ ચંચળ છે, અસ્થિર છે. તેવા મન વડે ઉત્થાન થઈ શકે નહીં. સાચી ઉત્ક્રાંતિ થઈ શકે નહીં. તેવા પ્રકારની સમાજ હોવાથી સંતો મનને સ્થિર બનાવવા પ્રયત્ન કરે છે. સ્થિર મન વડે જ પરમાત્મ દર્શનની શક્યતા નિર્માણ થાય છે. ક્ષણ ક્ષણ વિચાર કરવાનો અથવા તો સંકલ્પ વિકલ્પ કરવાનો મનનો સ્વભાવ જુદી જુદી દિશાઓમાં માનવને ભટકાવે છે અને એની શક્તિનો દુર્વ્યય કરાવે છે. તેથી ઉત્થાન માટે સ્થિરતા અનિવાર્ય છે.

૩.  અસ્થિર મન સારા નરસાનો ખ્યાલ યથાયોગ્ય સમયે કરી શકતું નથી. મનમાં જાગેલાં તરંગોથી તે ઘસડાયા કરે છે ને વ્યથિત બને છે. છતાં પણ તેવી સ્થિતિને તે સત્ય જ માને છે. તેથી મિથ્યા પ્રવૃત્તિમાં વ્યય થતી માનવની શક્તિનો બચાવ કરી શકાતો નથી.

૪.  વ્યય થતી શક્તિનો બચાવ ત્યારે જ કરી શકાય કે જ્યારે સમજ પ્રગટે. સમમ્યક પ્રકારનું જ્ઞાન પ્રગટે.  વિવેક જ્ઞાન જાગૃત થાય એટલે મન સત્ય તરફ જ અભિમુખ રહેવા પ્રયત્ન કરે છે એવી અનુભવી મહાપુરૂષોનિ વાણી છે. મિથ્યા પ્રવૃત્તિઓમાં ચંચળ મન શ્રમિત બને છે, થાકી જાય છે ત્યારે તેને જો માર્ગદર્શન મળે તો મન પોતાની દિશા બદલવા તૈયાર બની જાય છે. મન પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને તેને જ આપણો યોગ પણ કહીએ છીએ.

૫.  વાસના ભોગવ્યેથી તૃપ્ત થતી નથી. જેમ જેમ ભોગવવામાં આવે તેમ તેમ તે તો વધતી જ રહે છે. વાસના એકમાંથી અનેક રૂપો ધારણ કરતી રહે છે ને જીવ તેને પ્રાપ્ત કરવામાં સમસ્ત જીવન વેડફી નાંખે છે. છતાં પણ તેને સંતોષ થતો નથી. છેવટે તો અતૃપ્તિનો જ અનુભવ થાય છે. માટે વાસનાના ઝેરમાંથી મુક્ત થવું હોય તો રામ નામનો મંત્ર નિરંતર જપવાની જરૂર છે. રામ નામના નિરંતર સ્મરણથી એક દિવસ ચંચળ મન સ્થિર બની જાય છે ને સત્યનો સાક્ષાત્કાર થાય છે.

૬.  કહેવત છે કે દેખ્યાનું ઝેર ન દેખાય ત્યાં સુધી મનમાં શાંતિ. જેવું દેખાય તેવી મનમાં અશાંતિ. એટલે જાગૃતિ અવસ્થામાં મનનો નિવાસ નજરમાં હોય છે એવું કબીર સાહેબ સૂચવે છે. વિષયી પદાર્થો દેખાતો ન હોય ત્યાં સુધી મન શાંતિનો અનુભવ કરે છે. જેવો તે પદાર્થ દેખાય તેવું જ મન અશાંતિ અનુભવે છે. તે પદાર્થોને મેળવવાની ઝંખનામાં વ્યસ્ત બને છે. ન મળે ત્યાં સુધી જંપ વળતો નથી. મન આ રીતે જીવને ડંસતું હોય છે. એના ઝેરનો નશો જીવને એવો ચઢે છે કે કદી પણ સત્યનું દર્શન થઈ શકતું નથી.

૭.  સત્યના દર્શન કરવાની ઈચ્છા જાગે તો જ સત્પુરુષોનાં વચનોમાં શ્રદ્ધા કે વિશ્વાસ જાગે છે. શ્રદ્ધા જાગ્યા પછી જ મન ધીમે ધીમે સ્થિરતા ધારણ કરે છે. કોઈ ગુરૂના શરણે બેસી જવાની તે તૈયારી કરી દે છે. મનની તેવી સારી અવસ્થામાં ગુરૂ બીજારોપણ કરે છે ને આખરે માનવ સારું ફળ પ્રાપ્ત કરે છે. ગારુડી એટલે ઝેર ઉતારવાવાળો ગુરૂ. તે ગુરૂ શિષ્યને તેની શ્રદ્ધા અનુસાર ને સ્વભાવ અનુસાર મંત્ર આપે છે. તે મંત્રના રટણથી મનની અવસ્થામાં પરિવર્તન આવે છે.