Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સુમ્રિતિ આહિ ગુનન કો ચીન્હા, પાપ પુન્ન કો મારગ કીન્હા
સુમ્રિતિ બેદ પઢૈ અસરારા, પાખંડ રુપ કરૈ હંકારા  - ૧

પઢૈ બેદ ઔ કરૈ બડાઈ, સંસયગાંઠિ અજહુ નહિ જાઈ
પઢિ કે શાસ્ત્ર જીવ વધ કરઈ, મૂંડિ કાટિ અગમન કે ધરઈ  - ૨

સાખી :  કહંહિ કબીર પાખંડ તે, બહુતક જીવ સતાય
          અનુભવ ભાવ ન દરસઈ, જિયત ન આપુ લખાય

સમજૂતી

સ્મૃતિ વિગેરે શાસ્ત્રગ્રંથોમાં ગુણોનું વર્ણન કર્યું છે અને તે આધારે પાપપુણ્યનો માર્ગ બતાવ્યો છે. પાંખડી લોકો તે શાસ્ત્રગ્રંથોને નિરંતર વાંચ્યા કરે છે અને અહંકારમાં મસ્ત રહે છે.  - ૧

તેઓ વેદોને વાંચે છે અને બડાઈ માર્યા કરે છે એટલું જ. તેઓના મનમાં સંશયરૂપી ગાંઠ નાશ પામી નથી હોતી !  તેઓ તો એક તરફ શાસ્ત્ર વાંચે છે ને બીજી તરફ જીવ હિંસા કરે છે. તેઓ માથું કાપીને દેવની સામે ધરી દે છે.  - ૨

સાખી :  કબીર કહે છે તેવા પાખંડી લોકો અનેક જીવોની હત્યા કરતા હોય છે. જીવતા જીવતા તેઓએ આત્માને જાણ્યો નથી હોત તેથી તેઓમાં આત્મભાવનાં દર્શન થતાં નથી.

૧.  શાસ્ત્રગ્રંથો બે પ્રકારના છે. શ્રુતિગ્રંથો ને સ્મૃતિ ગ્રંથો. ચાર વેદોની ગણતરી શ્રુતિગ્રંથોમાં અને ઉપનિષદોની ગણતરી સ્મૃતિ ગ્રંથોમાં ગણવામાં આવે છે. ઋષિઓને પરાવાણી સાક્ષાત સંભળાયલી સમાધી દશામાં અને તે વાણીને ગ્રંથસ્થ કરવામાં આવી ચારવેદોમાં તેથી તેને શ્રુતિગ્રંથો કહ્યા. તે પરાવાણીની યાદ જાગતાં ફરીથી તેના પર જે વિચાર વિમર્શ થયો તે સ્મૃતિગ્રંથો કહેવાયા. સ્મૃતિગ્રંથોમાં સત્ય, રજને તમ એ ત્રણ ગુણોના પ્રભાવ વેશે સારા પ્રમાણમાં ચિંતન થયું છે. શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં પણ કહ્યું છે કે “ત્રૈગુણ્યાવિષયા વેદા” અર્થાત્ વેદોમાં ત્રણે ગુણોને લક્ષમાં રાખીને ચર્ચા વિચારણા થઈ છે.

૨.  મધ્યયુગમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. વેદોનું જ્ઞાન બ્રાહ્મણ વર્ગ સિવાય બીજાને ભાગ્યે જ થતું. કારણ કે લોકોનો મોટો વર્ગ અભણ રહેતો. બધી ભાષા બ્રાહ્મણો સિવાય કોઈ જાણતું નહીં. તેથી બ્રાહ્મણ લોકો ગર્વથી પોતાની જાતને ઊંચી માનતા ને મનાવતા. તેઓ શ્રતિ-સ્મૃતિના ગ્રંથોનો અભ્યાસ કરીને પંડિત જરૂર થતાં પરંતુ આચરણમાં કશું જ દેખાતું નહીં. ચંચલ ચિત્તમાં જે સંશયોની ગ્રંથીઓ બંધાયલી રહેતી તેનું છેદન તો થતું જ નહીં. તેનો આત્મ વિકાસ થતો જ નહીં. તેઓ જન્મે બ્રાહ્મણ ભલે ગણાવે પણ કર્મે તો શૂદ્રથી પણ અધમ કોટિના હતા.

૩.  જીવ હિંસા પોતે કરતા ને બીજા પાસે કરાવતા. દેવીને બલિ ચઢાવવાની પ્રથા તેઓની ધંધાકીય હોંશિયારીમાંથી ઉદ્દભવેલી એવું વિદ્વાનો માને છે. ભોળા લોકોને મનોરથો પૂર્ણ કરવા તેઓ જીવહિંસાની સસ્તી રીતો બતાવતા પરિણામે તેઓ તાજામાજા થઇને રહેતા અને ભોળા અજ્ઞાન લોકોને ધર્મનું આચરણ કર્યાનો સંતોષ થતો. એ કારણે આત્મિક વિકાસ ન તો બ્રાહ્મણોનો થતો કે ન તો અન્ય પ્રજાનો થતો. દેવને કે દેવીને બલિ ચઢાવવાની પ્રથા તે સમયથી બંગાળ, બિહાર ને ઓરિસ્સા જેવા રાજ્યોમાં ખૂબ ફાલી ફૂલી હતી. આજે પણ તે ચાલુ રહી છે તેની કોણ ના કહી શકશે ?

૪.  “અનુભવ-ભાવ” એટલે અનુભવ થયા પછી જ આત્મા પ્રત્યે ભાવના જાગે છે તે. સાધકને આત્માનો બૌદ્ધિક પરિચય થયા પછી સ્હેજે તેનામાં આત્મ શ્રદ્ધા જાગે છે. આત્મા ભાવના કર્યા કરે તો તેને અનેક વિધિ અનુભવો પણ થતા રહે છે. અનુભવોથી આત્મભાવ દઢ બને છે. ધીમે ધીમે દેહભાવ ઓછો થતો જાય છે. એ રીતે આંતરિક વિકાસની યાત્રા સત્વ ગુણમાં સ્થિર બનેલા સાધકની ચાલ્યા કરતી હોય છે. એક દિવસ મનની એવી ઊંચી અવસ્થા પર તે સ્થિર થઈ શકે છે કે જેને કારણે ભૂતમાત્રમાં સર્વ સ્થળે ને સર્વ સમયે તે સાધકને આત્મ તત્વનાં દર્શન થાય છે. શ્રીમદ્દ શંકરાચાર્ય અન બ્રહ્મમયી દષ્ટિ કરીને સાધક પોતાની આંતરિક વિકાસની યાત્રા પરિપૂર્ણ કરે છે એવું “વિવેકચૂડાયણિ”  ગ્રંથમાં જણાવે છે. પરંતુ જે સત્વમાં સ્થિર થાય તેને “અનુભવ ભાવ” જાગૃત થતો હોય છે. ન થાય તેને આત્મવિચાર પણ થતો નથી. માત્ર શાસ્ત્ર ગ્રંથના વાંચન-મનનથી શું વળે ?  ને ખરેખર આત્મવિકાસ જેનો થતો હોય છે તેને જીવવધની પ્રવૃત્તિ કેવી રીતે ગમે ?  તે દેવ-દેવીના બાહ્ય પુજાના વમળમાં શા માટે બદ્ધ બાની રહે ?  તે બાહ્યાચારમાં રમમાણ થતો પણ નથી ને બાહ્યાચારથી છેતરાતો પણ નથી. બાહ્યચારના પાખંડને તે જાહેર રીતે વખોડે છે ને હિમંતથી પોતાનો આત્મવિકાસ ચાલુ રાખે છે. જો બ્રાહ્મણો શ્રીમદ્ શંકરાચાર્ય કહે તે પ્રમાણે પોતાની દષ્ટિ બ્રહ્મમયી કરી શકતા હોય તો જીવ વધ કરીને માથું દેવીના ચરણે મૂકવાનો પ્રસંગ ઊભો થાય જ નહિ !  મધ્યયુગમાં બ્રાહ્મણો તે રીતે વર્ત્યા જણાતા નથી તેથી કબીર સાહેબે આ રમૈનીમાં બાહ્યચારમાં રમમાણ રહેલા પંડિતવર્ગની આકરી ટીકા કરી છે.