કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બેદકી પુત્રી હૈ ૧સ્મ્રિતિ ભાઈ, સો જેવરિ કર તેતહિ આઈ
આપુહિ બરિ આપુન ગર બંધા, જૂંઠા મોહ કાલ કો ફંદા - ૧
બંધા બંધવત છોરિ ન જાઈ, ૨વિષયરૂપ ભૂલી દુનિયાઈ
હમરે લખત સકલ જગ લુટા, દાસ કબીર ૩રામ કહી છૂટા - ૨
સાખી : રામહિ રામ પુકારતે, ૪જીભ્યા પરિગો રૌંસ
૫સૂધા જલ પીવે નહીં ખોદિ પિયન કો હૌંસ
સમજૂતી
સ્મૃતિ (ગ્રંથો) તો વેદોની પુત્રી છે અને હે ભાઈઓ, તે તો હાથમાં (સકામ) કર્મો રૂપી દોરડું હાથમાં લઈને જ આવી છે ! સ્વયં પોતે સકામ કર્મોનો સ્વીકાર કરીને પોતાના ગળામાં તે દોરડું ભેરવી દે છે, સકામ કર્મો મોહ જન્ય હોવાથી સમય જતાં બંધનરૂપ થઈ જાય છે. - ૧
(જીવ) સકામ કર્મોના બંધનમાં બંધાતા બંધાય જાય છે પરતું પછી તો તેમાંથી છૂટી શકાતું નથી. સકામ કર્મોના વિષયોમાં આખી દૂનિયા ભુલી પડી છે. મારી હાજરીમાં આખું જગત લુંટાઈ રહ્યું છે. કબીર કહે છે કે માત્ર હું જ રામ સ્મરણથી છુટી શક્યો છું. - ૨
સાખી : (સકામ કર્મવાદીઓ) રામ રામ પુકારીને થાકી જાય છે અને જીભ પર આંટણ પડી જાય છે છતાં છુટી શકતા નથી. શુદ્ધ ગંગાજલ પીવાને બદલે કૂવો ખોદીને શુદ્ધ જલની પ્રાપ્તિની ઝંખના કરે છે.
૧. સ્મૃતિ ગ્રંથો વેદોને અનુસરે છે તેથી તેની ઉત્પત્તિ વેદમાંથી જ થયેલી એવું માની શકાય. શ્રુતિ હોય કે સ્મૃતિ હોય માત્ર કર્મકાંડને જ મહત્વ આપવામાં આવે છે ત્યારે જીવ સકામ કર્મોની ઉપાસનામાં સહેલાઈથી ડૂબી જાય છે. તેથી ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યું કે
ત્રિગુણાત્મક છે વેદ તો ગુણાતીત તું થા,
દ્વંદ્વરહિત ને શુદ્ધ ને જ્ઞાની યોગી થા. (સરળ ગીતા અ-૨)
કારણ કે
વેદવાદમાં રત થયા કામી ચંચલ લોક,
જન્મમરણ ફળ આપતાં કર્મ કરે છે કોક.
સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ
ભોગવાસનાથી ગણે ઉત્તમ કૈ ના આન.
ભોગ મહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના મન કદી યે તેનું. (સરળ ગીતા)
અર્થાત્ કર્મકાંડનાં વિભાગમાં જણાવેલા નિયમો આખરે સાધકને વિષય ભોગ તરફ જ ખેંચી જાય છે. સ્વર્ગ સુખની પ્રાપ્તિની ઝંખનામાં જીવને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. દુર્લભ માનવ દેહનો સદુપયોગ કરવાને બદલે તે માત્ર ભોગમાં જ ડૂબી જાય છે. ભોગરત મનમાં અનેક કામનાઓ જાગતી જ રહે છે. અને તેની પ્રાપ્તિમાં તે સદા રમમાણ રહે છે. તેથી કહ્યું કે
યોગવૃત્તિ તો હોય છે એક લક્ષવાળી
યોગહીન બુદ્ધિ ઘણા હોય ધ્યેયવાળી
સમાધિમાં જોડવા માટે એક જ ધ્યેયવાળી બુદ્ધિની આવશ્યકતા ઉભી થાય છે. મોક્ષનું એક જ ધ્યેય અથવા પરમાત્મ તત્વની પ્રાપ્તિનું એક જ લક્ષ હોવું જરૂરી છે. અનેક ધ્યેયમાં મન વિભાજિત થઈ જાય તો સિદ્ધિ હાંસલ કરી શકે નહીં તે એક હકીકત છે.
૨. મુંડક ઉપનિષદ્દમાં બે પ્રકારની વિદ્યા ગણાવી છે. પરા અને અપરા. વેદો, છંદ, નિરૂક્ત, જ્યોતિષ વેગીરે શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતી વિદ્યાને અપરા વિદ્યા કહી છે. જ્યારે પરા વિદ્યા તો તેને જ ગણાવી શકાય છે કે જેના દ્વારા પરમાત્મ તત્વનો જ બોધ થાય. જીવના કલ્યાણમાં માત્ર અક્ષરજ્ઞાન પૂરતું ન ગણાય. અંતરનો વિકાસ સાથે સાથે થવો જરૂરી છે. સદ્દગુણોની વૃદ્ધિથી જીવે તપવું પડે છે, ખમવું પડે છે. અપરા વિદ્યામાં જીવ પારંગત ભલે હોય પણ તેનું મન જ્યાં સુધી નિર્વિષયી ન બને ત્યાં સુધી પરા વિદ્યાની તેને ઝાંખી પણ થતી નથી. વિષયોના ભોગમાં આખી દુનિયા ઉંધે રસ્તે જઈ રહી છે તેની ચેતવણી અહીં આપવામાં આવી છે.
૩. મનને નિષ્કામ બનાવી, નિર્વિષયી બનાવી, રામ નામના સ્મરણમાં મન ડૂબેલું રાખવાથી પરમાત્મ પ્રાપ્તિનું એક જ ધ્યેય સિદ્ધ થાય છે તે કબીર સાહેબ અનુભવને આધારે અહીં કહી રહ્યા છે.
૪. જેનું મન નિષ્કામ બન્યું નથી પરંતુ સકામ જ રહ્યું હોય તેવો જીવ આખું જીવન રામ સ્મરણ કર્યા કરે તો પણ તેનું કલ્યાણ થતું નથી. તેની જીભ ભલે રામ રામ રટ્યા કરે પણ તેનું મન વિષયોમાં જ ડૂબેલું રહે છે તેથી રામની પ્રાપ્તિ થતી નથી. પોપટને જેમ રામ બોલવાની ટેવ પડી જાય છે તેમ તેવા જીવને રામ રામ કહેવાની ટેવ પડી ગઈ હોય છે.
૫. “સુધા જલ” એટેલ શુદ્ધ ગંગાજલ પ્રત્યેક શરીરમાં આતમરામ છે જ છતાં તેની ખોજ કરવાને બદલે વિષયી જીવ તીર્થોમાં કે મંદિરોમાં શોધે તે કેવું ગણાય ? પોતાની પાસે વહેતા ગંગા જલને છોડીને કૂવો ખોદી ગંગાજલ પીવાની મહેનત કરનારા જેવું કબીર સાહેબ ગણાવે છે.
Add comment