કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પઢિ પઢિ ૧પંડિત કરૂ ચતુરાઇ, ૨નિજ મુક્તિ મોહિ કહહુ બુઝાઇ
૩કહં બસૈ પુરુષ કવન સો ગાંઉ, પંડિત મોહિ સુનાવહુ નાંઉ - ૧
ચારિ બેડ બ્રહ્મૈ નિજ ઠાના, ૪મુક્તિક મરમ ઉનહું નહિ જાના
૫દાન-પુન્ન ઉન બહુત બખાના, અપને મરન કી ખબરિ ન જાના - ૨
એક નામ હૈ અગમ ગભીરા, તહંવા અસ્થિર દાસ કબીરા - ૩
સાખી : ૬ચિઉંટિં ના જહેં ચઢિ સકૈ, ૭રાઇ ના ઠહરાય
૮આવા ગમનકી ગમ નહીં, ૯તહેં સકલૌ જગજાય
સમજૂતી
હે પંડિતો ! તમે (અપરા વિદ્યાને) વાંચી વાંચીને પોતાની ચતુરાઈ જણાવી રહ્યા છો તો મને કહો તો ખરા કે તમારી પોતાની મુક્તિ ક્યારે થશે ? જેની તમે ઉપાસના કરો છો તે પુરૂષ ક્યાં વસે છે ? તે સ્થળનું નામ શું ? હે પંડિતો તેનું નામ તો સંભળાવો ! - ૧
ચારે વેદોને બ્રહ્માજીએ પોતાની રીતે સ્થાપ્યા પરંતુ મુક્તિનો મર્મ તો તેમણે પણ જાણ્યો નથી. દાન પુણ્યના ખુબ વખાણ કર્યા પણ તેમણે પોતાના મરણનો ખ્યાલ પણ કર્યો નહીં. - ૨
એક નામ અગમ્ય છે ગંભીર છે ત્યાં દાસ થઈને કબીર સ્થિર થયો છે. - ૩
સાખી : જ્યાં કીડી ચઢી શકતી નથી ને રાઈનો દાણો ઠરી શકતો નથી અને જન્મ મરણનું કોઇને જ્ઞાન નથી ત્યાં આખું જગત ગતિ કરી રહ્યું છે.
૧. અપરા વિદ્યામાં પારંગત લોકો પોતાને પંડિત ગણાવે છે અને જુદી જુદી દલીલો કરીને હોંશિયારી પ્રગટ કરે છે. પરંતુ ખરેખર તેઓ હોંશિયાર હોતા નથી.
૨. તેઓને મુક્તિ ક્યારે મળે ? કેવી રીતે મળે ? તેની પણ ખબર હોતી નથી. મરણ પછી જ મુક્તિના ભ્રમમાં તેઓ પોતાનું જીવન વેડફી દે છે.
૩. તેઓ જે દેવદેવીઓની ઉપાસના કરે છે તેનો પણ તેઓને સાચો ખ્યાલ હોતો નથી. તે દેવ ક્યાં વસે છે ને તેના ગામનું નામ શું તે તેઓ સમજાવી શકતા નથી.
૪. ચારે વેદોને ફરીથી બ્રહ્માજીએ સ્થાપ્યાં પણ બ્રહ્માજીને પણ સાચી મુક્તિનું રહસ્ય સમજાયું નહિ. તેમણે દાન પુણ્યની ઘણી બધી વાતો વર્ણવી પણ તેનું ફળ ક્યારે મળે ? મરણ પછી મળે તો મરણ પછી શું થાય છે. તેની તેઓને ખબર છે ? ખરેખર તો જીવન જીવતા જ મુક્તિ પ્રાપ્ત કરી લેવી જોઇએ. જીવન મુક્ત દશા જ સાચી અવસ્થા છે. પંડિતોએ ફાલતું વાતોમાં વધારે રાસ લઈ તેના સિદ્ધાંતોનું ખંડન મંડન કરવામાં જ પોતાની ચતુરતાનો ઉપયોગ કર્યો પણ પરમાત્મ તત્વનો સાચો બોધ તો પ્રાપ્ત કર્યો જ નહીં.
૫. દાન-પૂણ્યના ખૂબ વખાણ કર્યા એટલે પાપોનું ખંડન કર્યું ને પૂણ્યનું મંડન કર્યું. પાપ પૂણ્યોની ભ્રામક જાળ પાથરીને પંડિતોએ પોતાની હોંશિયારી પ્રગટ કરી. ખરેખર, સદ્દગુણોની વૃદ્ધિ તરફ, આંતરિક તરફ લાક્ષ આપ્યું નહીં અને મરણ પછી મુક્તિ મળે છે એવા ભ્રમમાં જીવન પૂર્ણ કર્યું. મરણ શા માટે થાય છે અથવા તો જન્મ મરણ કેવી રીતે થાય છે તેની સૂઝ તેમને પ્રગટી નહીં.
૬. ચિઉટિ એટલે કીડી. મનના પ્રતીક તરીકે કીડીને ગણવી.
૭. રાઇને બુદ્ધિના પ્રતીક તરીકે ગણવી.
૮. આવા ગમન એટલે જન્મ મરણ. જન્મ અને મરણનો ચકરાવો કેવી રીતે થયા કરે છે તેની જાણકારી તેઓને (પંડિતોની) નથી. જો હોત તો સ્વર્ગ નરકની વાતો ના કરત. સકામ ઉપાસનાનો માર્ગ બતાવત નહીં. તેઓએ સ્થાપિત કરેલા સિદ્ધાંતો પરથી લાગે છે કે તેઓને સમ્યક પ્રકારની જ્ઞાનની ઉપલબ્ધિ થઈ ન હોતી.
૯. પ્રલય કાળે સર્વ સંસારીઓ જ્યાં વિશ્રામ લે છે તે સ્થળ. થોડો વિશ્રામ લઇ ફરીથી જન્મ લે છે અને પોતાની વાસના પ્રમાણે ગતિ કરે છે. આમ અજ્ઞાન અવસ્થામાં એક સરખી ગતિ થયા કરે છે. ઉપનિષદ્દ પણ જણાવે છે કે સર્વા: પ્રજા: અહરહ: ગચ્છન્ત્ય એતં બ્રહ્મલોકમા જાય છે પરંતુ બ્રહ્મને ન જાણતા હોવાથી પાછા જન્મ ધારણ કરે છે.
જ્યાં મન પહોંચી શકતું નથી, બુદ્ધિ જેનું માપ કરી શકતી નથી તેવા પરમાત્મા તત્વની જાણકારી વિના જન્મ મરણના ચકરવામાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. માટે પંડિતોએ ચતુરાઈ છોડી પોતાની બુદ્ધિને પરમાત્મ તત્વના એક ધ્યેયવાળી જ બનાવવી જોઇએ.
Add comment