Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પંડિત ભૂલે પઢિ ગુનિ વેદા, આપુ અપનપૌ જાનુ ન ભેદા
સંજા તરપન ઔર ષટ કરમા, ઈ બહુરુપ કરહિં અસધરમા  - ૧

ગાયત્રી જુગ ચારિ પઢાઈ, પૂછહુ જાય મુકતિ કિનપાઇ ?
અવર કે છિયે લેત હૌ સીંચા, તુમતે કહહુ કવન હૈ નીચા ?  - ૨

ઇ ગુન ગરબ કરૌ અધિકાઈ, અધિકે ગરબ ન હોઈ ભલાઈ
જાસુ નામ હૈ ગરબ પ્રહારી, સા કસ ગરબહિં સકૈ સહારી  - ૩

સાખી :  કુલ મરજાદા ખોય કે, ખોજિનિ પદ નિરબાન
          અંકુર બીજ નસાય કે, ભયે વિદેહી થાન

સમજૂતી

પંડિત લોકો વેદો વાંચી વિચારીને પણ ખોટે માર્ગે છે. તેઓ પોતાના સ્વરૂપનું રહસ્ય જાણી શક્યા નથી. સંધ્યા, તર્પણ તથા છ પ્રકારના કર્મો અને બીજાં અનેક ધાર્મિક ક્રિયાઓ તેઓ ભલે કર્યા કરતાં હોય !  - ૧

તેઓ ચાર યુગથી ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો પણ જઈને પૂછો કે મુક્તિ પ્રાપ્ત કરી છે ખરી ?  બીજાને સ્પર્શ થઈ જતાં પોતાના પર પાણીનો છંટકાવ કરનારા હે પંડિતો, તમારાથી અધિક નીચા બીજા કોણ હોય શકે ?  - ૨

એવા વર્ણજાતિના ગુણોનું અભિમાન વધારે પડતું કરો છો પણ વધારે અભિમાન કરવાથી કોઈનું કલ્યાણ થતું નથી. જે અભિમાનનો નાશ કરનારા પરમાત્મા છે તે તમારું અભિમાન કેવી રીતે સહન કરી શકશે ?  - ૩

સાખી :  જેણે જાતિ અને કુળનું અભિમાન છોડીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પદનું સંશોધન કર્યું છે તે જ સંસારના કારણભુત વાસનાના બીજાં કુરોનો નાશ કરી જીવતા જીવત વેદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે.

૧.  બ્રાહ્મણો સંસ્કૃત શીખી શકતા અને અન્યને ભણાવી શકતા. તેઓ પોતાની જાતને પંડિત ગણાવી સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતાં. તેવા પંડિત વર્ગને અનુલક્ષીને કબીર સાહેબે આ રમૈનીમાં તેઓની મિથ્યા પ્રવૃત્તિઓની આલોચના કરી છે. વેદો ભણી ગણીને તેઓ પંડિત બની જતાં પણ કર્મથી તેઓ નીચ જ રહેતા. માંસ ભક્ષણાદિમાં રત રહી તેઓ જીવ હિંસાને પ્રોત્સાહન આપતા.

૨.  માત્ર પુસ્તિક્યા જ્ઞાનથી આત્માનું કલ્યાણ થતું નથી. દુર્ગુણોમાંથી મુક્ત બની સત્ય ગુણમાં સ્થિર થયા વિના કલ્યાણ પંથે આગળ વધી શકાતું નથી. પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર એ કલ્યાણ પંથની આખરી મંઝિલ ગણાય. પંડિત લોકો સમાજમાં મોટા ગણાતા પણ ખાનગી જીવનમાં દુરાચારી હતા. દુર્ગુણોમાં કાયમ રહેવું તેમને ગમતું. તેથી તેઓમાં પણ વિકાસ થતો નહીં અને પરિણામે તેઓને પોતાના સ્વરૂપનો પરિચય પણ થતો નહીં. કબીર સાહેબ આત્મ જ્ઞાનને જ મહત્વ આપે છે તે આ પદમાં વધુ સ્પષ્ટ થાય છે.

૩.  દરેક મનુષ્યે છ પ્રકારના કર્મો નિત્ય નિયમ તરીકે કરવા જોઇએ એવું પંડિત લોકો ભણાવતા. સ્નાન, સંધ્યા, પૂજા, તર્પણ, જપ અને હોમહવન. વેદો ભણવા ને ભણાવવા, ધન લેવું ને દાન આપવું તથા યજ્ઞ કરવો ને કરાવવો એ પ્રકારના કર્મોનું પણ મહત્વ ગણાતું. આ પ્રકારે પંડિતો બહ્યાચારનો મહિમા ગાતા રહેતા અને મદમાં ચકચૂર બની પતન પામતા.

૪. બ્રાહ્મણ વર્ગમાં ગાયત્રી મંત્રનો જપ નિયમિત રીતે થયા કરતો. પરંતુ તે પણ બહ્યાચારમાં જ ખપી જતો. પથ્થર પાણીમાં નિત્ય સ્નાન કર્યા કરે છતાં પણ પોચો તો થાય જ નહીં. તેમ બાહ્યાચારથી બ્રાહ્મણ વર્ગમાં ગુણ વિકાસ થતો નહીં. બહ્યાચારના અભિમાનમાં બ્રાહ્મણવર્ગ ગળાડૂબ રહેતો હોવાથી મુક્તિથી તે વંચિત રહેતો. ગુણ વિકાસ થયા વિના મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

૫.  પંડિત વર્ગે છૂતાછૂતની ભાવના સમાજમાં દૃઢ બનાવી હતી. શુદ્ર જાતિનો માણસ બ્રાહ્મણને અડી શકતો નહીં. જો ભૂલે ચૂકે સ્પર્શ થઈ જતો તો તે બ્રાહ્મણ પોતાના શરીર પર પાણી છાંટી પોતાની જાતને શુદ્ધ કરી લેવા પ્રયત્ન કરતો. છૂતાછૂતની આવી ભાવનાથી હિન્દુ સમાજ એકતા કેવી રીતે સ્થાપી શકે ?  મુસલમાનોનાં હાથમાં સત્તા હોવાથી હિન્દુ સમાજમાં એકતાની ખૂબ અનિવાર્યતા હતી. તેથી કબીર સાહેબ વારંવાર હિન્દુ સમાજની આ ત્રુટીઓ પર પ્રહાર કરે છે અને એકતા નિર્માણ થાય તેવી ભૂમિકા રચવા પ્રયત્નશીલ બને છે.

૬. મુક્તિ બે પ્રકારની-વિદેહ મુક્તિ ને જીવન મુક્તિ. મરણ પછી જે મુક્તિ મળે તેને વિદેહ મુક્તિ કહેવામાં આવે છે. પરંતુ સત્પુરૂષો વેદેહમુક્તિને મહત્વ આપતા નથી. મર્યા પછી મુક્તિ મળે છે કે મેક તેની શી ખાતરી ?  એના કરતાં જીવતાં જીવતાં મુક્તિ પ્રાપ્ત કરવી તે ઉત્તમ. જીવતાં જીવત મુક્તિ પ્રાપ્ત કરવી તેને જીવન મુક્તિ કહે છે. દરેક મનુષ્યે સદ્દગુણોની વૃદ્ધિ કરી પોતાના સ્વરૂપનો પરિચય કરી લેવો જરૂરી ગણાવો જોઇએ. મરણ પછી મુક્તિ અપાવનારા ક્રિયાકાંડોમાં આસક્ત ન બનવું જોઇએ. તો જ વાસનાનો ક્ષય થઈ શકશે અને મુક્તિ પ્રાપ્ત કરી શકાશે.