કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
એક ૧સયાન સયાન ન હોઈ, દુસર સયાન ન જાને કોઈ
તિસર સયાન ૨સયાન હિ ખાઈ, ચૌથ સયાન ૩તહાં લે જાઈ - ૧
પંચયે સયાન ને જાનહુ કોઈ, છઠયે મા ૪સભ ગયલ બિગોઈ
સતયે સયાન જો જાનહુ ભાઈ, લોક ૫વેદમેં દેહુ દિખાઈ - ૨
સાખી : ૬બીજક બિત બતાવઈ જો બિત ગુપ્તા હોઈ
શબ્દ બતાવૈ જીવકો બૂઝે બિરલા કોઈ
સમજૂતી
જ્ઞાનની એક ભૂમિકાથી કોઈ જ્ઞાની થઈ શકતું નથી. જ્ઞાનની બીજી ભૂમિકાનો તેવા અજ્ઞાની લોકોને ખ્યાલ હોતો નથી. ત્રીજી ભૂમિકામાં જ્ઞાન ખવાય જાય છે અને ચોથી ભૂમિકા આત્મા તરફ લઈ જાય છે. - ૧
પાંચમી ભૂમિકાનું જ્ઞાન તો કોઈકને જ હોય છે. છઠ્ઠી ભૂમિકામાં તો સર્વે પદાર્થોનો નાશ થઈ જાય છે. સાતમી ભૂમિકા જાણતા હો તો હે ભાઈ, વેદમાં બતાવેલું રહસ્ય બતાવી દો. - ૨
સાખી : જે ધન ગુપ્ત હોય છે તેને સાંકેતિક લેખ બતાવી દે છે તે રીતે કબીરની આ વાણી જીવાત્માને આત્માનું ધન બતાવી દે છે તેનો ખ્યાલ બહુ ઓછા માણસને છે.
૧. જ્ઞાનની સાત ભૂમિકાઓનો અહીં ઉલ્લેખ કર્યો છે. આગલી રમૈનીમા સાતે ભૂમિકાને સમજાવવામાં આવી છે.
૨. જ્ઞાનને ખાય જવું એટલે જ્ઞાનનું સ્વરૂપ બદલાઈ જવું. તનુ માનસાએ જ્ઞાનની ત્રીજી ભૂમિકા ગણાય છે. જેમ જેમ સાધક તપશ્ચર્યા વડે ઉત્તરોત્તર વિકાસ કરતો જાય છે તેમ તેમ મન પાતળું બનતું જાય છે. અર્થાત્ તેવા મનમાં કામનાઓ કે ઈચ્છાઓ ભાગ્યે જ ઉદ્દભવે છે. ઈશ્વરના મિલનની ઝંખના સિવાય તવા મનમાં કશું જ જાગતું નથી હોતું. ઈશ્વર પ્રત્યે અથવા આત્મસ્વરૂપ પ્રત્યે અપાર પ્રેમ જાગી ગયો હોવાથી દર્શનની જ અભિલાષા હોય છે. દર્શન કર્યા વિના મને ચેન પડતું નથી હોતું. ભક્તિનું એ ઉત્કષ્ટ સ્વરૂપ જાગે ત્યારે સમજવું જ્ઞાનનું જે સ્થુળ સ્વરૂપ હતું તે પરિવર્તન પામ્યું અને ઉદાત્ત સ્વરૂપે પ્રવાહિત થવા લાગ્યું. ઉદાત્ત મનમાં મોહિતી સભર જ્ઞાનનો લેશ માત્ર પણ મોહ રહેતો નથી.
૩. ત્યાં લઈ જાય છે. એટલે જે મંઝિલે જવાનું નક્કી થયું છે તે મંઝિલે લઈ જાય છે. આધ્યાત્મિક ક્ષેત્રની મંઝિલ આત્મસાક્ષાત્કાર ગણાય છે. ઉદાત્ત મન સત્વમાં સ્થિર બને પછી આત્મદર્શન તરફ જ તેની ગતિ રહે છે.
૪. જ્ઞાનની છઠ્ઠી ભૂમિકામાં મનની અવસ્થા અદ્દભુત પ્રકારની થઈ જાય છે. પૃથ્વીનાં પાર્થિવ પદાર્થો તો જેવા છે તેવા જ રહે છે પણ મનની એવી અદ્દભુત અવસ્થા થઈ જાય છે ત્યારે તે સર્વે પદાર્થો જાણે કે નથી એવો અનુભવ થાય છે. મન એટલું બધું આત્મદર્શનમાં એકાગ્ર બની જાય છે કે પોતાની આસપાસની તમામ દુનિયા તેને માટે નહિવત્ બની જાય છે. અથવા તો મનમાં દુનિયાનો સ્હેજ પણ પ્રભાવ અનુભવાતો નથી. મનની બહારની દુનિયા પોતાનો પ્રભાવ પાથરતી રહે પણ મનની ઊંચી અવસ્થામાં દુનિયાનો અભાવ થઈ જાય છે. મતલબ કે માયાનો પ્રભાવ તેવી વ્યક્તિ પર થતો નથી. બલકે માયા તેની દાસી બનીને સેવા કરતી થઈ જાય છે.
૫. મનની ઊંચી અવસ્થાની વાત અથવા તો જ્ઞાનની અદ્દભુત અવસ્થાનું વર્ણન વેદોમાં કરવામાં આવ્યું છે તે રહસ્યાત્મક હોવાથી સર્વને સમજાતું નથી. સોહમ્ અથવા તત્ ત્વમ અસિ વિગેરે શબ્દોમાં જ્ઞાનનું રહસ્ય જણાવ્યું છે પણ તે બધાથી અવગત થતું નથી. બધાં તેને કેવી રીતે સમજી શકે ? જે સાધના કરી હોય, સદ્દગુરૂનો સહારો પ્રાપ્ત કર્યો હોય અને તપશ્નયાના બળે એક પછી એક શિખરો સર કરતો જતો હોય તેને જ વેદના રહસ્યાત્મક શબ્દો કે વાક્યો સંપૂર્ણ પણે સમજાય છે.
૬. બીજક શબ્દની વ્યાખ્યા અહીં કબીર સાહેબે કાવ્યાત્મક રીતે કરી છે. ધરતીમાં સોનુ ગુપ્ત પણે રહ્યું છે તે યંત્રોની સાંકેતિક લિપિ ઉકલી શકે અને ધરતીમાં છૂપાયેલું સુવર્ણ શોધી શકે. માહિતી જ્ઞાન અને પુરૂષાર્થ બંને એ માટે અનિવાર્ય બની જાય છે. બીજક એવા પ્રકારનો એક ગ્રંથ છે કે જેમાં સાંકેતિક શબ્દો દ્વારા આત્મતત્વના અખૂટ ધનને બતાવ્યું છે. પણ કોણ જોઈ શકે ? કોણ જાણી શકે ? કોણ સમજી શકે ? વિરલ પુરૂષો જ જોઈ શકે છે ને સમજી શકે છે. જેણે સદ્દગુરૂનું શરણ લીધું હોય, સર્વ સમર્પણ ભાવથી તપશ્ચર્યા કરી હોય તેવી વ્યક્તિને બીજકનું મૂલ્ય સમજાય છે. તેવી વ્યક્તિ પોતાના સ્વાનુભાવે રહી શકે છે કે બીજક એવો એક સાંકેતિક ગ્રંથ છે કે જેના અભ્યાસથી સાધકને આત્મતત્વનો સહેલાઈથી પરિચય થઈ શકે છે. આ વ્યાખ્યા બીજક ગ્રંથના હેતુને પણ ધ્વનિત કરે છે. આ ગ્રંથની રચના પાછળ કબીર સાહેબનો કોઈ લૌકિક આશય નહોતો. માત્ર આત્મ વિદ્યાનો પ્રચાર થાય તે જ એક હેતુ હતો. તેથી શાસ્ત્રગ્રંથોની આડ વાતોના આવરણોને હટાવીને બીજક ગ્રંથમાં આત્મતત્વની સીધી રજૂઆત કરવામાં આવી છે.