કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
યહ વિધિ કહઉં કહા નહિ માના, ૧મારગમાંહિ પસારિનિ તાના
રાતિ દિવસ મિલિ જોરિન્હિ તાગા, ૨ઓંટત કાતત ભરન ન ભાગા - ૧
ભરમૈ સભ જગ રહા સમાઈ, ભરમ છાંડિ કતહું નહિ જાઈ
પરય ન પૂરિ, દિન હું દિન છીના, જહાં જાય તહાં ૩અંગ બિહૂના - ૨
૪જો મત આદિ અંત ચલિ આયા, સો મત ઉન સભ પ્રગટ સુનાયા - ૩
સાખી : ૫વહ સંદેશ કુર માની કૈ, લીન્હેઉ શીશ ચઢાય
સંતો હૈ સંતોષ સુખ, રહહુ તો હૃદય જુદાય
સમજૂતી
આવી રીતે હું કહું છું પણ મારું તો કોઈ માનતું જ નથી. સંસારરૂપી માર્ગમાં સૌ કોઈ કામનાઓના તાણા પ્રસાર્યા જ કરે છે અને તેને રાત દિવસ (મોહના) વાણા સાથે જોડ્યા જ કરે છે. કપાસનું રૂ બનાવી તેઓ કાંત્યા કરે છે છતાં તેઓનો ભરમ ભાંગ્યો નથી. - ૧
આખું જગત આવાં ભ્રમમાં જીવે છે. ભ્રમમાંથી કોઈ મુક્ત થવા રાજી નથી. મનોકામના પૂર્ણ થતી નથી અને આયુષ્ય ક્ષીણ થતું જાય છે. જ્યાં જાય છે ત્યાં તેઓ આધાર વિનાના થઈ જાય છે. - ૨
જે મત પહેલેથી ચાલી આવ્યો છે તે મેં તેઓ સર્વને પ્રગટ થઈને સંભળાવી દીધો છે. - ૩
સાખી : હે સંતો ! તે સંદેશ સત્ય માનીને તમે જો શિરોધાર્ય કરી લો તો સંતોષરૂપી સુખથી તમારું કલ્યાણ થશે.
૧. જીવ સંસારમાં જન્મ લે છે. જેમ જેમ વય વધતી જાય છે તેમ તેમ જગત પ્રત્યેની, સંસારના સંબંધો પ્રત્યેની સભાનતા વધતી જાય છે. ‘મારું તારું’ની માંગણી વધતી જાય છે. તે કારણે કામનાઓ, ઈચ્છાઓ પાર વિનાની જાગે છે ને તેની પ્રાપ્તિમાં તે પોતાનું સમસ્ત જીવન વ્યતીત કરે છે. આ ભાવ વ્યક્ત કરવા કબીર સાહેબ વણકરના ધંધામાં તાણા ને વાણાના રૂપકથી સકામ કર્મોની ઉપાસનાનો નિર્દેશ કરે છે.
૨. “ઓંટત કાતત”ના શબ્દના પ્રયોગથી કબીર સાહેબ જુદી જુદી વિધિઓની જાળમાં જીવ ફસાતો જાય છે તેનો નિર્દેશ કરે છે. જો મારી આ મનોકામના પૂર્ણ થશે તો હે દેવ તને સો શ્રીફળ ચઢાવીશ ! મનોકામના પૂર્ણ થાય તો બ્રાહ્મણોને બોલાવી વિધિસર સો શ્રીફળ ચઢાવે છે. જો કોઈ કહે કે અગિયાર કુમળાં બાળકોને બલિ તરીકે ચઢાવશે તો તારી આ મનોકામના પૂર્ણ થશે તો ઘેલછામાં તે જીવહિંસા પણ કરે છે. કપાસમાંથી રૂ જુદુ પાડી તેને પીંજી, તેને કાંતી સૂતર બનાવવામાં આવે છે. તે સૂતરના તાર એક મેક સાથે જોડી વણકર કપડું વણે છે. તેવી રીતે જીવ કામનાઓથી પ્રેરાઈને અનેક પ્રકારના સારા નરસા કર્મો કરે છે અને સફળતા નિષ્ફળતા પ્રમાણે સુખદુઃખ ભોગવી આ જગતમાંથી વિદાય લઈ લે છે. તેમાંથી તેનો છૂટકારો થતો નથી. પોતેએ જે કરવાનું છે તે કરી શકતો નથી અને કામનાઓની તૃપ્તિ અર્થે જ સમસ્ત જીવન વેડફી નાંખે છે. આ રીતે જીવ ફરી ફરી મારે છે ને ફરી ફરી જન્મે છે. કોઈ અંત જ નથી. ત્યારે જ છૂટકારો થઈ શકે કે જ્યારે સદ્દગુરુનાં ઉપદેશથી અંતર જાગી જાય ને વિવેક પ્રગટે.
૩. જ્યાં જ્યાં જાય એટેલ કે જ્યાં જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ત્યાં તે તેવા જ પ્રકારની કરમની જાલ ગૂંથતો રહે છે. અંતકાળે કામનાઓની અતૃપ્તિ તેમના બીજા જન્મની કર્મજાળની ભૂમિકા બને છે. સકામ કર્મોની ઉપાસનામાં તે એટલો બધો મગ્ન બની જાય છે કે તેને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતો જ નથી. પોતાનું જે નિજી આત્મસ્વરૂપ છે તે તો ખરેખર એનો આધાર છે. પરંતુ તેની વિસ્મૃતિ થઈ જવાથી તે આધાર વિનાનો બની જાય છે.
૪. સનાતન કાળથી આવી જન્મ મરણની પ્રક્રિયાઓ ચાલ્યા જ કરે છે. સમયે સમયે સત્પુરુષોએ પ્રગટ થઈને એમાંથી મુક્ત કેવી રીતે થવાય તેનું માર્ગદર્શન આપ્યા જ કર્યું છે. તે જ રીતે કબીર સાહેબે પણ મધ્ય યુગમાં પ્રગટ થઈને તેવું જ માર્ગદર્શન આપ્યું છે. પરંતુ લોકો તેવું માર્ગદર્શન લક્ષમાં લેતાં નથી તે એક હકીકત છે.
૫. સત્પુરુષોનો સંદેશ જમાને જમાને લોકો એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાંખે છે. માત્ર થોડા જાગૃત લોકો તેના પર ચિંતન-મનન કરવા પ્રેરાઈ છે. જગત તેને સંતો કહે છે. તેવા અલ્પ વર્ગને સંબોધીને કબીર સાહેબ પોતાનો સંદેશ ફરીથી આપે છે. સંતોષ ત્યારે જ થશે જ્યારે હૃદયમાં સદ્દગુરુનો સદુપદેશ ઉતરશે. મનમાં પેદા થતી કામનાઓ પર અંકુશ આવશે. ધીમે ધેમે મન અંતર્મુખ થતું જશે. જગતના વિષય પદાર્થોમાંથી હટતું જશે. કામનાઓ ઓછી થશે. સંતોષ ઉદ્દભવશે. ત્યારે જ સુખ શાંતિનો અનુભવ થશે અને મનને આત્મમાં જોડી શકાશે. એ રીતે જ જીવનું કલ્યાણ થઈ શકે. પરંતુ આજે આપણે એકવીસમી સદીમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સંતોષ કોને છે ? અસંતોષની જવાળા તો ભડકે બળે છે ને દઝાડે છે. નવી નવી શોધો અસંતોષમાંથી જ પેદા થઈ છે તેથી અસંતોષનો મહિમા કરવામાં આવ્યો છે. તેથી તંગદિલી એટલી બધી વધી ગઈ છે કે જગના સર્વનાશનો ભય પેદા થયો છે. શું કબીર સાહેબનો સંદેશો આ સંદર્ભમાં આજે પણ અગત્યનો ન ગણાય ?
Add comment