Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અંબુકિ રાસિ સમુદ્રકી ખાઇ, રવિ સસિ કોટિ તેંતિસ ભાઈ
ભંવર જાલમેં આસન માંડા, ચાહત સુખ દુઃખ સંગન છાંડા  - ૧

દુઃખકા મરમ ન કાહુ પાયા, બહુત ભાંતિ કે જગ ભરમાયા
આપુહિ બાઉર આપુ સયાના, હૃદય બસૈ તેહિ રામ ન જાના  - ૨

સાખી :  તેઈ હરિ તેઈ ઠાકુર તેઈ હરિ કે દાસ
          ના જમ ભયા ન જામિની, ભામિની ચલી ઉદાસ

સમજૂતી

પાણીનો વિશાળ જથ્થો જેમ સમુદ્રની ખીણમાં પુરાઈ રહે છે તેમ સૂર્ય ચંદ્ર અને તેત્રીસ કરોડ દેવતાઓ સંસારરૂપી ખાઈમાં પડી રહે છે. હે ભાઈઓ, અજ્ઞાની લોકો સંસારના વમળોમાં સુખની ઈચ્છાથી પોતાનું સ્થાન જમાવે છે પરંતુ દુઃખ તેમનો પીછો છોડતું નથી.  - ૧

છતાંય દુઃખનું રહસ્ય તો કોઈએ જાણ્યું જ નથી. આખું જગત અનેક પ્રકારની ભ્રાંતિઓથી ભરમતું રહે છે. ખરેખર જીવમાત્ર પોતે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. સર્વના હૃદયમાં રહેલા અંતર્યામી રામને કોઈ જાણતું નથી.  - ૨

સાખી :  તે જ હરિ છે, તે જ  સ્વામી છે ને તે જ હરિનો દાસ પણ છે. (એવું જાણ્યા પછી) યમરાજનો ભય પણ રહેતો નથી અને અજ્ઞાનની અંધારી રાત પણ રહેતી નથી. આખરે માયારૂપી સ્ત્રી નિરાશ થઈ પાછી ફરે છે.

૧.  સૂર્ય, ચંદ્ર વિગેરે તેત્રીસ કરોડ દેવતાઓની કલ્પના પુરાણોમાં કરવામાં આવી છે. દેવલોકો પણ ભોગવિલાસમાં જ રહેતા હોય છે. માનવોની જેમ તેઓને પણ સંસાર ભોગવવાની ઈચ્છા થતી હોય છે. તેથી દેવલોકો માનવો કરતાં ચઢિયાતા નથી.

૨.  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ દુર્ભાવો વમળો જેવા ગણાય. સાગરમાં એવા વમળો ઘુમરડી મારતા ફરતા હોય છે. તેમાં તરનારો સાવચેત ન રહે તો તેને ડુબાડી દે છે. તેથી આ સંસાર રૂપી સમુદ્રમાં સતત ધૂમતા રહેતા કામ, ક્રોધાદિ વમળોથી સંસાર પાર કરવા ઈચ્છતા જીવોએ સાવધાન બની જવું જોઈએ. એથી ઉલટું એ વમળોમાં જ સંસારીઓ સુખ મળશે એવી ઈચ્છાથી પોતાનો અડ્ડો જમાવે છે તે એક મોટું આશ્ચર્ય છે.

૩.  માનવ માત્ર સુખની ઈચ્છાથી તમામ પ્રવૃત્તિઓનો પ્રારંભ કરતો હોય છે. પરંતુ તે એવા સાધનો પકડે છે કે જેના દ્વારા પીડા જ પ્રાપ્ત થાય છે. કાયમ દુઃખના દરિયામાં જ ડૂબેલા રહે છે.

૪.  સુખ શું ને દુઃખ શું તે કોઈ જાણતું નથી. એકને જે સુખરૂપ લાગે છે તે બીજાને દુઃખરૂપ લાગે છે. ગમતી વસ્તુ મળે તો સુખ ને અણગમતી વસ્તુ મળે તો દુઃખ. આ રીતે સુખ ને દુઃખ સંસારમાં રહેલાં છે, બહાર નહીં. વળી પ્રત્યેક માનવની સુખદુઃખની વ્યાખ્યા પણ જુદી જુદી. તેથી સુખદુઃખ આત્મલક્ષી ગણાય. સુખદુઃખનું રહસ્ય જાણનાર કોઈ પણ પ્રકારની ભ્રાંતિથી ભરમાતો નથી. તેથી કબીર સાહેબે એક સાખીમાં કહ્યું કે

મન કી હારે હાર હૈ, મન કી જીતે જીત

અર્થાત્ જે મનને કેળવી શકે છે, મન પર જે સંયમ સ્થાપી શકે છે તે આ જગતની બાજી જીતીને જાય છે અને જે સંયમ સ્થાપી શકતો નથી તે બાજી હારીને જાય છે.

૫.  હૃદયમાં રહેલાં અંતર્યામી રામને જે જાણે છે તે જ્ઞાની અને જે જાણતો જ નથી તે અજ્ઞાની. એવી અવસ્થા માટે માનવ પોતે જ જવાબદાર ગણાય છે. જે ક્ષણે પડદો હટી જાય તે ક્ષણે જ્ઞાન સ્વયંભૂ અંતરમાંથી જ પેદા થાય છે ને રામની અનુભૂતિ થઈ જાય છે. પડદાઓ મન દ્વારા ઊભા થયેલાં હોય છે. તે માટે માનવ પોતે જ જવાબદાર છે. પોતે આ શરીર છે ને નાશવંત છે એવું માને છે ત્યાં સુધી તે અજ્ઞાનની અવસ્થામાં સંસારના વમળોમાં ધુમરાતો રહે છે ને ડૂબી જાય છે. પોતે શરીર નથી પણ આત્મા છે એવી અનુભૂતિ થાય તો તે અમર બની જાય છે.

૬.  ગીતા પણ કહે છે કે

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે,
તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે.

આ રીતે જો પોતાના સ્વરૂપનો પરિચય થઈ જાય તો આત્મા જ સર્વ દુઃખોને હરનારો હરિ છે, ત્રણે ભુવનનો શાસક સ્વામી છે એવો સ્હેજે અનુભવ થાય છે. હનુમાને પોતાની ઓળખ રામને એ જ રીતે આપી હતી. જે તમે છો તે જ હું છું એમાં બે મત નથી. પરંતુ હું તમારો ભક્ત છું તેથી તમારો દાસ પણ છું.

૭.  કોઈ સ્ત્રી પુરૂષને ફસાવવા વાયદા પ્રમાણે હાજર થઈ જાય પણ એણે ધારેલું તેવું વર્તન તે પુરૂષ ન આચરે અને એના ફંદામાં ન ફસાય તો તે સ્ત્રી નિરાશ થઈને પાછી વળે છે તેવી રીતે માયા જીવને ફસાવવા આ જગતમાં વિચરે છે પણ આત્મારામનો પરિચય થઈ જવાથી જીવ માયાના ફંદામાં ફસાતો નથી અને આખરે માયા પણ નિરાશ થઈને પાછી વળે છે.