કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જબ ૧હમ રહલ નહિ કોઈ, ૨હમરે માંહ રહલ સભ કોઈ
કહહુ રામ કવન ૩તોરિ સેવા, સો સમુજાય કહહુ મોહિ દેવા - ૧
ફુર ફુર કહઉં મારુ સભ કોઈ, જૂઠહિ જૂઠા સંગતિ હોઈ
૪આંધર કહઈ સભૈ હમ દેખા, તહં દિઢિયાર બૈઠિ મુખ પેખા - ૨
યહિ વિધિ કહઉં માનુજો કોઈ, ૫જસ મુખ તસ જો હૃદયા હોઈ
કહંહિ કબીર હંસ મુસકાઈ, ૬હમરે કહલે છુટિ કહો ભાઈ - ૩
સમજૂતી
(સૃષ્ટિની ઉત્પતિ પહેલા) જ્યારે હું હતો ત્યારે બીજું કોઈ ન હતું. મારામાં જ સર્વ કાંઈ સમાયલું હતું. હે રામ ! મને સમજાવીને કહો કે ત્યારે તમારી કેવા પ્રકારની સેવા હતી ? - ૧
જેમ જેમ હું સત્ય કહું છું તેમ તેમ બધા મને મારવા દોડે છે. ખરેખર જુઠાની સાથે જુઠાનો મેળ બેસી જતો હોય છે. આંધળો કહે છે કે હું બધું જોઈ રહ્યો છું ત્યારે દૃષ્ટિવાળો બેસીને એનું મોઢું જોઈને વિચાર કરે છે કે આ શું કહી રહ્યો છે ! - ૨
જેવું મોંઢાથી બોલે તેવું આચરણ કરે તો હું આ જ પ્રમાણે સત્ય કહેવા તૈયાર છું. કબીર પ્રસન્ન થઈ કહે છે કે હે જિજ્ઞાસુ લોકો અમારું કહેલું માનશો તો તમોને જરૂર મુક્તિ મળશે. - ૩
૧. “હમ” શબ્દ આત્મા માટે કબીર સાહેબે પ્રયોજ્યો છે. સૃષ્ટિની રચના થઈ તે પહેલાં આત્મા સિવાય કશું જ ન હતું એવું ઉપનિષદ્દનું પણ વચન છે :
આત્મા વા ઈદમેક એવાગ્ર આસીત્ |
નાન્યત્ કિંચનમિષત્ ||
કબીર સાહેબ આત્મ તત્વને આગલી રમૈનીના સંદર્ભમાં યાદ કરે છે. હૃદયમાં જે રામ છે તે જ તો આત્મતત્વ છે. તે જ તત્વ સૃષ્ટિના પ્રારંભમાં હતું.
૨. જો આત્મા જ એકલો સૃષ્ટિના પ્રારંભે હોય તો પ્રશ્ન થશે બીજું બધું ક્યાં હતું ? તેથી કબીર સાહેબ કહે છે કે બધું આત્મામાં જ બીજરૂપે રહેલું હતું. જેમ જેમ સંજોગો ઊભા થતા ગયા તેમ તેમ જરૂરત પ્રમાણે તે બીજના અંકુરો ફૂટતા ગયા. મનુસ્મૃતિમાં પણ આ જ પ્રકારનો ઉલ્લેખ છે :
આત્મૈવ દેવતા: સર્વા: સર્વાત્માત્મન્યવસ્થિતમ્ |
અર્થાત્ બધું જ આત્મામાં બીજરૂપે રહેલું હતું.
૩. જો એક માત્ર દેવ આત્મા જ હોય તો આત્મા સિવાય શું હતું જ નહીં તે ! પ્રશ્ન થશે કે સેવ્ય સેવકભાવ આવ્યો ક્યાંથી ? દ્વૈતભાવ કેવી રીતે પેદા થયો ? કોણે કોની પૂજા કરી હતી ? જો આત્મા સિવાય બીજું કાંઈ જ ન હોય તો પ્રશ્ન ઉપસ્થિત જ ન થાય. બીજું કાંઈની કલ્પના કરવામાં આવે તો દ્વૈત પેદા થાય ને આતમરામની પૂજા કરનારો બીજો કોઈ દાસ બને. હનુમાને પોતાની ઓળખ આપતા જે કહેલું તે અહીં ફરીથી યાદ કરવાથી સમજાય જશે. ભગવાન રામને હનુમાન કહે છે આત્મભાવે તો તમારામાં ને મારામાં કશો જ ભેદ નથી. તમે જે છો તે જ હું છું. પરંતુ દેહભાવે હું તમારો દાસ છું. મતલબ કે મન દેહભાવમાં ગળાડૂબ રહે ત્યાં સુધી જુદાપણાનો અનુભવ થાય છે. આ દેહભાવ તો કલ્પિત જ ગણાય ને ? કલ્પનાથી જ જુદાપણાનો અનુભવ કરવો પડે છે.
૪. આંધળો માણસ કહે કે મેં બધું જોયું છે તો કોણ માને ? આંખ વિના તો દેખી શકાતું નથી એ સહુનો અનુભવ હોવાથી આંધળા માણસના વચનમાં કોણ શ્રદ્ધા રાખીને સાચું માને ? છતાં જગતમાં અજ્ઞાનરૂપી આંધળા સદ્દગુરૂના વચનોમાં અજ્ઞાનરૂપી આંધળા શિષ્યો વિશ્વાસ રાખી સત્ય માને છે અને તેથી જ તેઓ મુક્તિના સુખથી વંચિત રહી જાય છે. જે સત્ય કહે છે તેના તરફ લોકોને સ્હેજ પણ વિશ્વાસ નથી બલકે રોષ પણ હોય છે. તેવી વ્યક્તિને સજા પણ ભોગવવી પડે છે. ઈસુને ખીલા ઠોકી દેહાંત દંડની સજા થઈ હતી ! મન્સૂરને ફાંસીની સજા ભોગવવી પડી હતી ! મહાત્મા ગાંધીને ગોળી મારી ઠાર કરવામાં આવ્યા હતા !
૫. જેવું બોલે તેવું કરે નહીં તેથી આ જગતમાં અનેક પ્રકારના સમસ્યાઓ ઉભી થાય છે. વાણી અને વર્તનની એકવાક્યતા હોય તો જ સદુપદેશ ફાળે. નહીં તો સદુપદેશની હાંસી થાય. તેથી કબીર સાહેબ જિજ્ઞાસુ લોકોને ઉદ્દેશીને કહે છે કે જો તમે વાણી ને વર્તનની એકવાક્યતા કરવાના હો તો હું તમોને સત્યનો ઉપદેશ આપવા ખુશી છું.
૬. આમારું શું માનશો કાયમનો છૂટકારો મળશે એવી ખાતરી અહીં કબીર સાહેબ આપી રહ્યા છે. આપણે એકવીસમી સદીમાં પ્રેવેશ કરવાની તૈયારીમાં છીએ ત્યારે કબીર સાહેબની શરત સર્વનું કલ્યાણ કરી શકે એવી અવશ્ય લાગે છે. જેવું બોલે તેવું આચરવામાં આવે તો દગા ફટકા સિવાય બીજું શું બની શકે ? એકવીસમી સદીમાં માનવે સુખી થવું હોય તો વાણી ને વર્તન વચ્ચે એકતા રાખવી જ પડશે.
Add comment