કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બિનસૈ ૧નાગ ગરુડ બલિ જાઈ, બિનસૈ કપટી ઔ ૨સત ભાઈ
બિનસૈ પાપ પુન્ન જિન કીન્હા, બિનસૈ ગુન નિરગુન ૩જિન ચીન્હા - ૧
બિનસૈ અગનિ પવન અરુ પાની, બિનસૈ સિષ્ટિ કહાં લૌ ગનિ
૪બિસ્નુલોક બિનસૈ છિન માંહી, ૫હૌ દેખા પરલયકી છાંહી - ૨
સાખી : ૬મચ્છરુપ માયા ભઈ જવરહિં ખેલ અહેર
હરિહર બ્રહ્મ ન ઉબરે, સુરનર મુનિ કેહિ કેર
સમજૂતી
પાતાળલોકમાં શેષનાગને ગરુડ ગળી જતો હોવાથી તે પણ નાશ પામે છે. કપટ કરનારા હોય કે સત્યનું આચરણ કરનારા હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય સર્વ વિનાશી છે. સગુણ અને નિર્ગુણ પરમાત્માને જાણનારા પણ નાશ પામે છે. - ૧
અગ્નિ, પવન, અને પાણી જેવા મહાભૂતોનો પણ નાશ થાય છે. ક્યાં સુધી ગણાવું ? સમગ્ર સૃષ્ટિ વિનાશશીલ છે. વિષ્ણુલોકનો તો ક્ષણમાત્રમાં નાશ થાય છે. મેં તો પ્રલયની છાયા સર્વ પર ફેલાયલી જોઈ છે. - ૨
સાખી : મોટી માછલી નાની માછલીને ખાય છે તેમ માયા સર્વ જીવોની સાથે રહેતી હોવા છતાં જીવોને ખાય છે. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ પણ ઉગરી શકતા નથી તો દેવ, માનવ અને મુનિઓની તો ગણના જ શી ?
૧. માયાનો પ્રભાવ ત્રણે લોકમાં છે. મૃત્યુલોકની વાત આગલી રમૈનીનાં કરી આ રમૈનીમાં પાતાળલોકની અને વિષ્ણુલોકની ચર્ચા માયાના પ્રભાવની દષ્ટિએ કરી. શેષનાગ પાતાળવાસી થયો છતાં નષ્ટ થયો.
૨. અહીં “સંત”ને બદલે શત પાઠ પણ મળે છે. શત એટલે સો કૌરવો પણ સો ભાઈઓ ગણાતા હતા.
૩-૪. સતવાદી, કપટી, પાપી, પુણ્યશાળી કે પછી મહાન જ્ઞાની, સૌ કોઈ મૃત્યુને ભેટે છે. મૃત્યુ કોઈને છોડતું નથી. પાતાળમાં હોય કે સ્વર્ગમાં હોય, વિષ્ણુલોકમાં હોય, કે બ્રહ્મલોકમાં હોય, મૃત્યુ સર્વ માટે અનિવાર્ય ઘટના બની જાય છે. ગીતા પણ કહે છે,
બ્રહ્મલોકને લોક સૌ, બીજા કૈંક કહ્યા,
તેમાં જન્મ મરણ થતાં, તે ના અમર ગણ્યા. (સરળ ગીતા અ-૮)
જે દેહ ધરીને મરીને આવે છે તેને મૃત્યુનો દંડ ભરવો જ પડે છે એમ કબીર સાહેબે એક સાખીમાં પણ કહ્યું છે,
દેહ ધરે કા દંડ હૈ સબ કાહુ કા હોય
જ્ઞાન ભુગતૈ જ્ઞાન કરી, મુરખ ભુગતે રોય !
અર્થાત્ મૃત્યુ તો સારા નરસા સર્વનું થાય છે પરંતુ જ્ઞાની, મૃત્યુનો અનુભવ નિર્લેષ ભાવે કરે છે જ્યારે અજ્ઞાની રોદણાં રડીને કરે એટલો તફાવત રહે છે.
૫. વિષ્ણુલોકમાં જીવ લાંબા કાળ સુધી સુખેથી રહી શકે છે તેવી લોકમાન્યતાનું નિરસન કરવા માટે કબીર સાહેબ વિષ્ણુલોક એક ક્ષણમાં નાશ પામે છે એવું કહી રહ્યા છે.
૬. માયાના શિકારી જીવો અવિનાશી પદની પ્રાપ્તિ નથી કરી શકતા. માત્ર આત્માનો અનુરાગી જીવ અવિનાશી પદ મેળવી શકે છે એવું કબીર સાહેબે અગાઉ સિદ્ધ કર્યું છે.
માયાને કારણે જ ચિત્ર વિચિત્ર ઘટનાઓ બન્યા કરે છે. માયા જુદા જુદા રૂપો ધારણ કરીને સર્જન વિસર્જનની ક્રિયામાં પ્રવૃત્ત બને છે. આ માયા હરિની પોતાની ગણાય છે. તેથી જો માયાથી બચવું હોય તો હરિના શરણમાં જવાની જરૂર ચ છે. ગીતામાં ભગવાને જાહેર કર્યું જ છે કે
દૈવી હિ એષા મમ માયા દુરત્યથા
અર્થાત્ મારી માયા તરવી મુશ્કેલ છે. માયા કોઈને છોડતી જ નથી. પરંતુ જો હરિનું શરણ લેવામાં આવ્યું હોય તો માયાનું કંઈ ચાલતું નથી. માયાનો પ્રભાવ નહિવત્ થાય છે. પરિણામે જીવનો ઉદ્ધાર થઈ શકે છે. નહીં તો જીવ જીવને ખાય તે રીતે સર્જન વિસર્જનનું ચક્ર ચાલ્યા જ કરશે. આ માયાવી ચક્રમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા દેવો પણ ઉગરી શક્યા નહોતા તો સામાન્ય માણસનું તો ગજું જ શું ? તેથી હરિના શરણનું વિશેષ મહત્વ છે.