કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧માનિક પુરહિં કબીર બસેરી, મદ્દદતિ સુની ૨સેખતકી કેરી
ઉજો સુની ૩જવનપુર થાના, ૪ઝુંસી સુનિ પીરન કે નામા - ૧
એકઇસ પીર લીખે તેહિ કાના, ખતમા પઢૈ પૈગંબર નામા
સુનત બોલ મોહિ રહા ન જાઈ, દેખિ ૫મુકરબા રહા ભુલાઈ - ૨
નબી હબીબીકે જો કામા, જંહલૌ અમલ સબઈ હરામા - ૩
સાખી : સેખ અકર્દિ સકર્દિ તુમ, માનહુ વચન ૬હમાર
આદિ અંત ઔ જુગ જુગ, દેખહુ દિષ્ટિ પસાર
સમજૂતી
માનિકપુર શહેરમાં જ્યારે મેં થોડા સમય માટે વાસ કરેલો ત્યારે મુસલમાનોના ગુરૂ શેખતકીના ખૂબ વખાણ સાંભળેલા. જૌનપુર કન્દ્રમાં એ બધું સાંભળ્યું અને ઝૂંસી શહેરમાં પીરોના નામો સાંભળ્યા. - ૧
ત્યાં એકવીસ પીરોના નામો લખ્યા હતા અને તેની સામે બેસીને મુસલમાનો પૈગંબર નામ જેવા પવિત્ર પુસ્તકો વાંચીને પ્રાર્થના કરી રહ્યા હતા. એ સાંભળીને મારાથી રહેવાયું નહિ અને કહી દીધું કે હે મુસલમાનો ! તમે કબીરને જોઈને મૂળ તત્વને ભૂલી ગયા છો. - ૨
ખુદાના દૂત અને ખુદાના દોસ્તોનું એ કાર્ય છે એમ માનો છો તે પણ તમારી તમામ રીતો જોતાં તદ્દન ખોટું છે. - ૩
સાખી : હે અકરદી અને સકરદી નામા વાળા મુસલમાનોના ગુરૂઓ ! તમે મારી વાત માનો. તમે તમારી દૃષ્ટિને વિશાળ બનાવી યુગોથી આદિ ને અંતવાળા પરિવર્તનશીલ સંસારને સમજો. (તો જ તમારું આત્મ કલ્યાણ થશે.)
૧. પ્રસિદ્ધ તીર્થ પ્રયાગની પાસે ચિત્રકૂટ જવાના રસ્તામાં માનિકપૂર આવેલું છે. કબીર સાહેબે તે શહેરમાં થોડા સમય માટે વાસ કર્યો હતો. ઉત્તર ભારતના મુખ્ય મુખ્ય મથકોએ કબીર સાહેબે પ્રવાસ કરેલો તેની આ એક વધુ સાબિતી.
૨. શેખતકી સિકંદર લોદીના ગુરૂ ગણાતા હતા. કબીર સાહેબ તે જ સમયે માનિકપૂર તરફ ગયેલા. ત્યાં શેખતકી સાથે કબીર સાહેબનો સત્સંગ થયેલો તે આ પદ પુરાવો આવે છે.
૩-૪. જવનપુર અથવા યવનપુર અથવા જૌનપુર જિલ્લાનું એક મથક છે. ઝુસી શહેર તે જ જિલ્લામાં આવેલું હોવું જોઈએ. મુસલમાનોની વસ્તી એ તરફ વિશેષ પ્રમાણમાં પહેલેથી જ હોવી જોઈએ. તેથી ઝુંસીમાં એકવીસ પીરોની દરગાહો હશે. તે શહેરો મુસલમાનોના ધાર્મિક કેન્દ્રો ગણાતા હોવા જોઈએ.
૫. મુસલમાનો મૂર્તિપૂજાના વિરોધી ગણાય. તેઓ હિન્દુઓને મૂર્તિપૂજક તરીકે કાયમ વખોડતા અને દંગલો ઉભા કરતા. આજ રીતે તેઓ એક જ દેવમાં માનતા અને હિન્દુઓ અનેક દેવોમાં માનતા. એકમેકની પરસ્પર ટીકાઓ થતી અને ગંભીર ઝઘડાઓ પણ થતા. આ રીતે બંને પ્રજા વચ્ચે વૈમનસ્યા વધી ગયું હતું. કબીર સાહેબના સમયની આ એક મોટી સમસ્યા હતી. કબીર સાહેબે તેને હલ કરવા માટે પ્રયાસ કરેલો હોવો જોઈએ તે આવાં પદો પરથી નક્કી કરી શકાય એમ છે. તેમણે હિન્દુઓની ભૂલો પણ બતાવી અને સખત રીતે ટીકાઓ કરી અને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું તે અગાઉનાં રમૈનીનાં પદો પરથી સમજી શકાશે. સર્વના એક જ દેવ છે એવું સ્પષ્ટ કહ્યા પછી કબીર સાહેબ આ પદમાં મુસલમાનોને માર્ગદર્શન આપે છે. મુસલમાનોને તઓની થતી ભૂલો તરફ અંગૂલિ નિર્દેશ કરી કબીર સાહેબ તેઓની સખત ટીકા પણ કરે છે. તેઓ મૂર્તિમાં માનતા નથી છતાં કબરની તેઓ પૂજા કરે છે તે શું કહેવાય ? જડ કબરની સામે બેસીને પવિત્ર પુસ્તકો તેઓ શા માટે વાંચે છે ? શું તેઓ એમ સમજે છે કે તેઓના પીર કબરમાં જીવતા બેઠાં છે ? કબીર સાહેબ મુસલમાનો તથા તેમના ગુરૂઓને આ ભૂલ-ભ્રાંતિ-ખૂબ જ હિંમત પૂર્વક બતાવે છે અને દષ્ટિને વિશાળ કરીને વિચારવાનો ઉપદેશ આપે છે.
૬. કબીર સાહેબ કહે છે કે અમારા વચનો ટુંકી દષ્ટિવાળાને સમજાશે નહીં તેથી વિશાળ દષ્ટિ કરવાની જરૂર છે. કબર પણ જડ જ છે. તેની પૂજા પણ વૃથા છે. નાશવંત વસ્તુની પૂજા કરવાથી કદી પણ આત્મ કલ્યાણ થતું નથી. જેનો જન્મને અંત છે. તે વિનાશી જ ગણાય. અવિનાશીનો જન્મ થતો નથી તેથી અંત પણ હોતો નથી. જે પરમાત્મ તત્વ શરીરમાં રહેલું છે તેને જાણવાથી અવિનાશીનો ભેટો થાય છે. અમે તો વારંવાર કહેતા આવ્યા છે કે પ્રત્યેક માનવના શરીરમાં પરમાત્માનો વાસ છે. તેનો પરિચય કેળવો અને તમારું આત્મ કલ્યાણ કરો. આ કબર તો નાશવંત છે. અને રેશમી વસ્ત્રોથી ઢાંકવામાં આવે અને તેના પર ફૂલો ચઢાવવામાં આવે તેથી તમારું આત્મ કલ્યાણ થશે નહીં. ખુદાના દૂતોનું તો ખરેખર જ્ઞાનની આવી વાતોનો ફેલાવો કરાવવાનું કાર્ય ગણાય છે. નબી અને હબી, કે જે ખુદાના દૂત અને પયગંબર કહેવાય. તેઓએ સત્ય જ્ઞાનના પ્રચારનું કાર્ય કરી માનવોથી અજ્ઞાનતા દુર કરવા પ્રયત્ન કરવો જોઈએ. કબરની પૂજા કરે અને કરાવે તે કેવી રીતે ખુદાનો દૂત કે પયગંબર ગણાય ?