કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કહઈત મોહિ ભયલ ૧યુગ ચારી, સમુજત નાહિ મોર સુત નારી
બંસ આગિ લગિ બંસહિ જરિયા, ભરમ ભૂલિ નર ધંધે પરિયા - ૧
૨હસ્તિ-ની ફંદે હસ્તી રહઈ, મ્રિગી કે ફંદે મિરગા પરઈ
૩લોહૈ લોહ જસ કાટિ સયાના, તિય કે તત્ત તિયા પહિચાના - ૨
સાખી : નારી રચતે પુરુષ હૈ, પુરુષ રચંતે નાર
પુરુષ હિ પુરુષા જો રચૈ, ૪તે બિરલે સંસાર
સમજૂતી
મને કહેતા ચાર યુગો વીતી ગયા છતાં મમતામાં મોહિત થઈ સ્ત્રી પુરૂષો કોઈ સમજતું નથી. વાંસના જંગલમાં એકમેકના ઘર્ષણથી આગ લાગે છે અને વાંસનું આખું જંગલ બળીને ખાખ થઈ જાય છે તેમ આ બધા અસક્ત લોકો અક્ષાનતાથી ઉપાધિમાં પડીને વિનાશને માર્ગે જઈ રહ્યા છે. - ૧
જેવી રીતે હાથી હાથણીની આસક્તિમાં શિકારીના બંધનમાં બંધાય છે, મૃગલીના આકર્ષણમાં મૃગ જાળમાં ફસાય છે, હોંશિયાર લોકો દ્વારા લોઢાથી જ લોઢું કપાય છે અને સ્ત્રીનું રહસ્ય સ્ત્રી જ દ્વારા જાણી શકાય છે તેમ અજ્ઞાની મનુષ્યો, મનુષ્યો દ્વારા જ બંધનમાં પડે છે. - ૨
સાખી : સ્ત્રી પુરૂષને પ્રેમ કરે છે અને પુરૂષ સ્ત્રીને પ્રેમ કરે છે એ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. પરંતુ પુરૂષ શરીરમાં રહેલા આત્મતત્વની સાથે પ્રિતિ જોડે તેવા તો સંસારમાં વિરલ પુરૂષો જ હોય છે.
૧. કબીર પંથના વિદ્વાનો કબીર સાહેબ ચારે યુગમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા હતા એવું કહે છે. સત્યયુગમાં “સુકૃતિ”ના નામથી, ત્રેતા યુગમાં “મુનીન્દ્ર”ના નામથી, દ્વાપર યુગમાં “કરૂણામય સ્વામી”ના નામથી અને કળિયુગમાં “કબીર”ના નામથી અવતર્યા હતા. વળી કબીર સાહેબ સત્યપુરૂષ હોવાથી તેઓ સ્વત: આ પૃથ્વી પર પ્રગટ થઈ આવ્યા હતા. માતાના ગર્ભમાં સહારો તેમને લેવો પડ્યો ન હતો. આ સાંપ્રદાયિક માન્યતા કેટલે અંશે આજે વિજ્ઞાન યુગમાં સર્વમાન્ય ઠરે તે કોણ જાણે ? પરંતુ એક વાત તો સાચી છે કે મહાપુરૂષોની વાણી એક સરખી હોય છે. માત્ર શબ્દોથી ભિન્નતાથી ભિન્ન લાગે છે એટલું જ. સુખની શોધને અંતે સર્વે સત્પુરૂષોએ જોરશોરથી કહ્યું જ છે કે સુખ તો અંતરમાં જ રહેલું છે. સુખનો સાગર સર્વના શરીરોમાં સર્વદા ગરજતો જ રહે છે. માત્ર મનાવે જ પોતે અંતર્મુખ બનવાની જરૂર છે. કુદરતે ઈન્દ્રિયો અને મન માનવને આપ્યા છે જરૂર, પણ તે બહિર્મુખ સ્વભાવવાળા છે. સુખની શોધ બહાર જ ભટકીને શોધ્યા કરવાની ટેવ પડી છે. આ ટેવ માનવને ભારે પડી છે.
૨. મન અને ઈન્દ્રિયોમાં જાતીય આકર્ષણ કુદરતી ગણાય છે. તેથી માદા નર તરફ અને નર માદા તરફ આકર્ષિત થઈ સંતોષ અનુભવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેવી પ્રવૃત્તિથી મમતા અને આસક્તિના જોરદાર ભાવોમાં મન ડૂબી જતું હોય છે ને પરિણામે શિકારીની જાળમાં હાથી અને મૃગ ફસાય જાય છે તેમ કાળનો કોળિયો થઈ જાય છે.
હાથીમાં પકડવા માટે હાથણીને બાંધવામાં આવે છે. તેની બાજુમાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હોય છે. તે ખાડાને પોકળ સામગ્રીથી પૂરી દેવામાં આવે છે. જાણે ખાડો જ નથી એવો ભાવ ઊભો કરવામાં આવે છે. હાથણીને મદમસ્ત દશામાં નિહાળીને હાથી આકૃષ્ટ થાય છે અને દોડે છે. પરંતુ પેલા ખાડામાં પડી જાય છે. ને શિકારીના હાથમાં આવી જાય છે. પછી શિકારી કહે તેમ હાથીને કરવું પડે છે. તે પરતંત્ર બની જાય છે તૃષ્ણા, વાસના દરેક જીવમાં ભરપૂર પણે રહેલી હોવાથી પ્રત્યેક જીવની દશા પણ હાથીના જેવી જ થઈ જાય છે. મમતાના ખાડામાં આસક્તિના દોરડે એવો તો બંધનમાં પડે છે કે તેની સ્વતંત્રતા હણાય જાય છે.
૩. સ્વતંત્રતા હણાય જાય છે તે માટે જવાબદાર કોણ ? લોઢાથી જ લોઢું કપાય તેમ જીવથી જીવ આકર્ષાય અને પરતંત્ર બને. સ્ત્રીનું રહસ્ય તે માયા. માયાને કોણ ઓળખી શકે ? તેથી બંધન માટે મન પોતે જ જવાબદાર ગણાય છે. ઉપનિષદ પણ કહે છે કે
મન એવં મનુષ્યાણામ્ કારણામ્ બંધ મોક્ષયો: |
અર્થાત્ બંધન અને મુક્તિનું કારણ તો મનુષ્યનું પોતાનું મન જ છે. તેથી મનની કેળવણી જ અગત્યની ગણાય. કબીર સાહેબનું પ્રસિદ્ધ પદ “મન તોહે કેહિ વિધ કર સમજવું” અહીં યાદ કરવું.
૪. કેળવાયલું મન અંતર્મુખ બની જાય છે. નિત્ય આનંદ સ્વરૂપ આત્મા તરફ તે આકર્ષાય છે અને આત્માનુરાગી બની જાય છે. પરંતુ કરોડોમાં એક જ જીવ આવી પરિસ્થિતિ પર પહોંચી જાય છે. ગિયા પણ કહે છે :
જ્ઞાન હું તુજને વળી પૂર્ણ કહું વિજ્ઞાન
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન.
હજારમાં કોઈ કરે સિદ્ધ કાજ પ્રયાસ,
કરતા યત હજારમાં કોઈ પહોંચે પાસ. (સરળ ગીતા અ-૭)
સાધના અને તપશ્ચર્યાથી જે મન કેળવાયું હોય તે મન જરૂર આત્મા સુધી પહોંચી શકે. આત્મ તત્વનો પરિચય થઈ જાય છે પછી કંઈ જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી એવું અનુભવી પુરૂષો કહે છે તે આ જ સંદર્ભમાં. કબીર સાહેબ હિન્દુ અને મુસલમાનોના સંદર્ભમાં આત્મ તત્વની વાત કરી રહ્યા છે. સૌમાં જે આત્મતત્વ છે તે તો એક જ છે. પછી ભેદને શા માટે મહત્વ આપવું જોઈએ. તાત્વિક દષ્ટિએ માનવ માત્ર એક જ પ્રભુના બાળક છે. આનથી ભેદો ઉદ્દભવ્યા છે તેથી મનને કેળવવામાં આવે તો ભેદ મટે અને આત્મ તત્વનું સત્ય સમજાય.
Add comment