કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧મરિ ગયે બ્રહ્મ ૨કાસિકે વાસી, સીવ સહિત મુયે અવિનાશી
૩મથુરા મરિ ગયે ક્રિસન ગુવારા, મરિ મરિ ગયે દસૌં અવતારા - ૧
મરિ મરિ ગયે ૪ભગતિ જિન ઠાની, સરગુન માંજિન નિરગુન અની - ૨
સાખી : નાથ ૫મછંદરના છુટે, ગોરખ, દત્તા, વ્યાસ
કહંહિ કબીર પુકારિકે, પરે કાલકી ફાંસ
સમજૂતી
બ્રહ્માજીનું શરીર પણ ટક્યું નહિ, કાશી નિવાસી ભગવાન શિવ સહિત અવિનાશી ગણાતા તમામ દેવોના શરીર પણ રહી શક્યા નહિ. મથુરાના શ્રી કૃષ્ણ ગોપાલ પણ ચાલ્યા ગયા અને તેણે દશવાર અવતાર લીધા તે શરીર પણ રહેવા પામ્યા નહિ. - ૧
જે ભક્ત શિરોમણિ આચાર્યગણે ભક્તિની સ્થાપના કરી હતી તે પણ મૃત્યુ પામ્યા અને જતે આચાર્યોએ સગુણમાં જ નિર્ગુણ છે એવો ઉપદેશ આપેલો તેવો પણ રહ્યા નહિ. - ૨
સાખી : કબીર સાહેબ પુકારીને કહે છે કે મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ, દત્તાત્રેય, વ્યાસ જેવા મોટા મોટા લોકો મૃત્યુથી બચી શક્યા નથી.
૧. આગલી રમૈનીમાં ત્રણે લોકમાં મૃત્યુનો પ્રભાવ સરખો હોય છે તે જણાવ્યા પછી મહાન ભક્તો, દેવતાઓ અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવા ત્રિદેવો તથા દસે અવતારો પણ મૃત્યુથી બચી શક્યા નથી તે કબીર સાહેબ આ પદમાં ફરીથી દોહરાવે છે. જે દેહધારી આ જગતમાં આવે છે તેને મૃત્યુ અનિવાર્ય હોય છે. કબીર સાહેબે હિંડોળામાં પદોમાં પણ આ ભાવ વ્યક્ત કર્યો જ છે.
ધરણી આકાશ દોઉ ઝુલિયા, પવન પાવક અરૂ નીર
દેહ ધરી હરિ ઝુલ્યા, યોં કહે દાસ કબીર (નાદબ્રહ્મ પદ-૫૭૦)
અર્થાત્ પંચ મહાભૂત પૃથ્વી, આકાશ, પવન, અગ્નિ તથા પાણીવાળો દેહ ધારણ કરીને ભગવાન પ્રગટ થયેલા તેથી તેમને પણ મૃત્યુનો અનુભવ થયેલો.
૨. ભગવાન શિવ કાશી નિવાસી તરીકે પ્રખ્યાત છે. તેથી ત્યાં કાશી વિશ્વનાથનું મંદિર પણ છે.
૩. ભગવાન કૃષ્ણને મથુરાવાસી કહેવામાં આવ્યા છે. ગોકુળ છોડીને સૌ પ્રથમ મથુરામાં કંસના આમંત્રણને કારણે આવેલા ને ત્યાં જ લાંબા વખત સુધી રહેલા. ભગવાન કૃષ્ણ પણ દેહ ધારણ કરીને આવેલા ત્રેથી તેમનું મૃત્યુ થયેલું. આ રીતે ભગવાનના દસે અવતારો (મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ) મૃત્યુને શરણ થાય છે.
૪. મહાન ભક્તો કે જેણે સગુણમાં નિર્ગુણની ઉપાસના કરી તેઓ પણ દેહ ધારણ કરીને આવેલા તેથી મૃત્યુને ભેટયા હતા.
૫. મહાન યોગીઓ અને જ્ઞાનીઓ પણ મૃત્યુથી બચ્યા નથી. મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ ભારતના મહાન યોગીઓ ગણાતા હતા. તેઓ પરકાયા પ્રવેશ કરી શકતા હતા તેવી તેમની સિદ્ધિ હતી છતાં પણ દેહ ધરીને આવેલા તેથી મૃત્યુને ભેટેલા. દત્તાત્રેય તથા વ્યાસ યોગીઓ તો હતા જ પણ મહાન જ્ઞાની તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ પણ દેહ ધરીને આવ્યા હતા તેથી મૃત્યુને શરણ થયેલા. અ બધાં પુનુરૂકિત થયેલી જણાશે. પરંતુ દેહ ધરીને આવનાર માટે મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે એ સત્ય દેહ માટે મમતા ન જાગે તે માટે કહેવામાં આવ્યું છે એમ માનવું જોઈએ.
Add comment