Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તૈં સુત માનુ હમારી સેવા, તો કહં રાજ દેઉં હો દેવા
અગમ દુગમ ગઢ દેઉં છુડાઈ, અવરો બાત સુનહુ કિછુઆઈ - ૧

ઉતપતિ પરલૈ દેઉં દિખાઈ, કરહુ રાજ સુખ બિલસહુ જાઈ
એકો બાર ન હોઈ હો બાંકો, બહુરિ ન જન્મ હોઈ હો તાકો - ૨

જાય પાપ સુખ હોઈ હૈ ધાના, નિશ્ચય બચન કબીર કે માના - ૩

સાખી :  સાધુ-સંત તેઈ જના, માનલ વચન હમાર
           આદિ અંત, ઉતપતિ પ્રલય, દેખહુ દિષ્ટિ પસાર

સમજુતી

હે શિષ્ય !  તું અમારી સેવાનો સ્વીકાર કર. તો હું તને હે દૈવી સંપત્તિવાળા જીવ, આત્મરાજ્ય દઈશ !  કર્મના અગમ્ય ને જેટિલ બંધનોમાંથી હું તને મુક્ત કરી દઈશ. એ સિવાય પણ બીજી કેટલીક વાતો કરું તે તું નજીક આવી સાંભળ. - ૧

જન્મમરણના રહસ્યને પણ બતાવી દઈશ. આત્મરાજ્યની પ્રાપ્તિથી તને પરમ સુખ મળશે, તું તેમાં આનંદ માણ. તારો એક પણ વાળ વાંકો થવા દઈશ નહીં અને તારો વારંવાર જન્મ થવા દઈશ નહીં - ૨

કબીરના વચનોને નિશ્વયાત્મક રીતે વળગી રહેવાથી પાપમાંથી મુક્તિ મળે જ છે અને અવશ્ય પરમ સુખની પ્રાપ્તિ થાય છે. - ૩

સાખી :  સત્પુરુષના વચનો પ્રમાણે જીવનાર માણસને જ સાધુ કે સંત કહેવાય છે. તું પણ અમારા વચનોમાં શ્રદ્ધા રાખ અને જન્મ મરણના ગૂઢ રહસ્યને, દૃષ્ટિને વિશાળ બનાવી બરાબર જોઈ લે.

૧. ઢોંગી ગુરૂઓના વિચારોથી પ્રભાવિત થયેલા જીવને કબીર સાહેબ ખૂબ વિનમ્ર ભાવે પ્રેમપૂર્વક પોતા તરફ આકર્ષી રહ્યા જણાય છે. અમર વચનોમાં જે શ્રદ્ધા રાખશે તેને અમારી મહાન સેવા કરેલી ગણાશે અથવા તો જે કોઈ પોતાના અજ્ઞાનને દૂર કરવાની અમને ટક આપશે તેણે અમારી સેવા સ્વીકારેલી ગણાશે.
સેવા દ્વારા ઘણી બધી વસ્તુ સમજવાની રહે છે. જો લૌકિક કે પારલૌકિક કામનાઓ ગુરૂના મનમાં સળવળતી હોય તો તેવા ગુરૂને આત્મવિદ્યા વિહોણા જ સમજવા. તેવા ગુરૂની સેવા જુદા પ્રકારે કરવી પડતી હોય છે. તેઓ તો યશ ને ધનના ભૂખ્યા છે તેથી તેઓ શિષ્ય પાસે મનોકામના પૂર્ણ કરવા ઘણી બધી આપેક્ષાઓ રાખતા હોય છે. પરંતુ જે ગુરૂ આત્મસાક્ષાતકરી મહાપુરુષ હોય તેણે લૌકિક કે પારલૌકિક મનોકામનાઓ રહેવા પામતી જ નથી. તાપ પડવાથી જેમ કાદવ સુકાઈ જાય તેમ તપશ્ચર્યાથી, સતત સાધનારત રહેવાથી, મનમાં રહેલી કામનાઓ સુકાઈ જતી હોય છે. મીરાં કહે છે તેમ “ભવસાગર સબ સૂક ગયો હૈ, ફીકર નહીં અબ તરનન કી” તેથી તેવા સદગુરૂની સેવા કરવા ગીતા પણ કહે છે.

અનુભવવાળો હોય જે, જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં, સેવતાં, પૂછ પ્રશ્ન તું કોઈ.
જ્ઞાન તને તે આપશે તેથી મોહ જશે,
જગ આખું મુજમાં  પછી જોશે આત્મ વિશે. (સરળ ગીતા અ-૪)

આત્મ જ્ઞાનનો મહિમા મહાભારત પણ ગાય છે.

ઈષ્ટં દત્તં તપોડધીતં વ્રતાનિ નિયમાશ્ચયે |
સર્વમેતદ્ વિનાશાન્તં જ્ઞાનસ્યાન્તો ન વિદ્યતે ||

અર્થાત તાપ, અધ્યયન, વ્રત, નિયમ અને મળેલ સારાં વરદાન. એ સર્વના ફળનો નાશ થાય છે પણ આત્મ જ્ઞાનના ફળનો કદી નાશ થતો નથી. આત્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત ન થઈ શકે તેથી શાસ્ત્રો અને સંતો સદગુરૂની સેવા સુશ્રૂષાનું મહત્વ ગયા કરે છે.

૨. દેવા શબ્દ દ્વારા શિષ્યમાં દેવી સંપત્તિ એટલે સાત્વિક સંપત્તિ હોવી જરૂરી છે એવુ સૂચન કરવામાં આવ્યું ગણાય. સાત્વિક સંપત્તિ ન હોય તો શિષ્ય કેવી રીતે બની શકાય ?  તેવા માનવનું મન બહિર્મુખ જ રહે ને તેથી પ્રભુની તો શોધ કરે જ નહીં. તેને ગીતા આસુરી સંપત્તિ કહે છે.

દંભ, દર્પ, અભિમાન ને જેઓ કરતા ક્રોધ,
કઠોર ને જે અજ્ઞ છે, પ્રભુની ન કરે શોધ. (સરળ ગીતા અ-૧૬)

તેથી આગળ કહેવામાં આવ્યું કે

તેથી દુર્ગુણ છોડવા ને ગુણિયેલ બનવું,
દૈવી ગુણવાળા બની જીવનને તરવું.

૩. કબીર સાહેબ આત્મ વિદ્યાથી સંપન્ન એવું રાજ્ય આપવાની વાત કરે છે. આત્મા અનંત શક્તિનો ભંડાર ગણાય છે તેથી આત્મ વિદ્યા પ્રાપ્ત કરનારને આત્માની અનંત શક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે. તેઓ જીવનમુક્ત પુરૂષો ગણાય છે. કબીર સાહેબ તેવી ઉત્તમ અવસ્થામાં મૂકી દેવા માટે શિષ્યને ખાત્રી આપે છે.

૪. જે સાધના કરે તેજ સાધુ અને જે કામનાઓનો અંત આણે તે જ સંત. જે અમારા વચનો પ્રમાણે જીવવાનો નિર્ણય કરશે તેની દષ્ટિ વિશાળ થઈ જશે. તે સંસારનું રહસ્ય સમજી શકશે અને માયાવી પડદાઓને ભેદીને આત્માનાં દર્શન કરી શકશે. આત્મા સાક્ષાત્કારથી પરમ સુખનો અનુભવ કરી શકશે.

અહીં એટલું યાદ રાખવું જરૂરી છે કે કબીર સાહેબે કોઈ પંથ કે સંપ્રદાય સ્થાપ્યો ન હતો. આ પદથી કબીર પંથીઓ એવું માની ન બેસે કે કબીર પંથમાં પ્રવેશ કરે તેને આત્મ વિદ્યાની પ્રાપ્તિ થાય જે છે. પંથ કે સંપ્રદાયનું કોચલું તોડ્યા વિના આત્મ રાજ્યની પ્રાપ્તિ થઈ શકે નહિ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083