કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચઢત ૧ચઢાવત ભંડહર ફોરિ, મન નહિ જાનૈ કે કરિ ચોરી
ચોર એક મુસૈ સંસારા, બિરલાજન કોઈ ૨બૂઝનિહારા - ૧
સરગ પાતાલ ભૂમિ લૈ બારી, ૩એકૈ રામ સકલ રખવારી - ૨
સાખી : પાહન હોય હોય સબ ગયે, ૪બિનુ ભિતિયનકે ચિત્ર
જાસે કિયઉ મિતાઈયા, સો ધન ભયો ન હિત્ત
સમજૂતી
હઠ યોગી પ્રાણને ઉંચે ચઢાવ્યા કરે છે અને જીવનરૂપી ઘડો ફુટી જાય છે. છતાં પણ તેઓને કોણે કોની કેટલી ચોરી કરી તેની ખબર પડતી નથી. એ તો કોઈ વિરલ જ્ઞાની પુરુષ જ જાણી શકે કે આખા સંસારના ગુપ્ત ધનની ચોરી (મનરૂપી) એક જ ચોર કરે છે. - ૧
પૃથ્વી, પાતાળ કે સ્વર્ગ ગમે ત્યાં જાઓ પણ આ મનરૂપી ચોરથી તો એક આતમરામ જ બચાવી શકે. - ૨
સાખી : અભિમાનમાં ને અભિમાનમાં પથ્થર સમાન જડ અવસ્થામાં બધા ચાલ્યા ગયા અને કાલ્પનિક જ્યોતિની આરાધના કરતા રહ્યા પરંતુ તે આરાધનારૂપી ધનથી કોઈનું કલ્યાણ થયું નહીં.
૧. હઠયોગી માત્ર પ્રાણનો જ નિરોધ કરે છે, મનનો નહીં. તે એવી ભ્રમણામાં રહે છે કે પ્રાણનો નિરોધ થવાથી મન પર પણ સંયમ સ્થપાય છે. ખરેખર એવું થતું નથી. મન પર સંયમ સ્થાપવા માટે તો વિશિષ્ઠ પ્રકારની સાધના કરવી જ પડે છે. હાં, પ્રાણ સંયમિત કરવાનો પ્રયત્ન કરવો જ પડે છે. હઠયોગી ભ્રમણામાં રહી મનની અવગણના કરે છે.
૨. ખરેખર તો આ મન જ ચોર છે તે તો કોઈ વિરલ જ્ઞાની પુરૂષ જ જાણે છે. જેમ જેમ મન સ્વચ્છંદી બનતું જાય તેમ તેમ વાસનાઓ વધતી જ જાય છે અને મનમાં સંસારની ભાવના દૃઢ થતી જ જાય છે. મનમાંથી સંસારની ભાવનાનો લય કરવાને બદલે સંસારની વૃદ્ધિ જ થયા કરે છે.
૩. મન પર સંયમ સ્થાપ્યા વિના મનની અગાધ શક્તિનો લાભ જીવને મળતો નથી. ચંચળ મન સ્થિર બને અને આત્મ સાક્ષાત્કાર થાય તો જ જન્મ મરણના ભયમાં રક્ષણ થઈ શકે. તેથી મનને આત્મલીન કરવાની ખાસ જરૂર છે.
૪. કેટલાક યોગીઓ કાલ્પનિક જ્યોતિને પરમાત્મા માની તેનું ધ્યાન કરે છે. ખરેખર, મનમાં તેવી જ્યોતિ પ્રગટે પણ છે. પરંતુ તે મિથ્યા છે તેવું ન માનવામાં આવે અને તે જ આત્મતત્વ છે એવું ગણવામાં આવે તો આત્મ કલ્યાણ થઈ શકતું નથી.
Add comment